વાપી : વાપી (Vapi) નગરપાલિકા દ્વારા વસૂલાતનું લક્ષ્યાંક સિધ્ધ કરવા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાપી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ (Property tax) ના ભરતા મિલકતધારકો સામે નગરપાલિકા ઘરવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત વાપીના બે કોમ્પલેક્ષની ચાર દુકાનોને (Shop) સીલ કરી દેવામાં આવી હતી. નગરપાલિકા વિસ્તારના બાકીદારોને વેરો ભરવા હાલમાં નોટિસો આપવામાં આવી રહી છે. વાપીમાં ને.હા.નં.૪૮ પાસે આવેલા ભવ્ય આર્કેડ તથા યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી બાકી વેરો નહીં ભરતા મિલકતધારકોને પણ નોટિસો પાઠવવામાં આવી હતી.
આ બિલ્ડિંગોના બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 132ની પેટા કલમ (3) હેઠળ ૧૫ દિવસમાં બાકી નીકળતી રકમ ભરવા નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી ૪ બાકીદારોએ નોટિસની અવગણના કરી બાકી વેરાની રકમ ભરપાઈ ના કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેશભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ રાકેશ ઠક્કર અને ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયા તથા ઘરવેરા વિભાગની ટીમ દ્વારા મિલકતોને તાળાં મારી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાપીમાં ને.હા.નં.48 પાસે ભવ્ય આર્કેડની બે દુકાન તથા ગોકુલ વિહારની બાજુમાં યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગની બે દુકાન મળી કુલ ૪ મિલકતોને તાળાં મારવામાં આવ્યા હતા.
૬૪.૧૪ % વેરા વસૂલાત સાથે દ.ગુ.ની પાલિકાઓમાં વાપી પાલિકા પ્રથમ
વાપી નગરપાલિકાએ સપ્ટેમ્બર-૨૨ માસ સુધીમાં કુલ માંગણું રૂ.૧૭૨૬.૭૯ લાખ સામે કુલ વસૂલાત રૂ.૧૧૦૭.૫૬ લાખ મેળવીને ૬૪.૧૪ % વસૂલાત કરી લીધી છે. અને મિલકતધારકોના સહયોગથી વાપી નગરપાલિકા હાલમાં દક્ષિણ ગુજરાતની નગરપાલિકાઓમાં વેરા વસૂલાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
વેરો નહીં ભરનાર મિલકત ધારકોએ દંડનીય વ્યાજ આપવું પડશે
નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે રીબેટ અને દંડના નિયમોનુસાર ચાલુ વર્ષની બાકી વેરાની રકમ પર દંડનીય વ્યાજ વસૂલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. તા.૧/૧૦/૨૦૨૨થી સને- ૨૦૨૨-૨૩ના રહેણાંક, વાણિજ્ય બાકી વેરા પર નિયમોનુસાર દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવશે. જે દર માસમાં ૧% વ્યાજ વધતું જશે અને માર્ચ-૨૦૨૩ સુધી ૬% સુધી લાગશે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ પૂરું થતાં પાછલી બાકી રહેતી તમામ રકમ ઉપર કુલ ૧૨% વ્યાજ લાગશે. મિલકત ધારકોને બાકી વેરો સમયસર ભરી દંડનીય વ્યાજ ભરવામાંથી મુક્તિ મેળવવા પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.