વાપી : વાપીમાં (Vapi) વાઈબ્રન્ટ પાર્કમાં સરદાર શાકભાજી માર્કેટના (Vegetable market) ગેટ ઉપર ચાની લારી પાસે લારીની બાજુમાં લઘુશંકા કરતા વેપારીને (Merchant) શાકભાજીની લારી ચલાવતા શખ્સે અહીં કેમ પેશાબ કરે છે તવું કહીને ધક્કો મારી પાડી નાંખતા મામલો બિચક્યો હતો. અને વેપારીને માથામાં પથ્થર મારતા તેણે ભાઈને બોલાવ્યો હતો. તે સમયે લારી વાળાએ પણ અન્ય શખ્સોને બોલાવતા વેપારીના ભાઈને પેટમાં ચપ્પુથી ઘા કરતા હોસ્પિટલમાં (Hospital) સારવાર માટે લઈ જવાયો હતો. વાપી વાઈબ્રન્ટ પાર્કમાં સરદાર શાકભાજી માર્કેટમાં દુકાન ધરાવતા શૈલેન્દ્ર યોગેન્દ્ર કુસ્વાહા શાકભાજીની દુકાન બંધ કરી ચાની લારી પાસે આવી ઊભો હતો ત્યારે લઘશંકા કરવા લારી પાછળ જતા ત્યાં લારી ચલાવતો વિજય પાલ આવીને કહેવા લાગ્યો કે અહીં પેશાબ કેમ કરે છે કહીને ઉશ્કેરાઈને તેણે ધક્કો માર્યો હતો.
જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ત્યારબાદ વિજય પાલે એક પથ્થર ઉચકીને માથામાં મારતા શૈલેન્દ્ર કુસ્વાહાને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેણે તેના ભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. સામે વિજય પાલે પણ ફોન કરી તેના મિત્રોને બોલાવ્યા હતા. શૈલેષના મોટા ભાઈ સોનું કુસ્વાહા ત્યાં આવીને વિજય પાલને સમજાવતા હતા ત્યારે વાપી ટાઉનમાં શાકભાજી વેચતા મહાવીર તથા રંગેશ ત્યાં આવી ગયા હતા. મહાવીરે સોનુ કુસ્વાહાને પાછળથી પેટના ભાગે ચપ્પુથી ઘા કરતા લોહી નીકળવા લાગ્યું હતું. તેને સારવાર માટે લઈ જવાયો હતો. પોલીસે શૈલેન્દ્રની ફરિયાદને આધારે મહાવીર અષ્ટભુજા પાંડે, વિજય પાલ કૈલાસ તિવારી તથા ગંગેશ અરવિંદ પાંડે સામે વાપી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભીલાડમાંથી મોટરસાયકલની ચોરી કરનાર આરોપી સુરતથી પકડાયો
ઉમરગામ : ભીલાડમાંથી મોટરસાયકલની ઉઠાંતરી કરનાર આરોપીને પોલીસે સુરતથી પકડી પાડ્યો હતો. ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે કોલોનીમાં રહેતા રવિકાન્ત જ્ઞાની પ્રસાદ (ઉંમર વર્ષ 32) રેલવેમાં ભીલાડ ડેહલી ફાટક ઉપર ગેટ મેન તરીકે નોકરી કરે છે. તેણે પોતાની મોટર સાયકલ નંબર જી.જે-15 બી.એન- 9490 ગત તારીખ 10 મીને મંગળવારના રોજ પોતાના ફરજના સ્થળે ડેહલી ભીલાડ ફાટક ઉપર આવેલા એલ.સી 73 રેલવે ફાટકની પાસે આવેલી કેબીનની પાછળ લોક મારી પાર્ક કરી મૂકી હતી. જે મોટર સાયકલ કોઈ ચોર ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી લઈ ગયો હતો.
ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી
જેની ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશનથી ભીલાડ પોલીસ સ્ટેશનમાં આવેલી ટેલીફોન વરદી મુજબ રાંદેર પોલીસે એક આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે શબરી ઉર્ફે મછરો સરદારસિંહ ગોહિલ (ઉ.વ 36 રહે ખોડીયાર કૃપા સોસાયટી કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે કતારગામ સુરત)ને ઉપરોક્ત નંબરની ચોરેલી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે ભિલાડ પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.