વલસાડ : વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સવારના સમયે મંદિરે જતા કે કોઇ કામ અર્થે જતા વૃદ્ધોને છેતરી તેમની પાસેથી ઘરેણાં ઉતરાવી ચોરી કરવાના બનાવો બનતા રહ્યા છે. આવી જ રીતે વલસાડ અને વાપીમાં (Vapi) બે ગુના બન્યા હતા. ટુંક સમયમાં આવા ગુનાઓ વધતાં વલસાડ એલસીબી સતર્ક બની અને આવા ગુનાઓ આચરતી ઈરાની ગેંગના જાફરી પરિવારના બે ગેંગ લીડરને પકડી પાડી વલસાડ અને વાપી મળી કુલ 3 ગુના ઉકેલી કાઢ્યા છે. આ ગેંગના વધુ 4ની ઓળખ કરી તેમને વોન્ટેડ દર્શાવ્યા છે.
વલસાડના તિથલ રોડ પર સવારે 11 વાગ્યાના સમયે 65 વર્ષના મધુબેન વિનોદ મિસ્ત્રીને બે વ્યક્તિએ અટકાવી જણાવ્યું કે, આગળ પોલીસ ઉભી છે, એવું કહી ઘરેણાં કઢાવી થેલીમાં મુકવાનું જણાવી તેને શિફસ્તાઇથી છેતરીને રૂ. 2.97 લાખના ઘરેણાં ચોરી લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી ઘટનામાં વાપીમાં બાઇક પર આવેલા બે ઠગોએ બપોરેના સમયે 55 વર્ષના નિર્મલાબેન ચંદુ ભાનુશાળીને અટકાવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તેમને જણાવ્યું કે, આગળ જનસેવા હોસ્પિટલ પાસે મર્ડર થયું છે. તમારા ઘરેણાં કાઢીને થેલીમાં મુકી દો, એવું જણાવી તેમના પણ રૂ. 50 હજારના ઘરેણાં ચોરી ગયા હતા.
આવી ઘટનાઓ બનતા વલસાડ એલસીબી પીઆઇ વી.બી. બારડે તપાસ હાથ ધરી બંને કેસમાં એક જ ગેંગ હોવાનું જાણવા મળ્યું હતુ. આ ઈરાની ગેંગને પકડવા તેમણે ચક્રો ગતિમાન કરતાં ઈરાની ગેંગના કમ્બરઅલી ઉર્ફે અખ્તર ઉર્ફે ખમ્મર અનવરઅલી જાફરી (ઉવ.76 રહે. ભીવંડી) અને નાદરઅલી નોસરઅલી જાફરી (ઉ.વ.58 રહે ભીવંડી)ને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી બાઇક અને એક મોબાઇલ કબજે લીધો હતો. જોકે, ઘરેણાં પોલીસના હાથે લાગ્યા ન હતા. તેમની પૂછતાછ બાદ તેમના આવા કાળા કામમાં કમ્બરનો પુત્ર તબરેઝ અને તેની પત્ની બની તબરેઝ જાફરી, નાદરઅલીનો પુત્ર અસદુલ્લા અને તેની પત્ની મેંહદી અસદુલ્લા જાફરી પણ સામેલ હતા. જેના પગલે પોલીસે આ ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વૃદ્ધોને ટાર્ગેટ કરી ઘરેણાં ઉતરાવાની મોડેસ ઓપરેન્ડી
એકલા જતા સમૃદ્ધ પરિવારના વૃદ્ધોને યેન કેન પ્રકારે છેતરી તેમણે પહેરેલા ઘરેણાં ઉતરાવી શિફસ્તાઇથી ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી આ જાફરી પરિવાર દ્વારા ચલાવાતી ઇરાની ગેંગની છે. પ્રભાવશાળી દેખાતા આ પરિવારના સભ્યો એવી વાતો કરે કે કોઇપણ વ્યક્તિ તેમની વાતમાં આવી જાય અને પોતાના ઘરેણાં ઉતારી દે. ત્યારે તેઓ મદદ કરવાના બહાને તેમના ઘરેણાં થેલીમાં મુકવાનું કહી ચોરીને ફરાર થઇ જતા હોય છે.
ગેંગ લીડરો વિરૂદ્ધ મારામારીના પણ ગુનાઓ
જાફરી પરિવારનો વૃદ્ધ કમ્બરઅલી ઉર્ફે અખ્તર ખુબ ઝનુની સ્વભાવનો છે. તેની વિરૂદ્ધ નવસારી અને વલસાડ જિલ્લામાં છેતરપિંડી સિવાય મારામારીના પણ ગુનાઓ દાખલ થયા છે. વર્ષ 2008 થી તેની વિરૂદ્ધ મારામારીના ગુનાઓ દાખલ થયા છે. તે 76 વર્ષનો થયો હોવા છતાં તેણે ચિટીંગ કરવાનું ચાલુ રાખ્યું હતુ અને તે પોલીસના હાથે પકડાઇ ગયો છે. જ્યારે અન્ય લીડર નોસર અલી વિરૂદ્ધ મુંબઇ અને થાણેમાં છેતરપિંડી અને લૂંટના ગુનાઓ દાખલ થયા છે.
જાફરી પરિવાર ઠગાઇમાં નંબર 1 મનાય છે
ઈરાનના આ બે જાફરી પરિવાર ઠગાઇ કરવામાં નં.1 મનાઈ રહ્યા છે. તેના પુત્ર અને પુત્રવધુઓ વિરૂદ્ધ પણ અનેક ગુનાઓ દાખલ થયેલા છે. તેમણે મુંબઇ, વલસાડ જિલ્લામાં અને દમણમાં પણ અનેક પ્રકારે ઠગાઇ કરી છે. કોઇને છેતરીને કે ઠગાઇ કરીને કે યેન કેન પ્રકારે ઘરેણાં તેમજ રોકડ રકમ પડાવી લેવાનો તેમનો ધંધો હોવાનું જોવા મળ્યું છે.