કામરેજ : કામરેજ (Kamrej) ગામની સ્વર્ણભૂમિીમાં રહેતા અને વરાછામાં (Varacha) હીરાનું કારખાનુ ચલાવતા યુવાને આર્થિક સંકડામણમાં તણાવમાં આવી જઈને ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો.
મુળ અમરેલીના કુકાવાવ તાલુકાના દડવા ગામના વતની તુલસી જીણાભાઈ પોશીયા (ઉ.વ.38) હાલમાં કામરેજ તાલુકાના કામરેજ ગામની હદમાં સ્વર્ણભૂમિ સોસાયટીમાં મકાન નંબર 140માં પત્ની કાજલ તેમજ પુત્ર દિપ(ઉ.વ.13) તેમજ ભાઈ સાથે રહેતા હતા. તેઓ વરાછાના મોહનબાગમાં હિરાનું કારખાનું ચલાવતા હતા. રવિવારના રોજ સવારે પોતના કારખાને ગયા હતા. બપોરના 2.00 કલાકે નાનોભાઈ રાજેશ એક ભાઈને મળવા જવું છે તેમ કહીને કારખાને જતા રહ્યા હતા. ત્યારબાદ તુલસીએ નાનાભાઈને ફોન કરીને જણાવ્યું કે તું આપણા કારખાનની ચીજવસ્તુઓ લઈ લેજે હું જાવ છું.
નાનાભાઈએ જણાવ્યું કે જે તકલીફ છે તે મને કહો, તમારે જેને રૂપિયા આપવાના બાકી હોય તે બધાને હું રૂપિયા આપી દઈશ, તેમ કહીને કયાં છો તેમ કહેતા જણાવ્યું કે નનસાડ પેટ્રોલ પંપ પર છું, તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. આ બાબતે સોસાયટીમાં રહેતા લોકોને જાણ કરતા તુરંત જ નનસાડ પેટ્રોલ પંપ પાસે જઈ તપાસ કરતા તુલસી ત્યાં ન મળતા તપાસમાં તેમણે કામરેજ ગામની હદમાં સુકાભાઈ રાઠોડના ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.
બારડોલીમાં વિસર્જન યાત્રામાં બે મંડળ વચ્ચે મારામારીમાં એક યુવાનનું માથું ફૂટ્યું
બારડોલી : બારડોલીમાં ગણેશ વિસર્જન યાત્રામાં બોલાચાલી બાદ બે યુવકોની વચ્ચે મારામારી થતાં ભાગદોડ મચી ગઈ હતી. રેલવે સ્ટેશન ત્રણ રસ્તા નજીક બે મંડળો વચ્ચે કોઈ કારણસર થયેલી મારામારીમાં એક યુવાનનું માથું ફૂટ્યું હતું. જોકે પોલીસ તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.
બારડોલીમાં શુક્રવારે બપોરના સમયે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રાની શરૂઆત થઈ હતી. રેલવે સ્ટેશન ત્રણ રસ્તા નજીકથી વિસર્જન યાત્રામાં પોતપોતાનો ક્રમ મેળવીને અનેક ગણેશ મંડળો યાત્રામાં જોડાયા હતા. તે દરમિયાન બપોરના સમયે બે ગણેશ મંડળના કેટલાક યુવાનો વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. પ્રથમ શાબ્દિક બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ મારામારીની ઘટનામાં એક યુવકનું માથું પણ ફૂટ્યું હોવાનું અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. શેના માટે આ બબાલ શરૂ થઈ એ મામલે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. તો બીજી તરફ પોલીસે વીડિયોને આધારે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ કર્યા બાદ વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.