અમેરિકન અબજોપતિ રામા રાજુ મેન્ટેનાની પુત્રીના લગ્ન માટે ઉદયપુરમાં ભવ્ય આયોજનો કરાયા છે. દેશ વિદેશથી અહીં મોંઘેરા મહેમાનો પધાર્યા છે. આ લગ્ન સમારોહમાં સૌથી વધુ ધ્યાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડે ખેંચ્યું છે.
શુક્રવારની રાતે જુનિયર ટ્રમ્પની ગર્લફ્રેન્ડને બોલિવુડ સ્ટાર રણવીર સિંગે બોલિવુડ ગીત પર નચાવી હતી, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, તો બીજી તરફ લગ્ન પ્રસંગમાં પર્ફોમન્સ આપવા માટે હોલિવુડ પોપ સ્ટાર જેનિફર લોપેઝ ભારત આવી પહોંચી છે. જેનિફરનો એરપોર્ટ લુકનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હોલીવુડ પોપ આઇકન જેનિફર લોપેઝ ઉદયપુરમાં ચાલી રહેલા અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ રામા રાજુ મેન્ટેનાની પુત્રી નેત્રા એલિઝાબેથ અને અમેરિકન મૂળના વામસી ગાદીરાજુના શાહી લગ્ન સમારોહમાં જોડાયા છે.
તા.21થી 24 નવેમ્બર સુધી ચાલતા આ ભવ્ય સમારોહમાં હોલીવુડ પોપ આઇકન જેનિફર લોપેઝનું ખાસ આગમન થયું છે. એરપોર્ટ પરથી બહાર આવતા તેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ફેન્સને હાથ હલાવતા અને સ્મિત સાથે પ્રતિસાદ આપતા નજરે પડે છે.

જેનિફર લોપેઝ ઉદયપુરમાં પ્રથમ વખત આવી નથી. તે પહેલા પણ 2015માં સંજય હિન્દુજા અને અનુ મહતાનીના રાજસ્થાન સ્થિત લગ્નમાં પરફોર્મ કરી વિશ્વનું ધ્યાન ખેંચી ચૂકી છે. આ વખતે પણ તેમના પરફોર્મન્સને લઈને મહેમાનો અને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. એવી ચર્ચા છે કે ગ્લોબલ પોપ સ્ટાર જસ્ટિન બીબર પણ JLO સાથે સ્ટેજ શેર કરી શકે છે.
આ શાહી લગ્નમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેમની ગર્લફ્રેન્ડ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ રણવીર સિંહ અને તેની ગર્લફ્રેન્ડ સાથે બોલીવૂડ ગીત “ઝુમકા ગિરા રે” પર ડાન્સ કરતા જોવા મળે છે.
કેટલાક બોલિવૂડ સ્ટાર્સ પણ આ રોયલ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. રણવીર સિંહ, શાહિદ કપૂર, જાહ્નવી કપૂર, વરુણ ધવન, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડિઝે હાઈ-એનર્જી સ્ટેજ પરફોર્મન્સ આપી દર્શકોને ઝૂમાવી દીધા હતા.
આ શાહી લગ્ન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. જ્યાં હોલીવુડ, બોલીવુડ અને વૈશ્વિક સંગીત જગતના સૌથી મોટા નામોએ એક જગ્યાએ ભેગા થઈને આ લગ્ન સમારોહને ઐતિહાસિક બનાવી દીધું છે.