Gujarat

“વંદે માતરમ ક્યારેય અપ્રાસંગિક નહીં થાય, અમૃતકાળમાં નવું પ્રેરણાબળ બનશે”

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ગૌરવ અવસરને વધાવતો સંકલ્પ રજૂ કરતા સીએ ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વંદે માતરમ માત્ર એક ગીત નથી પરંતુ રાષ્ટ્રભક્તિ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક ચેતનાનો જીવંત સ્વર છે. તેમણે કહ્યું કે ગુલામીના કાળખંડમાં રચાયેલું હોવા છતાં વંદે માતરમના શબ્દો અને અર્થ આજે પણ એટલાં જ સુસંગત છે અને આ ગીત ક્યારેય અપ્રાસંગિક બની શકે નહીં. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 1875માં બંકિમચંન્દ્ર ચટ્ટોપાધ્યાયએ વંદે માતરમની રચના કરીને રાષ્ટ્રચેતનાનો દીવો પ્રગટાવ્યો હતો. આ ગીતે આઝાદીની ચળવળને નવી દિશા આપી અને લાખો દેશવાસીઓમાં સ્વતંત્રતાનો સંકલ્પ જાગૃત કર્યો. બ્રિટિશ શાસન દરમિયાન વંદે માતરમ પર પ્રતિબંધ મુકાયો, ગાનારાઓને જેલમાં નાંખવામાં આવ્યા અને અત્યાચાર સહન કરવા પડ્યા, છતાં આ ગીત સ્વતંત્રતાનો જયઘોષ બની રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે વંદે માતરમની દરેક પંક્તિમાં ભારત માતાની જળ-ફળથી સમૃદ્ધ, વિદ્યાદાયિની સરસ્વતી, સમૃદ્ધિદાયિની લક્ષ્મી અને શક્તિસ્વરૂપા દુર્ગા તરીકેની ભક્તિ વંદના સમાઈ છે. 1950માં બંધારણસભાએ તેને રાષ્ટ્રીય ગીત “જન ગણ મન” સમકક્ષ દરજ્જો આપ્યો તે ઇતિહાસની ગૌરવસભર ઘટના છે. તેમણે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ દેશભરમાં વંદે માતરમના 150 વર્ષની ઉજવણી થવા જઈ રહી છે, જે દેશના મહાન નાયકોના પૂણ્યસ્મરણ અને ભારત માતાની ભાવવંદના કરવાનો અવસર છે. અમૃતકાળમાં આ જ ગીત વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ માટે નવું પ્રેરણાબળ બની રહેશે.

મુખ્યમંત્રીએ વધુમાં કહયું હતું કે દેશવિરોધી શક્તિઓ સામે ભારત માતા “બહુબલ ધારિણી” અને “રિપુદલ વારિણી” રૂપે સજ્જ છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાને પ્રબળ બનાવતા અભિયાનો દ્વારા દેશ નવી ચેતના સાથે આગળ વધી રહ્યો છે. વિધાનસભામાં સંકલ્પ રજૂ થયા બાદ “વંદે માતરમ”ના ગુંજારવ વચ્ચે સમગ્ર સભાગૃહ દેશભક્તિની ભાવનાથી ગૂંજી ઉઠ્યું હતું.

Most Popular

To Top