જેમ્સ કેમરૂનની ફિલ્મ ‘અવતાર 2: ધ વે ઑફ વોટર’ ને ભારતમાં સમીક્ષકોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે પણ પહેલા દિવસે રૂ.૪૧ કરોડની કમાણી થઇ છે. રૂ.3000 કરોડથી વધુના ખર્ચે બનેલી આ ફિલ્મએ સમગ્ર વિશ્વમાં એક જ દિવસમાં રૂ.1000 કરોડની કમાણી કરી છે. તેમ છતાં જેમ્સ ખુશ નથી. કેમકે એના માર્કેટિંગ માટે વધુ ખર્ચ થયો હતો. ભારતમાં રૂ.60 કરોડના ઓપનિંગની અપેક્ષા હતી. ફિલ્મને અગાઉની ‘અવતાર’ કરતાં વધુ ભવ્ય બનાવવામાં આવી છે. થિયેટરમાં સિનેમા જોવાનો એક સારો અનુભવ આપવામાં એમણે કોઇ કમી રાખી નથી. જોકે, વાર્તા અગાઉ જેવી જ લાગતી હોવાથી જેમણે 2009 માં પહેલો ભાગ જોયો હશે એમને કેટલાક કારણોથી થોડી નિરાશા મળશે.
વાર્તામાં કોઇ ચોંકાવનારું તત્વ ન હોવાથી દર્શકને ફિલ્મની ત્રણ કલાકની લંબાઇ ઘણી વધારે લાગી છે. પહેલા ભાગમાં વાર્તા ખેંચાતી લાગે છે એમાં પંદર મિનિટ ઘટાડવાની જરૂર હતી. એક પિતા પોતાના પરિવારને બચાવવા કંઇપણ કરી શકે છે એ પ્રકારના વિષય પર ભારતમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે. વિદેશમાં આ વાત નવી લાગી શકે છે. અલબત્ત ક્લાઇમેક્સમાં ‘ટાઇટેનિક’ ની પણ યાદ આવી જાય છે. એ સાથે ત્રીજા ભાગનો સંકેત આપી જાય છે. ક્લાઇમેક્સ શરૂ થયા પછીના એક્શન દ્રશ્યો જબરજસ્ત છે. ફિલ્મમાં વિલનનું પાત્ર પ્રભાવશાળી બન્યું નથી.
હીરો વિરુધ્ધ વિલનનો મુદ્દો બહુ જામતો નથી. ‘અવતાર’ માં એક નવી દુનિયાના ડર સાથે જે ઉત્સુક્તા અને રોમાંચનો અનુભવ થયો હતો એ બીજા ભાગમાં થોડો ગાયબ છે. જો આ ફિલ્મનો પહેલો ભાગ આવ્યો ના હોત તો એક નવી અને શ્રેષ્ઠ ફિલ્મ ગણી શકાઇ હોત. કેમકે પહેલા ભાગ સાથે સરખામણી કરવી જ પડે એમ છે. 3D માં પહેલા જેટલી રોમાંચક લાગતી નથી. અલબત્ત જેમ્સનું જોરદાર નિર્દેશન અને કલ્પના કેવી હોય છે એ માટે એક વખત જરૂર જોવા જેવી છે. આખી ફિલ્મ પૈસા વસૂલ અનુભવ આપે છે. એલિયન જેવા પાત્રોના ઇમોશન દર્શકને સ્પર્શી જાય છે એ નિર્દેશકની સફળતા છે. એમાં વી.એફ.એક્સ. નો કમાલ હોવા છતાં દરેક દ્રશ્ય અસલી લાગે છે.
‘અવતાર 2’ સાથે બોક્સ ઓફિસ પર કોઇ હિન્દી ફિલ્મની ટક્કર નથી પરંતુ OTT પર વિકી કૌશલની ‘ગોવિંદા મેરા નામ’ જરૂર આવી છે. કરણ જોહરની ‘ગહરાઇયાં’ પછી આ ફિલ્મને થિયેટરમાં રજૂ કરવા કોઇ તૈયાર થયું ન હતું એ જાણીને નવાઇ લાગશે. કેમકે ‘ઉરી’ અને ‘રાઝી’ ને બાદ કરતાં વિકીની છેલ્લી કેટલીક ફિલ્મો કોઇ કમાલ કરી શકી નથી. અલબત્ત કરણ જોહરે વિકી સાથે હમણાં ‘કાલા’ થી ચર્ચામાં આવેલી તૃપ્તિ ડિમરીને લઇ વધુ એક ફિલ્મ ‘યોધ્ધા’ ની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં એને આવતા વર્ષે જુલાઇમાં થિયેટરમાં રજૂ કરવામાં આવશે. એ વાત ખાસ નોંધવી પડશે કે વિકી અને કેટરીનાએ લગ્ન કર્યા પછી બંનેની ફિલ્મ દર્શકોને નિરાશ કરી ગઇ છે.
કેટરિનાની ‘ફોન ભૂત’ અને વિકીની ‘ગોવિંદા મેરા નામ’ માં કંઇ જ ઉલ્લેખનીય ગણાયું નથી. નિર્દેશક શશાંક ખેતાને અસલમાં કોમેડી – રોમાન્સની પાછળ રહસ્ય મૂકીને એક ટાઇમપાસ ફિલ્મ બનાવી દીધી છે. એમાં ખરેખર કોણ હીરો અને કોણ વિલન છે એની ખબર પડતી નથી. જરૂરી અને બિનજરૂરી અનેક ટ્રેક રાખ્યા હોવાથી દર્શકને જકડી રાખવામાં નિર્દેશક સફળ થયા છે. વિકીએ ફિલ્મમાં પરિવર્તન તરીકે કોમેડી કરી છે પરંતુ એમાં તે નામ કમાઇ શકે એમ નથી. એક અભિપ્રાય એવો છે કે ગંભીર અભિનેતા તરીકેની ઇમેજને આવી મસાલા ફિલ્મથી બદલવાની તે ભૂલ કરી રહ્યો છે. કોમેડી ઝોનરમાં કામ કરવું હશે તો વધારે મહેનત કરવી પડશે.
તે પરેશાન પતિની ભૂમિકાને ન્યાય આપી જાય છે. તેની આ પહેલી વ્યવસાયિક ભૂમિકા છે. ગોવિંદાની જેમ સારો ડાન્સ કર્યો છે. ફિલ્મનું નામ વાંચીને એમાં ગોવિંદાની ફિલ્મો જેવી કોમેડી હોવાની આશા પૂરી થતી નથી. ટ્રેલર જોઇને અપેક્ષા હતી એવી સામાન્ય કોમેડી પણ નથી. અસલમાં નિર્દેશક શશાંક ખેતાને ‘મિસ્ટર લેલે’ નામથી વરુણ ધવન સાથે આ ફિલ્મ બનવાની યોજના બનાવી હતી. વરુણ ખસી જતાં એમાં વિકી આવ્યો હતો. ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ ના નિર્દેશક પાસે દર્શકોને કદાચ આવી અલગ ફિલ્મની અપેક્ષા નહીં હોય.
થોડું હાસ્ય પૂરું પાડતી ભૂમિ પેડનેકરની ભૂમિકા ખાસ નથી. કિયારા અડવાણીની ભૂમિકા દમદાર છે અને કામ એનાથી ઘણું સારું છે. તે બહુ સુંદર દેખાય છે. ડાન્સ સાથે અભિનયથી બીજા ભાગમાં પ્રભાવિત કરે છે. રણબીર કપૂર મહેમાન ભૂમિકામાં ખુશ કરી દે છે. રેણુકા શહાણે માતાની ભૂમિકામાં યોગ્ય સાબિત થઇ છે. તે ભૂમિકાને જીવી ગઇ છે. ફિલ્મના ગીતો ‘પપ્પી ઝપ્પી’ અને ‘બીજલી’ થોડું મનોરંજન પૂરું પાડે છે. એમ કહી શકાય કે ‘ગોવિંદા મેરા નામ’ એના નામ પ્રમાણેની ફિલ્મ નથી.