વાપી : વાપી (Vapi) નજીક સલવાવ ખાતે નાઈટ પેટ્રોલિંગ (Night Petroling) દરમિયાન ડુંગરા પોલીસની (Police) ટીમે મહારાષ્ટ્ર (Maharastra) તરફથી ટ્રકમાં સુરત (Surat) તરફ લઈ જવાતો 5760 નંગ બોટલ દારૂ કિં.રૂ. 4.95 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરી ટ્રક (Truck) અને દારૂ (Alcohol) સહિત કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
- પીઆઈ ડી.એમ. ઢોલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી
- પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી હાઈવે પર શનિવારે મોડી રાત્રે સલવાવ ફ્લાય ઓવરબ્રિજ નજીક ડુંગરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીઆઈ ડી.એમ. ઢોલને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ટ્રક નં. એમએચ 03 સીપી 4751ને અટકાવી તલાશી લેતાં મેડિકલ દવાની આડમાં છૂપાવેલો દારૂનો જથ્થો વિદેશી દારૂ-બિયર ટીન નંગ 5760 કિં.રૂ. 4,95,600નો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલક અનિલ કિશનરામ બિશ્નોઈની ધરપકડ કરી રૂ.8 લાખની ટ્રક અને રૂ.3 હજારનો મોબાઈલ મળી કુલ રૂ.12,98,600નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરીયાચ ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, એક વોન્ટેડ
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે 64 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ઈનોવા કાર નં. જીજે 10 બીજી 1179 ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 64,800 રૂપિયાનો વિદેશી દારૂની 108 નંગ બાટલીઓ મળી આવતા મૂળ જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના બારા ગામે અને હાલ જામનગર તાલુકાના ગોકુળ નગરમાં રહેતા કેશુભા ચંદુભાઈ ઉર્ફે બાબુભા જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે કેશુભાની પૂછપરછ કરતા દમણ રહેતા અભય યાદવે દારૂ ભરાવી આપ્યો હોવાનું કબુલાત કરતા પોલીસે અભયને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 2 લાખની કાર અને 2 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,66,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.