Comments

વરસાદી આફત ગુજરાત પર જ નહીં, ભાજપની પ્રજાનિષ્ઠા પર પણ આવી છે

ચોમાસાના સર્વાધિક વરસાદમાં તરબોળ ગુજરાતના ઘણા ઇલાકાઓ મેઘતાંડવથી હેરાન પરેશાન છે. આ વખતનો વરસાદ તો 8 થી 18 ઇંચ સાંબેલાધારે  વરસે છે. દોઢ-બે ઇંચ વરસાદની તો જાણે વિસાત જ રહી નથી. તેમાં પણ દક્ષિણ ગુજરાતને માથે પનોતી બેઠી હોય એમ અઠવાડિયામાં બબ્બે વખત મેઘકહેર થઇ રહી છે. આમ જોઇએ તો છેલ્લાં પંદરેક વર્ષથી નવસારી પંથક ઘણો નસીબદાર છે. આ વખતે જાણે સેવા વધારે લેવા માગતો હોય એમ મેઘરાજાએ નવસારી પર ઘણી કહેર વરસાવી છે. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જો કે અત્યાર સુધીમાં જોઇએ તો નવસારીમાંથી લોકોની વધુ બૂમ આવી નથી કે આટલા વરસાદ અને પાણીમાં અમને ફલાણી તકલીફો પડી રહી છે ને ઢીંકણી હાલાકી અમે ભોગવી રહ્યાં છીએ.

માત્ર નવસારી જ નહીં, ગણદેવી, ચીખલી અને ખેરગામ સહિતનો આખો જિલ્લો જ નહીં, પડોશી વલસાડ જિલ્લો અને ગુજરાતનું કાશ્મીર કહેવાતો ડાંગ જિલ્લો પણ આકાશી આફતનો બરાબર ભોગ બનેલો છે. આમ તો દક્ષિણ ગુજરાત માટે અનરાધાર વરસાદ કંઇ નવી વાત નથી, પણ આ વખતનો વરસાદ પુષ્કળ પ્રમાણમાં તૂટી પડી રહ્યો છે. મોસમે પણ જાણે નોંધ લીધી હોય કે ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે, બરસો રે મેઘા મેઘા, બરસો એવી હાલત વર્ષો પછી થયેલી છે. દર ચોમાસામાં તંત્રની કસોટી થતી હોય છે. દર ચોમાસે શરૂમાં વરસાદ અને પછી વિનાશક પૂર તેમજ તારાજી થકી તંત્રની દોડાદોડ વધી જતી હોય છે. પરંતુ તંત્ર તો તંત્ર જ છે. લાંબો સમય ઘોર્યા કરે જ છે એટલે મેઘરાજાએ ચૂંટણી વર્ષે એને બરાબર ઢંઢોળવા માંડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પ્રદેશપ્રમુખશ્રીની જબરી આણ પ્રવર્તતી હોઇ તંત્ર અહીં જરા સખણું ચાલે છે, બાકી જે રીતે અમદાવાદ, રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બીજા કેટલાક ભાગોમાં તો વરસાદી કહેર ટાણે તંત્ર જેવું જાણે કાંઇ દેખવા હો ની મળે.

અમદાવાદ કે રાજકોટ જેવાં શહેરોની વાત કરીએ તો વરસાદી તબાહીનાં જે વાવડ ત્યાંથી બહાર આવેલા છે, તે જોતાં બે-અઢી ઇંચ પાણી પડે એમાં તો રસ્તાઓ, શેરીઓ, મેદાનો, તળાવો અને નદીઓ-વોંકળા જાણે ઉફાન પર આવી જતા હોય છે. બધું જળબંબાકાર બની જતું હોય છે અને ભરાયેલાં વરસાદી પાણી બબ્બે-ચાર ચાર દિવસ સુધી હટવાનું નામ જ લેતાં નથી. જાણે આખાયે શહેરમાં ખવાતા માવા-મસાલાનાં પ્લાસ્ટિક રેપર્સ, પ્લાસ્ટિકનાં ઝભલાં, પાણીની બાટલીઓ, પેક્ડ ફુડનાં તૂટેલાં પાઉચ ગટરોનાં ઢાંકણાંઓ આગળ આવીને લોહચુંબકની જેમ ચોંટી ગયેલા હોય એમ વરસાદી પાણી ગટરોના હોલ્સ કે કેચપીટ્સમાંથી અંદર જઇ જ શકતાં નથી.

વરસાદી કહેર વકરાવવામાં આવાં પરિબળોનો ફાળો કંઇ ઓછો નથી. તંત્ર આની સામે કંઇ કરતું નથી ને શાકભાજી વેચનારાઓ પર પ્લાસ્ટિકનાં ઝભલાંને નામે જબરી તડાપીટ બોલાવાતી હોય છે. મહાનગરપાલિકાઓના નિષ્ફળ અને ભ્રષ્ટ સાબિત થયેલા કોન્ટ્રાક્ટરબંધુઓને (જ) ફરી ફરીને જાતભાતના એ જ કોન્ટ્રાક્ટ અપાતા હોય છે ને તેને પરિણામે ચોમાસાના વરસાદી માહોલમાં બાપડાં પ્રજાજનો હેરાનપરેશાન થતાં રહે છે. પરંતુ આ વખતના ચોમાસામાં એક કેટલાક અલગ સીન પણ જોવા મળી રહ્યા છે.

આ પ્રકારની સરકારી બદી-ગંદકીને આમઆદમી પાર્ટીવાળા ઝાડુ લઇને સાફ કરી રહ્યા હોય એવા સીન પણ કેટલેક ઠેકાણે નજરે પડે છે. આવી સફાઇ કરનારા અને પ્રજાની દુઃખભરી કહાણીઓ સાંભળનારા આમઆદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને મળી રહેલા લોકપ્રતિસાદને જોઇને કેટલાક સુજ્ઞ ભાજપવાળા મનોમન વસવસો ઠાલવી રહ્યા હોય છે કે પ્રજાની સાચી સેવા કરવાનો આ મોકો છે તેને શા માટે પાર્ટી દ્વારા ગંભીરતાથી લેવામાં આવતો નથી। જેમને વરસાદી પાણીથી નુકસાન થયું છે એવાં મોટા ભાગનાં લોકો ભાજપશાસિત સુધરાઇના તંત્રની ઘોર નિષ્ફળતાને ચૂંટણીના દિવસે સાવ ભૂલી જાય એવું તો હાલ લાગતું નથી.

હવે ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ ખાલી ઓર્ડર કરતા રહેવાને બદલે કે મીટિંગો લેવાને બદલે કેટલા સાચી રીતે મદદરૂપ થાય છે એ જોવાનું રહે છે. જેટલી ચીવટ ચૂંટણીવોર્ડના પેજ વિસ્તારની ગોઠવણો માટે રખાય છે એટલી ચીવટ કે ચિંતા જો વરસાદી પાણી ન ભરાય એને માટે કે ભરાયેલાં વરસાદી પાણીનો કઇ રીતે ત્વરિત નિકાલ થઇ જાય એને માટે રાખવામાં આવે એ પક્ષ, સરકાર અને વ્યક્તિના હિતમાં છે. બાપડાં લોકો પાસે કોઇ વિકલ્પ રહેવા દેવાયો નહીં હોવાથી લોકો અત્યાર લગી મૂંઝાતાં હતાં,પરંતુ આમઆદમી પાર્ટીએ જે રીતે ગામડે ગામડે નેટવર્ક ગોઠવવા માંડ્યું છે તે જોતાં લાગે છે કે ભાજપના જાગૃત નેતાઓ અને કાર્યકર્તાઓએ હવે સવેળા જાગી જવાની જરૂર છે.

આ ચોમાસાની મેઘકહેર એમને માટે એક ચાન્સ લઇને આવેલી હોય એવું હાલની વરસાદી તારાજીની સ્થિતિ જોતાં જણાયા વિના રહેતું નથી. વરસાદી આફત ગુજરાત પર જ નહીં, ભાજપની પ્રજાનિષ્ઠા પર પણ આવી છે. ભાજપવાળા આ ચોમાસું સાચવી લેશે તો આગામી શિયાળો આપોઆપ સચવાઇ જશે. ડિસેમ્બરમાં (જ) રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવવાની છે. અત્યારના સંજોગોમાં વહેલી ચૂંટણી લાવવાની કોઇ જરૂર પણ નથી ને એ માટે સત્તાપાર્ટીની ત્રેવડ પણ નથી. હજુ ઘણી મજલ કાપવાની બાકી છે.

અસંતુષ્ટો અને ટિકિટ વિના રહી જનારાઓને ઠેકાણે પાડવાની વ્યવસ્થા નાના પાયે શરૂ જરૂર થઇ ગઇ છે ને ખાસ કરીને કેટલાક વગદાર અને ચાવીરૂપ ગણાતા પાટીદાર નેતાઓ, ભલે તેમનાં નામો બહુ ગાજતાં ન હોય, પણ વ્યૂહાત્મક રીતે એમની અગત્ય ઘણી હોય એવાઓને આગોતરી સમજણ લાધી હોય એમ સારા સરકારી હોદ્દાઓ પર આજકાલ ગોઠવવામાં જરૂર આવી રહ્યા છે. પરંતુ પ્રજાની પરેશાનીઓના ઉકેલની સાચી દિશાની ગોઠવણો થવી આજે જરૂરી છે. ચોમાસું એક સાથે ઘણી વિટંબણાઓને સંગાથે લઇને આવતું હોય છે. રાજ્યના સત્તાધારી પક્ષને માથે કોઇ રાજકીય વિટંબણા હાલ ભલે દેખાતી નથી, પરંતુ ભવિષ્યમાં ઓચિંતા કેવા કેવા ને મેઘ ક્યારે તૂટી પડે એનું કંઇ કહેવાય નહીં. પ્રદેશ કાર્યકારિણીમાં આમઆદમી પાર્ટીની ખાલી નોંધ લીધે હવે ચાલવાનું નથી એ આ વખતના ચોમાસાનું લર્નિંગ જરૂર છે.        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top