વલસાડ : વલસાડના (Valsad) ધમડાચી પીરૂ ફળિયા હાઇવે (Highway) પરથી એલસીબી પોલીસે (Police) બાતમીના આધારે દવાની (Medicine) આડમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા સાત લાખનો દારૂ (Alcohol) ઝડપી પાડી એકની ધરપકડ કરી છે. બેને વોન્ટેડ (Wanted) જાહેર કર્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુટલેગરો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જાત જાતના કીમીયાઓ અજમાવતા હોય છે. જ્યારે એમ્બ્યુલન્સ કે ગેસ વાનમાં પણ દારૂ સંતાડીને લઈ જતા હોય છે. વલસાડ એલસીબી પોલીસની ટીમ રાત્રે હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે આઇસર ટેમ્પોમાં દારૂ સુરત તરફ લઈ જવાના હોય જે બાતમીના આધારે વલસાડના ધમડાચી પીરૂ ફળિયા સરોવર હોટલની સામે નેશનલ હાઇવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમી વાળો ટેમ્પો નંબર જીજે ૦૪એ ટી ૮૫૨૪ આવતા જોતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતાં દવાની આડમાં લઇ જવાતો રૂપિયા ૭,૧૪,૦૦૦ લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ ૨૬૬૪ મળી આવી હતી. ટેમ્પામાંથી દવાના કુલ ૯૮ બોક્સ મળી આવ્યા હતા. જેની કિંમત ૧૨,૪૬,૩૨૫ લાખ છે. પોલીસે મુંબઈનો ટેમ્પાચાલક સલમાન મસ્તાન બાસુ શેખની ધરપકડ કરી છે. બે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ટેમ્પો દારૂ દવા મળીને કુલ્લે ૨૬.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાપીના કોચરવા કુંભારફળિયામાં શરૂના જંગલમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
વાપી : વાપીના કોચરવા સ્થિત કુંભારફળિયામાં શરૂના જંગલ પાસે વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે. લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે છાપો માર્યો ત્યારે બે માણસો ભઠ્ઠી પાસે દારૂ બનાવતા હતા. જોકે પોલીસે છાપો માર્યો ત્યારે બંને ભાગ્યા હતા. જે પૈકી એક ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો શખ્સ ભાગી છૂટ્યો હતો. પોલીસ સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી કબજે લઇ તપાસ હાથ ધરી છે.
દમણીયા દારૂની સાથે હવે વાપી દેશી દારૂનો પણ અડ્ડો બની રહ્યું હોય તેવું પ્રતિત થાય છે. એલસીબીની ટીમે કોચરવામાં કુંભારફળિયામાં છાપો માર્યો ત્યારે શરૂના જંગલની પાસે વાડીમાં બે શખ્સ દારૂની ભઠ્ઠીમાં દેશી દારૂ બનાવવાનું કામ કરતા હતો. પોલીસના છાપામાં મૂળ યુપીનો કોચરવામાં રહેતો ૩૭ વર્ષનો આલમ અબ્દુલ રઝાક અન્સારી ઝડપાઈ ગયો હતો. જ્યારે કોચરવામાં રહેતો મૂળ યુપીનો મોન્ટુકુમાર ભાગી છૂટ્યો હતો. પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો જેમાં પીપડુ તેમજ તપેલું વગેરે સામેલ છે. આ સ્થળેથી દેશી દારૂનો પણ જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આલમ અને મોન્ટુકુમાર મજૂર તરીકે કામ કરે છે. આ જમીનના માલિક રીંપલ મનુભાઇ કોળી પટેલ તથા પ્રદિપ મનુભાઇ કોળી પટેલ થોડા સમયથી અહીં દેશી દારૂ બનાવીને ચોરીછૂપી વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. વાડીમાં દેશી દારૂ બનાવવા માટે ગોળ, પાણી, વાસણો તેમજ લાકડાની જમીન માલિકે વ્યવસ્થા કરી આપી હતી. ડુંગરા પોલીસ મથકમાં આ દેશી દારૂની ભઠ્ઠી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.