વાપી: વાપી (Vapi)ની પરિણીતા (Married woman)ને તેનો પતિ (husband) રોજ મારમારી પિયરમાંથી દહેજ (dowry) રૂપે રૂપિયા લઈ આવ, નહીં તો મારા ઘરમાં આવીશ નહિ, તેવું કહી વારંવાર ઝઘડો કરતો હતો. પતિ પત્નીને ચામડાના પટ્ટા (hit by belt)થી મારમારી શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યો છે. જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવે તો છૂટાછેડા (divorce) લેવા દબાણ પણ કરતો રહ્યો છે. પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ આખરે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ચલાના નિરંકારી નગર, ગણપતિ મંદિર પાસે રહેતી નિરાલી અને બાપા સીતારામ રોડ, માહ્યાવંશી ફળિયા, સલવાવમાં રહેતા મિલિન રમણ માહ્યાવંશીના લગ્ન 22/04/21ના રોજ થયા હતા. લગ્નના માત્ર 4 મહિનામાં જ નિરાલીની જીંદગી દોઝખ થઈ ગઈ છે. વેલ્સ્પનમાં નોકરી કરતો તેનો પતિ મિલિન વારંવાર ઝઘડો કરી નિરાલીને પિયરથી પૈસા માંગી લાવવા કહી રહ્યો છે. નિરાલીએ તેના પિયરમાં ફોન કરી રૂ.10 હજાર માંગતા તેની માતાએ હમણાં વ્યવસ્થા થાય તેમ નથી. તેવું કહેતાં પતિ મિલિને નિરાલીને મળેલી સગાઈની સોનાની વીંટી માંગી હતી. જે નિરાલીએ નહીં આપતાં મિલિને ચામડાના પટ્ટાથી નિરાલીને માર માર્યો હતો. મિલિન અવાર નવાર આવી રીતે ઝઘડા કરી ‘તું દહેજમાં રૂપિયા કે દાગીના લાવી નથી,’ જેવા મહેણાં ટોણાં મારી ઢીક્કામૂક્કીનો માર મારતો હતો.
ગત 22/05/21ના રોજ નિરાલી તેના પિયરે દહી આણું કરવા આવી હતી. ત્યારે તેના પતિ મિલિને ગાળો આપી ‘હવે પછી મારા ઘરે આવીશ તો તને જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી ગયો હતો. મિલિને તેની સાસુને ફોન કરી જણાવ્યું કે, ‘તમારી છોકરીને હું રાખવા તૈયાર નથી, છૂટાછેડા લેવા માંગુ છું.’ બાદમાં સમાજના આગેવાનોની મિટીંગ બોલાવી મિલિનને સમજાવ્યો છતાં તે ટસનો મસ ન થતાં છેવટે તેનાથી ત્રાસી ગયેલી નિરાલીએ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.