Columns

રાજીવ ગાંધીના ખાસ, કાળિયાર કેસમાં સલમાનને જામીન અપાવનાર, આરએસએસના નજીક મનાતાં, સિનિયર એડવોકેટ બન્યાં દેશના ઉપરાષ્ટ્રપતિ!! જગદીપ ધનખડ

16 જુલાઈની સાંજે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી ત્યારે રાજસ્થાનના ઝુંઝુનુમાં જેટલી મીઠાઈઓ વહેંચાઈ એટલી જ કોલકાતાના રાજભવનમાં વહેંચવામાં આવી હતી. એ જ ઝુંઝુનુ જ્યાંથી ધનખડ છે. એક સમયે જનતા દળના સાંસદ, કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા ધનખડ આજે ભાજપમાંથી દેશના બીજા સર્વોચ્ચ પદ ઉપરાષ્ટ્રપતિ બની ગયાં છે. એ પણ વન સાઇડેડ, જંગી 528 વોટ સાથે. ધનખડની આ પદ સુધી પહોંચવાની સફર ખુબ ઇન્ટરેસ્ટિંગ રહી છે.

જગદીપ ધનખડ મૂળ રાજસ્થાનના છે. તેમનો જન્મ 1951માં ઝુંઝુનુના કિથાના ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની જ સરકારી શાળામાં થયું, તે પછી સૈનિક સ્કૂલમાં તેમની પસંદગી થઈ. ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં 6થી 12 સુધીનો અભ્યાસ કર્યો. સૈનિક સ્કૂલ પછી, ધનખડે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. જોકે, આ પછી તેઓએ વિજ્ઞાનનો અભ્યાસ છોડીને વકીલાત પસંદ કરી હતી. 1978-79માં ધનખડે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું હતું.

વર્ષ 1979માં તેઓએ રાજસ્થાન બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી અને તે પછી વકીલાત શરૂ કરી હતી, જે રાજકારણ સિવાય તેમનો મુખ્ય વ્યવસાય બની ગયો હતો. અલબત્ત, વકીલાતનો આ વ્યવસાય તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યાં ત્યાં સુધી ચાલું રહ્યો હતો. જોકે, જગદીપ ધનખડને સૈનિક સ્કૂલમાંથી 12માં ધોરણ પછી NDA (નેશનલ ડિફેન્સ એકેડમી)માં પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ પરિવારના પૂર્વગ્રહોએ તેમને સૈન્યમાં અધિકારી બનતાં રોકી દીધાં હતાં અને આખરે તેઓ વકીલ બની ગયાં હતાં.

ધનખડ રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં હતાં. 10 વર્ષની એડવોકેટ પ્રેક્ટિસ પછી, બાર કાઉન્સિલ કોઈપણ વકીલને વરિષ્ઠ વકીલનું પદ આપે છે. 1990માં જગદીપ ધનખડને વરિષ્ઠ વકીલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ તે સમય હતો જ્યારે દેશની રાજનીતિ એક વળાંક લઈ રહી હતી અને રાજકારણમાં તેમનો રસ વધવા લાગ્યો હતો. એક સમયે રાજીવ ગાંધીના આંખ અને કાન ગણાતાં વીપી સિંહે તેમની સામે વિરોધનું બ્યુગલ ફૂંક્યું હતું.

જગદીપ ધનખડને નજીકથી ઓળખનારાઓ કહે છે કે તેઓ ચૌધરી દેવીલાલની રાજનીતિથી પ્રભાવિત હતા. દેવીલાલ જ તેમને રાજકારણમાં લાવ્યા હતા. વર્ષ હતું 1989. દેવીલાલ તે વર્ષે તેમનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યાં હતાં. કહેવાય છે કે દેવીલાલના જન્મદિવસની ઉજવણી કરવા માટે જગદીપ ધનખડ રાજસ્થાનથી 75 વાહનો સાથે દિલ્હી પહોંચ્યા હતાં. જગદીપ ધનખડને તેનું ઈનામ પણ મળ્યું હતું. વર્ષના અંતમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. વીપી સિંહના જનતા દળે ધનખડને ઝુંઝુનુમાં તેમનાં વતનથી ટિકિટ આપી હતી.

સરકાર પણ વીપી સિંહે બનાવી હતી. દેવીલાલ ડેપ્યૂટી પીએમ બન્યાં હતા અને રાજકારણમાં પ્રવેશ સાથે જ જગદીપ ધનખડને નાયબ મંત્રીનું પદ મળ્યું હતું. જોકે, વીપી સિંહને સત્તામાં આવ્યાને થોડાં મહિના જ થયાં હતાં. રામ મંદિરને લઈને રાષ્ટ્રીય મોરચાની સરકારમાં ભાજપની ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ હતી અને ભાજપ સરકારમાંથી બહાર નીકળી ગયો હતો. પરિણામે વીપી સિંહની સરકાર પડી ગઈ હતી. આ પછી ચંદ્રશેખરની સરકાર આવી. કોંગ્રેસે ચંદ્રશેખરને બહારથી સમર્થન આપ્યું હતું. કહેવાય છે કે રાજનીતિમાં આવેલાં જગદીપ ધનખડને હજુ બહુ સમય થયો નોહતો, પરંતુ કોંગ્રેસનું સમર્થન લાવવામાં ધનખડની ભૂમિકા મહત્વની હતી.

અહીંથી ધનખડ રાજીવ ગાંધીની નજીક આવ્યા હતા. તેમ છતાં ધનખડને ચંદ્રશેખર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં ન હતા. આની પાછળ એક સ્ટોરી એવી પણ છે કે, ચંદ્રશેખર સરકારમાં રાજસ્થાનના ક્વોટામાંથી બે મંત્રીને કેબિનેટમાં સમાવવામાં આવ્યા હતા. દૌલત રામ સરન અને કલ્યાણ સિંહ કાલવીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો, જ્યારે પાછલી સરકારમાં મંત્રી રહી ચૂકેલાં જગદીપ ધનખડને ફરી એકવાર ડેપ્યૂટી મિનિસ્ટરનું પદ આપવામાં આવ્યું હતું. આથી ધનખડને ગુસ્સો આવ્યો. ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનમાં આપવામાં આવેલી ચંદ્રશેખર સરકારના મંત્રીઓની યાદીમાં જગદીપ ધનખડનું નામ હતું, પરંતુ તેમણે મંત્રી બનવાની ના પાડી દીધી હતી.

થોડાં મહિના વીતી ગયાં અને ચંદ્રશેખરની સરકાર પડી ગઈ! રાજીવ ગાંધીના નજીકના ધનખડને કોંગ્રેસમાં લાવવામાં આવ્યા. 1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેપ્ટન અયુબ ઝુંઝુનુથી ધનખડ સામે ચૂંટણી લડ્યાં હતાં. રાજીવ ગાંધી કેપ્ટન અયુબ પાસેથી ટિકિટ લઈને 1991ની ચૂંટણીમાં ધનખડને આપવા માગતાં ન હતાં. તેની પાછળ લઘુમતીઓની વોટ બેન્ક હતી. રાજીવ ગાંધીએ જગદીપ ધનખડને એવી પ્રપોઝલ આપી કે, અયુબને ઝુંઝુનુથી લડવા દો અને તમે રાજસ્થાનની જે સીટ પરથી લડવા માગો ત્યાંની ટિકિટ લઈ શકો છો. ધનખડે તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને અજમેર બેઠક પસંદ કરી હતી. જ્યાં જાટ, ગુર્જર અને મુસ્લિમ મતો મળીને વસ્તીનાં 50 ટકા હતા.

મુસ્લિમ મતો માટે કોંગ્રેસની બિનસાંપ્રદાયિક છબિ હતી, ધનખડ પોતે જાટ હતા. રાજીવ ગાંધીએ ગુર્જર મતો માટે રાજેશ પાયલોટને આગળ કર્યા હતા. જોકે, પાયલોટને ધનખડની રાજીવ સાથેની નિકટતા પસંદ નહોતી. એવું કહેવાય છે કે રાજીવે અજમેર જઈને ધનખડ માટે પ્રચાર કરવા પાયલોટને બે વાર હેલિકોપ્ટર આપ્યું હતું. પાયલોટ ગયાં, પરંતુ ગુર્જર પ્રભુત્વવાળા વિસ્તારમાં ન ગયાં, જ્યાં તેમની જરૂર હતી. એવું કહેવાય છે કે, રાજીવે તે ચૂંટણીમાં પોતાની બેઠક અમેઠીમાં પ્રચાર માટે ઓછો સમય ફાળવીને અજમેરમાં જગદીપ ધનખડ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો. રાજીવે અજમેરમાં 10 કલાકથી વધુ સમય પસાર કર્યો હતો અને મોડી રાત સુધી પ્રચાર કર્યો હતો.

જોકે, રાજીવ ગાંધીની મહેનત પર રાજેશ પાયલોટનો દાવ ભારે પડ્યો હતો! જગદીપ ધનખડ અજમેરથી ચૂંટણી હારી ગયાં હતાં. રાજસ્થાનના રાજકારણ પર નજીકથી નજર રાખનારાઓનું કહેવું છે કે અજમેરમાં માત્ર જાટ નેતાઓ જ સતત જીતી રહ્યાં હતાં. અને ધનખડ પણ જાટ હતા. અમજેરમાં જાટોની વસ્તી જીત કે હાર નક્કી કરી શકતી હતી. આમ છતાં ધનખડ હારી ગયાં હતાં! ચૂંટણીના થોડાં દિવસો બાદ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ હતી. તે પછી ગાંધી પરિવાર સાથે જગદીપ ધનખડના સંબંધો ખાસ સચવાયા નોહતા.

લોકસભામાં હાર બાદ ધનખડ વિધાનસભામાં ગયાં હતા. 1993માં તેઓ અમજેરની કિશનગઢ બેઠક પરથી ચૂંટાયા હતા. કોંગ્રેસ વિપક્ષમાં હતી. ધનખડના સમર્થકો દાવો કરે છે કે તેઓ રાજસ્થાનમાં એક મોટાં નેતા તરીકે ઉભરી રહ્યા હતાં અને અશોક ગેહલોત તેમની રાજકીય પૃષ્ઠભૂમિમાં ધનખડને ખતરા તરીકે જોઈ રહ્યાં હતાં. વર્ષ 1998માં લોકસભાની ચૂંટણી હતી. ગેહલોતે માધવ રાવ સિંધિયાને જગદીપ ધનખડને ઝુંઝુનુથી ચૂંટણી લડવા માટે સમજાવવા કહ્યું હતું. ધનખડ નહોતા ઈચ્છતાં કે તેઓ આ વખતે ઝુંઝુનુથી ચૂંટણી લડે, પરંતુ સિંધિયાની વાત ટાળી શક્યાં ન હતા. ધનખડે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે, પરંતુ સોનિયા ગાંધીએ ઝુંઝુનુમાં પ્રચાર માટે આવવું પડશે. સોનિયા 50 કિમી દૂર ચુરુ ગયાં હતાં, પણ ઝુંઝુનુ નહીં. કારણ ગમે તે હોય, જગદીપ ધનખડ ફરી ચૂંટણી હારી ગયાં હતા!

1999માં શરદ પવારે કોંગ્રેસ છોડીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. જગદીપ ધનખડ કોંગ્રેસ છોડીને શરદ પવારની પાર્ટીમાં જોડાયા હતા. જોકે, તેઓ NCPમાં લાંબો સમય ટકી શક્યા ન હતા. વર્ષ 2000માં ધનખડ ભાજપમાં જોડાયા હતા. જોકે, આજ સુધી જગદીપ ધનખડને ભાજપમાં આવવાથી કંઈ ખાસ મળ્યું નોહતું, જ્યારે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેમને વસુંધરા રાજેના નજીકના માનવામાં આવતાં હતાં. એવું માનવામાં આવે છે કે સમય જતાં તે નજદીકીયાં દુરિયાંમાં ફેરવાઈ ગઈ અને વસુંધરા રાજેએ ભાજપમાં ધનખડ પર લગામ લગાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ અટલ બિહારી વાજપેયી જૂથના નેતાઓને પણ ધનખડ બહુ પસંદ નહોતા.

જોકે, 1998થી ધનખડે રાજકારણને ગંભીરતાથી લેવા કરતાં વકીલાતના વ્યવસાયને વધુ સમય આપવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધી ધનખડને રાજકારણ કરતાં વકીલાતના વ્યવસાયમાં વધુ સફળ ગણવામાં આવતાં હતાં. ધનખડે ઘણાં રાજ્યોમાં મોટા કેસ લડ્યાં હતાં, પરંતુ એક કિસ્સો જેનો ઉલ્લેખ કરવો જરૂરી છે, તે સલમાન ખાનનો કાળિયાર કેસ હતો. કાળિયાર કેસમાં સલમાનને જામીન અપાવવામાં વકીલોની ટીમમાં જગદીપ ધનખડ પણ સામેલ હતાં.

ઉપરાષ્ટ્રપતિની ખુરશી પર બિરાજમાન જગદીપ ધનખડ વિશે બીજી અનેક સ્ટોરીઓ કહેવામાં આવી રહી છે, જેમાં ભાજપમાં જોડાયાં બાદ ધનખડનું પાર્ટી કરતાં આરએસએસની વધુ નજીક જવું મુખ્ય છે. આરએસએસ એડવોકેટ એસોસિએશનની રચનામાં પણ ધનખડે મહત્વની ભૂમિકા ભજવી છે. ધનખડ તેમની પત્ની સાથે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની જાહેરાતના લગભગ 10 દિવસ પહેલાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જયપુર આવ્યા હતા. આ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવત રાજસ્થાનના પ્રવાસે હતા. તેને ઝુંઝુનુ પણ જવાનું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપ્યાં પછી ધનખડ કોલકાતા રાજભવન પરત ફર્યા હતાં, પરંતુ તેમનાં પત્ની ઝુંઝુનુ ગયાં હતાં. એવું કહેવાય છે કે, મોહન ભાગવત ધનખડના ઘરે ગયાં હતાં. ધનખડના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું, તેમને જમાડ્યાં હતાં. એ પછી 16 જુલાઈએ ભાજપે ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

Most Popular

To Top