ગાંધીનગર(Gandhinagar) : વાયબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે ઉદઘાટન સમારોહ બાદ તા.10મી જાન્યુએ રાત્રે ગાંધીનગરમાં સાંજે ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વખત ના વાયબ્રન્ટ સમિટના પ્રથમ દિવસે કંઈક નવીનતાસભર કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં રાજ્યમાં પહેલી વખત આવા પ્રકારનો ડ્રોન શો યોજવામાં આવી રહ્યો છે . ડ્રોન શો માટે પાંચ જુદી જુદી સાઇટ પણ ઉભી કરવામાં આવી છે. એકી સાથે ૪૦ હજાર લોકો આ ડ્રોન શો નિહાળી શકશે.
આ અંગે મળતી વિગત મુજબ 2000 ડ્રોનની મદદથી ડ્રોન શો યોજવામાં આવશે. આ માટે મહાત્મા મંદિરના ગેટ નંબર 5 પાસે લાર્જ સાઈઝના સ્ક્રીન ઊભા કરવામા આવ્યા છે. આ શો પાંચ કિ.મી સુધીના વિસ્તારમાં જોઈ શકાશે અને તેનો આનંદ લઇ શકાશે આ માટે પાંચ વ્યુ પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મંત્રીમંડળના સભ્યો ઉપરાંત મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને માણી શકાશે. આ શોની પૂર્વ તૈયારીરૂપે ત્રણ દિવસ અગાઉ ખાસ ટ્રાયલ ડ્રાઇવ યોજવામાં આવનાર છે. આ પાંચ વ્યુ પોઇન્ટમાં મહાતમા મંદિર ,રેલવે સ્ટેશનમાં આગળનો ભાગ ,તેમજ પ્લેટફોર્મ વિસ્તાર હોટલ લીલા ની બાજુનું મેદાન, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત મેદાન ક્રિકેટ સ્ટેડિયમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં દેશમા પાંચથી છ જેટલા ડ્રોન્ શો યોજાય છે . ગુજરાતમાં સૌપ્રથમ વખત યોજાઇ રહ્યો છે .
કોરોનાના વાદળો વચ્ચે વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારી
ત્રીજી લહેરના આરંભ સાથે હવે રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે કોરોનાના કોહરામ વચ્ચે આગામી 10-11 અને 12 વાયબ્રન્ટ સમિટ માથે હવે કોરોનાના વાદળો છવાઈ ગયા છે. અધિકારીઓ હવે મહાત્મા મંદિર ખાતે જતાં ગભરાય છે છતાં સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં કોરોના બેકાબૂ બની ગયો છે એમાંય ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાના કેસ માં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બહારના રાજયોમાંથી આવી કામ કરનારા લોકોની સંખ્યા ખૂબ મોટી છે બીજી તરફ જેમ વાયબ્રન્ટ નજીક આવી રહ્યું છે તેમ કોરોના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. માત્ર એક જ સપ્તાહમાં કોરોના કેસમાં પાંચ ગણો વધારો થયો છે.
સચિવાલયમાં કોરોના એ પગપેસારો કર્યો છે વાયબ્રન્ટની જવાબદારી સંભાળતા ઉચ્ચ અધિકારીઓ જ કોરોના ગ્રસ્ત થતા આજે રાજ્ય સરકારને મંત્રીમંડળની બેઠક રદ કરવાની ફરજ પડી છે.ગઈકાલે સચિવાલયમાં ઉમટેલી બેસુમાર ભીડ અને કમલમ ખાતે અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમોને મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ હતી. તેવા સંજોગોમાં વાયબ્રન્ટ સમિટ કોરોનાના કેસો વધારવા માટેની ઈવેન્ટ ના બની જાય તેવી શંકા સેવાઈ રહી છે. રાજ્ય સરકારની મહત્વની જવાબદારી સંભાળતા અધિકારીઓમાં જ કોરોના ના લક્ષણો જોવા મળતા હવે એમઓયુથી માંડીને પ્રોટોકોલ વગેરે મુદ્દે એક અસમંજસ ઊભી થવા પામી છે .