ગાંધીનગર,તા.6
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) દક્ષિણ ગુજરાત માટે વૈશ્વિક વેપારના નવા દ્વાર ખુલ્લા કરે છે. કાપડ, રસાયણ, રત્ન-ઝવેરાત અને દરિયાઈ ઉત્પાદનો જેવા ઉચ્ચ-વૃદ્ધિ ક્ષેત્રોમાં શૂન્ય-ડ્યુટી ઍક્સેસ મળતાં સુરત અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોને સીધો લાભ થવાનો છે. આ પૃષ્ઠભૂમિમાં એપ્રિલ 2026માં સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાત ભારત–EU એફટીએથી સર્જાતી તકોને જમીન પર ઉતારવા માટે એક વ્યૂહાત્મક મંચ સાબિત થવાની છે.
EU બજારમાં ભારતીય નિકાસને મોટો બૂસ્ટ
હાલ યુરોપિયન યુનિયન તરફ ભારતની નિકાસ આશરે રૂ. 1.44 લાખ કરોડ (USD 16.6 બિલિયન) છે. FTA અંતર્ગત ભારતને 97% ટેરિફ લાઇન અને 99.5% વેપાર મૂલ્ય પર પસંદગીની ઍક્સેસ મળશે. તેમાંના 70.4% ટેરિફ લાઇન પર તાત્કાલિક ડ્યુટી નાબૂદ થશે, જે ભારતની 90.7% નિકાસને આવરી લે છે. આ કરાર પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને મજબૂત બનાવતો અને નિકાસ આધારિત વૃદ્ધિને વેગ આપતો ઐતિહાસિક પગલું માનવામાં આવે છે.
સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક તક
EU કાપડ અને વસ્ત્રો માટે ભારતનું બીજું સૌથી મોટું નિકાસ બજાર છે. શૂન્ય-ડ્યુટી ઍક્સેસ અને 12% સુધીના ટેરિફ ઘટાડાથી USD 263.5 બિલિયનનું EU આયાત બજાર ભારતીય કાપડ ઉદ્યોગ માટે ખુલશે.
સુરત, જે મેન-મેડ ફાઇબર (MMF) અને સિન્થેટિક ટેક્સટાઇલનું મુખ્ય હબ છે, તેને યાર્ન, રેડીમેડ ગાર્મેન્ટ્સ, હોમ ટેક્સટાઇલ અને એપેરલ ક્ષેત્રોમાં વિશેષ લાભ મળશે.
રત્ન-ઝવેરાત અને MSME માટે ગોલ્ડન ચાન્સ
વિશ્વના અગ્રણી હીરા પ્રોસેસિંગ કેન્દ્રોમાં સામેલ સુરતમાં 5,000થી વધુ એકમો કાર્યરત છે. FTA હેઠળ USD 79.2 બિલિયનના EU ઝવેરાત આયાત બજારમાં પ્રાધાન્યક્ષમ ઍક્સેસ મળતાં સુરતના MSME આધારિત ઉદ્યોગોને ઉચ્ચ-મૂલ્ય નિકાસની નવી તક મળશે. સુરત SEZમાં કાર્યરત 250થી વધુ જ્વેલરી અને હીરા એકમો માટે આ કરાર ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

રસાયણ અને સીફૂડ નિકાસને વેગ
FTA મુજબ રાસાયણિક નિકાસના 97.5% મૂલ્ય પર શૂન્ય ડ્યુટી લાગુ પડશે, જે દક્ષિણ ગુજરાતના રસાયણ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારશે. સુરત આર્થિક ક્ષેત્ર ગુજરાતના રસાયણ GVAમાં લગભગ 70% ફાળો આપે છે. સાથે સાથે, દરિયાઈ ઉત્પાદનો પર 26% સુધીના ટેરિફ ઘટાડા સાથે EUના USD 53.6 બિલિયનના બજારમાં ગુજરાતના સીફૂડ નિકાસને પણ નવી ગતિ મળશે.
VGRC – દક્ષિણ ગુજરાત: તકોને અમલમાં મૂકતો મંચ
સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) કાપડ, રત્ન-ઝવેરાત, રસાયણ અને સીફૂડ જેવા ક્ષેત્રોને એકત્ર કરીને દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને EUની વધતી માંગ સાથે જોડશે.આ પરિષદ ઉદ્યોગકારો, નિકાસકારો અને MSME માટે ભવિષ્યમુખી, સ્થિતિસ્થાપક અને ટકાઉ નિકાસ વૃદ્ધિનું માર્ગદર્શન આપતી સાબિત થશે.ભારત–EU FTA અને VGRC – દક્ષિણ ગુજરાતનો સંયોજન સુરતને વૈશ્વિક નિકાસ નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે, એમાં કોઈ શંકા નથી.