વલસાડ : વલસાડ (Valsad) મામલતદાર કચેરીના નાયબ મામલતદાર 31મી ડિસેમ્બરની ઉજવણી માટે વાપી (Vapi) ગયા હતા. જ્યાં રાત રોકાઇને બીજા દિવસે પરત થતાં તેમના ઘરમાં ચાર તસ્કરો હાથ સફાયો કરી રોકડા રૂ. 17 હજાર, 3.5 તોલા સોનું મળી કુલ રૂ.1.63 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચાર તસ્કરો સામેની બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને નાનકવાડા શાંતિકુંજ સોસાયટીમાં રહેતા સંદીપકુમાર મનહરલાલ દેસાઇ (ઉવ.52) ગત 31મી ડિસેમ્બરની રાત્રે વાપીમાં રહેતા તેમના સાઢુભાઇના ઘરે પરિવાર સાથે ગયા હતા. તેઓ સાઢુભાઇને ત્યાં જ રાત્રે રોકાઇ ગયા હતા અને બીજા દિવસે વલસાડ પોતાના ઘરે પરત થયા હતા. ત્યારે તેમના ઘરનો દરવાજો તૂટેલો હતો. અંદર જઇને જોતાં સામાન વેરવિખેર પડ્યો હતો. ત્યારે તેમણે તપાસ કરતા તેમના ઘરમાંથી સોનાની વીંટી, બુટ્ટી, પેન્ડન્ટ મળી કુલ 35 ગ્રામ સોનાના ઘરેણાં કિ.રૂ. 70 હજાર અને રોકડા રૂ. 17,700 મળી કુલ રૂ. 1.70 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જેના પગલે તેમણે સામેના બિલ્ડીંગના કેમેરામાં તપાસ કરી હતી. જેમાં 20 થી 25 વર્ષના બે યુવાન એક બાઇક પર અને બીજી બાઇક પર 45 થી 50 વર્ષના બે પુરુષ જે પૈકી એક ટાલ વાળો પુરુષ હતો. આ ચારેય જણા તેમના ઘરની બહાર રેકી કરતા અને પછી અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. જેના પગલે તેમને ચાર જેટલા તસ્કરો ચોરી કરી ગયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આ અંગે તેમણે બે દિવસ બાદ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પછી ચોરીની ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્ક
અત્રે ઉલ્લેખનિય છે કે, તેઓ 1 જાન્યુઆરીના રોજ ઘરે આવી ગયા અને ચોરીની જાણ થઇ તેમ છતાં તેમણે બે દિવસ પછી ચોરીની ફરિયાદ નોંધાવતા અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ માટે એક દિવસનું મોડું થયું હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. જે વાત ગળે ઉતરે એમ નથી. હાલ પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.