વલસાડ : (Valsad) સયાજી નગરી (Sayaji Nagri) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) માત્ર 3 દિવસનું ત્યજી દેવાયેલું નવજાત શિશુ (New Born Baby) શુક્રવારે પાલઘર (Palghar) પોલીસને (Police) મળી આવતાં પોલીસે વલસાડ બાળ કલ્યાણ સમિતિ સોંપી દીધું હતું. બાદમાં આ બાળકને ચીખલી ખૂંધ સ્થિત શિશુ ગૃહમાં મૂકવામાં આવ્યું છે.વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ ગત 1 સપ્ટેમ્બરે બાંદ્રા-કચ્છ ભૂજ ટ્રેન જ્યારે બાંદ્રા પહોંચી ત્યારે કોચમાં સીટ નીચેથી એક બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરે પોલીસનું ધ્યાન દોર્યું હતું.પોલીસે નવજાત શિશુનો કબજો મેળવી તબીબ પાસે તપાસ કરાવતા તે ત્રણ કલાક અગાઉ જ જન્મ્યું હોવાનું જણાયું હતું. પોલીસે બાળકને પાલઘર શિશુગૃહમાં મૂકી તપાસ શરૂ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું કે બાળકના રડવાનો પ્રથમ અવાજ ટ્રેન વાપી નજીક હતી.
ત્યારે કેટલાક મુસાફરોએ સાંભળ્યો હોવાનુ જણાવતા પોલીસે તપાસ બાદ શુક્રવારે બાળકનો કબજો વલસાડ બાળ કલ્યાણ સમિતિને સોંપ્યો હતો અને મેડિકલ તપાસ બાદ તેને ખુંધ બાળ શિશુ ગૃહમાં મોકલાયો હતો. જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલ સોલંકીએ બાળકનું નામ સિદ્ધાંત પાડ્યું હોવાનુ જણાવ્યું હતું.
બાળકોમાં જોવા મળી રહેલા હેન્ડ, ફૂટ, માઉથ, ડીઝીસના રોગ
પારડી : પારડીના ડો.કાર્તિક ભદ્રાએ બાળકોમાં હાલ જોવા મળી રહેલા હેન્ડ, ફૂટ, માઉથ, ડીઝીસ રોગ અંગે માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ રોગ પાંચથી છ વર્ષના બાળકોને વધુ જોવા મળે છે. મુખ્યત્વે બાળકોના હાથ, પગ અને મોઢામાં વાયરસથી થતો રોગ છે. જ્યારે કેટલાક લોકો ઓરી, અછબડા, માતાજી સમજી ભગત પાસે લઈ જતા હોય છે. ત્યારે તેઓને ખાસ જણાવ્યું હતું કે આ રોગ વાઇરલ ઇન્ફેક્શનથી થતો હોય છે. જેમાં બાળકોને ભારે તાવ, મોઢામાં દુખાવો અને ખંજવાળ આવે છે. અને હાથ પગમાં ચાંદા પડી જતા હોય છે.
દવા આપવાથી ચારથી પાંચ દિવસમાં નિદાન થઈ શકે છે
જે રોગ માટે ગભરાવાની જરૂર નથી કારણકે હેન્ડ, ફૂટ, માઉથ ડીસીઝ રોગ માટે સિન્ટેમેટિક ટ્રીટમેન્ટની જરૂર હોય છે. જે માટે મલમ, ખંજવાળ, દુખાવો અને તાવ જે તે પ્રકારના રોગો મુજબની દવા આપવાથી ચારથી પાંચ દિવસમાં નિદાન થઈ શકે છે. વાલીઓને ખાસ અપીલ કરી હતી કે બાળક જ્યારે આવો ચેપી રોગ ધરાવે ત્યારે શાળાએ મોકલવો જોઈએ નહીં. જેથી અન્ય બાળકો તેના સંપર્કમાં ન આવે જેથી વાયરલ ઇન્ફેક્શન ન વધે. અને બાળકોની કાળજી રાખવા માતા-પિતાને જણાવ્યું હતું.