National

જ્ઞાનવાપીમાં ASIનાં સર્વે પર સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર

વારાણસી: યુપીના વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો હતો. મુસ્લિમ પક્ષ માટે આ રોકને મોટી રાહત માનવામાં આવી રહી છે. જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશના આદેશ બાદ ASIની 43 સભ્યોની ટીમ સર્વે કરવા માટે સોમવારે સવારે 7 વાગ્યે જ્ઞાનવાપી પહોંચી હતી. પરંતુ મુસ્લિમ પક્ષે આ સર્વે પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટ ગઈ હતી. SCએ ASI સર્વે પર બે દિવસ માટે રોક લગાવી અને મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. 26 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી જ્ઞાનવાપીમાં કોઈ સર્વે કરવામાં આવશે નહિં.

યુપીના (UP) જ્ઞાનવાપી (Gyanvapi) મસ્જિદ સંકુલનો ASI સર્વે (Survey) શરૂ થયો હતો. ASIની ટીમે સવારે 7 વાગ્યે જ્ઞાનવાપી કેમ્પસમાં પહોંચીને સર્વેની પ્રક્રિયા શરૂ કરી હતી. ASIએ સર્વેનો રિપોર્ટ 4 ઓગસ્ટ સુધીમાં વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુપરત કરવાનો રહેશે. જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે શુક્રવારે મસ્જિદ પરિસરનો વૈજ્ઞાનિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની ટીમ તમામ સાધનો સાથે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પહોંચી હતી. ASIની કુલ 43 સભ્યોની ટીમ પરિક્ષણ કરવા પહોંચી હતી. ASIની ટીમ સાથે 4 વકીલો પણ હાજર હતા. એટલે કે તમામ પક્ષકારોમાંથી એક-એક વકીલ જ્ઞાનવાપી કેમ્પસમાં હાજર હતા. સર્વેની ટીમ સાથે જ્ઞાનવાપીમાં ચાર મહિલાઓ પણ હાજર હતી. આ સાથે સુરક્ષા માટે પોલીસનો પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ASIની ચારેય ટીમો અલગ-અલગ જગ્યાએ સર્વે કરી રહી છે જેમાં એક ટીમ પશ્ચિમ દિવાલ પાસે, એક ટીમ ડોમ માટે, એક ટીમ મસ્જિદના પ્લેટફોર્મ માટે અને એક ટીમ પરિસરનાં સર્વે માટે નિયુક્ત કરવામાં આવી છે. આ સર્વે સાથે બીજી એક મોટી બાબત એ છે કે જો જરૂર હોય તો ઢાંચાને નુકસાન પહોંચાડ્યા વિના ખોદકામની મંજૂરી પણ આપવામાં આવી છે.

શું છે મામલો?
ઓગસ્ટ 2021માં પાંચ મહિલાઓએ વારાણસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) સમક્ષ દાવો દાખલ કર્યો હતો. જેમાં તેમણે જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં બનેલા શ્રૃંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા-અર્ચના કરવા અને દર્શન કરવાની પરવાનગી માંગી હતી. મહિલાઓની અરજી પર જજ રવિ કુમાર દિવાકરે મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર ગયા વર્ષે ત્રણ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે અહીં શિવલિંગ મળી આવ્યું છે. જો કે મુસ્લિમ પક્ષે કહ્યું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે જે દરેક મસ્જિદમાં છે. આ પછી હિન્દુ પક્ષે વિવાદિત સ્થળને સીલ કરવાની માંગ કરી. સેશન્સ કોર્ટે તેને સીલ કરવાનો આદેશ કર્યો હતો. જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે કેસને જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કર્યો હતો.

પાંચમાંથી ચાર ફરિયાદી મહિલાઓએ આ વર્ષે મે મહિનામાં અરજી દાખલ કરી હતી. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાય સમગ્ર સંકુલનો ASI દ્વારા સર્વે કરવામાં આવે. તેના પર જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશે પોતાનો ચુકાદો આપતાં ASIને સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો.

સર્વે કેવી રીતે થશે?
કોર્ટના આદેશ પર હવે ASIની ટીમ મસ્જિદ પરિસરમાં સર્વે કરી રહી છે. જો કે એએસઆઈ તે સ્થાનનો સર્વે કરશે નહીં જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને જણાવ્યું કે આ સર્વેમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

વજુખાનાનો સર્વે કેમ નથી?
જ્ઞાનવાપી મસ્જિસ સંકુલના એડવોકેટ કમિશનના સર્વે દરમિયાન વજુ ખાનામાં શિવલિંગ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં સર્વે દરમિયાન વજુ ખાનામાંથી શિવલિંગ જેવો આકાર જોવા મળ્યો હતો. હિન્દુ પક્ષે તેને શિવલિંગ અને મુસ્લિમ પક્ષે તેને ફુવારો કહે છે. ASIની જે ટીમ હવે સર્વે કરશે તે આ વજુ ખાના અને તેમાં મળી આવેલા કથિત શિવલિંગનો સર્વે નહીં કરે કારણ કે આ મામલો હજુ સુપ્રિમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

સર્વે કેટલો સમય લેશે?
એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનું કહેવું છે કે 2002માં અયોધ્યાના રામ મંદિર કેસમાં ASIને સર્વે કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ASIએ ત્રણ વર્ષમાં એટલે કે 2005માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. તેમનું કહેવું છે કે જ્ઞાનવાપી કેસમાં ત્રણથી છ મહિનાનો સમય લાગી શકે છે. કારણ કે અયોધ્યાની જેમ તેના સર્વેનો વિસ્તાર બહુ મોટો નથી.

વિવાદ શું છે?
જે રીતે અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વચ્ચે વિવાદ થયો હતો તે જ રીતે જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે પણ વિવાદ છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત 12 જ્યોતિર્લિંગોમાં કાશી વિશ્વનાથને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 1991માં કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીઓના વંશજ પંડિત સોમનાથ વ્યાસ, સંસ્કૃતના પ્રોફેસર ડૉ. રામરંગ શર્મા અને સામાજિક કાર્યકર હરિહર પાંડેએ વારાણસી સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાશી વિશ્વનાથનું મૂળ મંદિર 2050 વર્ષ પહેલા રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. 1669માં ઔરંગઝેબે તેને તોડીને તેની જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ બનાવી. આ મસ્જિદ બનાવવા માટે મંદિરના અવશેષોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top