SURAT

પાલતું શ્વાનથી પણ ચેતીને રહેજો: વેલંજામાં 8 વર્ષના બાળકને કૂતરું કરડ્યું

સુરત: શહેરમાં કૂતરાં કરડવાના બનાવો (Dog Bite Case) બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. ગુરુવારે મોટા વરાછાથી આગળ આવેલા વેલંજામાં (Velanja) 8 વર્ષિય બાળક પાલતું કૂતરા સાથે રમી રહ્યો હતો. ત્યારે કૂતરાએ તેને બચકા ભર્યાં હતાં. ઉપરાંત વરાછા-અમરોલી-ઘોડદોડ રોડ વિસ્તારમાં પણ રખડતાં કૂતરાંએ (Dogs) યુવકોને બચકાં ભર્યાં હતાં.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વેલંજા ગામ વિસ્તારમાં મારુતિધામ સોસાયટીમાં રહેતા સંજયભાઈ માલાણીનો પુત્ર હરેકૃષ્ણ (ઉં.વ.8)ઘર નજીક પાલતું કૂતરા સાથે રમી રહ્યો હતો. દરમિયાન કૂતરાએ તેને અંગૂઠાના ભાગ પર બચકું ભર્યું હતું. આથી તેને રસી મૂકવા માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

તેમજ વરાછા વિસ્તારમાં આવેલા સુરભી કોમ્પ્લેક્સ ખાતે રહેતા લાલુપ્રસાદ લક્ષ્મીકાંત શાહુ (ઉં.વ.28) ઘર નજીક રિક્ષામાં મિત્રો સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો. લાલુપ્રસાદ રિક્ષાની બહાર નીકળતાં તેનો પગ કૂતરા પર પડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો અને તેને પગના ભાગે બચકું ભર્યુ હતું.

તેવી જ રીતે અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે રહેતા અખીલખાન બાબુખાન (ઉં.વ.34) ઘર નજીક જ તેના બાઈકની ચેઇન ઢીલી હોવાના કારણે ટાઈટ કરવા માટે ઘર નજીક ગેરેજમાં ગયા હતા. દરમિયાન ગેરેજ ખાતે જઈને પોતે બાઇકને પાર્ક કરી રહ્યા હતા. દરમિયાન ગેરેજ નજીક રખડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો, જેમાં તેને પગના ભાગે બચકું ભર્યું હતું. બંનેને રસી માટે સ્મીમેર હોસ્પિટલ આવ્યા હતા. ઉપરાંત ઘોડદોડ રોડ પર 22 વર્ષિય મહેશ નામના યુવકને રખડતા કૂતરાએ હાથના પંજા પર બચકું ભર્યુ હતું.

ઘર આંગણે રમતી 6 વર્ષની બાળકીને કુતરું કરડ્યું
થોડા દિવસો પહેલા પણ શહેરના લિંબાયત વિસ્તારમાં બે અલગ અલગ ઘટનામાં બે બાળકીને શ્વાન કરડ્યા હોવાની ઘટના સામે આવી હતી. ઘર આંગણે રમતી 6 વર્ષની બાળકી અને મોટી બહેન સાથે સ્કૂલ જતી ધો. 4માં ભણતી બાળકીને શ્વાન કરડતાં બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સંજયનગરમાં રહેતા પરેશ સિંધેની 6 વર્ષીય દીકરી સવારના સમયે ઘરના આંગણે રમી રહી હતી ત્યારે કૂતરાંઓએ તેની પર હુમલો કર્યો હતો. પરીના થાપા અને જાંઘના ભાગે શ્વાને બચકાં ભર્યા હતા. શ્વાનના હુમલાના લીધે બાળકી રડવા લાગી હતી. તેનો રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી ગયા હતા અને શ્વાનના મોંઢામાંથી છોડાવી તેને બચાવી લીધી હતી.

Most Popular

To Top