વલસાડ, પારડી : વલસાડની(Valsad) ગાયિકા (Singer) વૈશાલી બલસારાનો(Vaisali Balsara) હાઇ પ્રોફાઇલ (High Profile) હત્યા (Murder) કેસ વલસાડ પોલીસે (Police) રાત દિવસ મહેનત કરી ઉકેલી (Resolved) કાઢ્યો છે. વૈશાલી હત્યા કેસમાં પોલીસને કોઇ કડી મળતી ન હતી. જેના પગલે પહેલા દિવસથી જ એસપીએ 1 ડીવાયએસપી, 4 પીઆઇ અને 100 થી વધુ પોલીસકર્મીઓને તપાસમાં જોતરાવી દીધા હતા. તેમણે 150 થી વધુ સીસી ટીવી કેમેરાના 4 દિવસના ફૂટેજ તપાસ્યા હતા. આખા ટીમ વર્કમાં ડીવાય એસપી વી. એન. પટેલ, સિટી પીઆઇ ડી. એમ. ઢોલ, એસઓજી પીઆઇ વી. બી. બારડ, એલસીબી પીઆઇ ગોસ્વામી, પારડી પીઆઇ મયુર પટેલ તેમજ અનેક પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
વલસાડના તમામ અને ગ્રામ્ય વિસ્તારના સીસી ટીવી કેમેરા તપાસ્યા
બબિતાએ વૈશાલીને પૈસા લેવા માટે વશિયર રોડ પર તેની દુકાનથી દૂર ડાયમન્ડ ફેક્ટરી પાસે પૈસા લેવા બોલાવી હતી. જ્યાં 3 ઇસમો કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેઓ તેની કારમાં બેસી ગયા હતા. આ ઇસમો રિક્ષામાં ત્યાં પહોંચ્યા હોવાનું પણ સીસી ટીવી કેમેરામાં કેદ થયું હતુ. જેના પગલે પોલીસે આખા શહેરના ફૂટેજ મેળવી કઇ રીક્ષામાં તેઓ ક્યાંથી બેઠા તે તપાસ કરી હતી. ત્યારબાદ આ રિક્ષામાં તેઓ બિનવાડા અને ચિચવાડા જેવા ગામોમાં ગયા હોય ત્યાંના પણ ફૂટેજ તપાસ્યા હતા.
બબિતાએ ઉછીના પૈસા માંગી કિલરને આપ્યા હતા
બબિતા પાસે રૂ. 8 લાખની રકમ ન હોય તેણે દિલ્હીથી એક મિત્ર પાસે રૂ. 5.5 લાખ માંગ્યા હતા અને વલસાડની તેની મિત્ર મૈના પાસેથી રૂ. 1 લાખની રકમ માંગી હતી અને બાકીના પોતાના પૈસા જોડી રૂ. 8 લાખ વૈશાલીને કારમાં આપ્યા હતા. જે વૈશાલીની હત્યા કરી તેના હત્યારાઓ લઇ ગયા હતા.
બબિતાના 5 અધિકારીએ મેડિકલ સુપરવિઝનમાં સ્ટેટમેન્ટ લઇ ભેદ ઉકેલ્યો
બબિતા હાલ 9 માસની ગર્ભવતી છે. જેના કારણે તેની સાથે તેની ખુબ જ નરમાઇથી પુછતાછ કરી હતી. જેમાં ડી.વાય.એસ.પી. વી. એન. પટેલ, સિટી પીઆઇ ડિ. એમ. ઢોલ, એસઓજી પીઆઇ વી. બી. બારડ, એલસીબી પીઆઇ ગોસ્વામી તેમજ પારડી પીઆઇ મયુર પટેલે પુછતાછ કરી હતી. તમામ અધિકારીઓએ જુદી-જુદી વખત તેના સ્ટેટમેન્ટ લીધા હતા. આ સ્ટેટમેન્ટ વખતે પોલીસે ખાસ મેડિકલ ઓફિસરને સાથે રાખ્યા હતા. તેમજ તેના પતિને પણ સાથે રાખ્યા હતા. તમામ અધિકારીઓને બબિતાએ ગોળ ગોળ ફેરવ્યા હતા, પરંતુ તેણે બોલેલું અર્ધ સત્ય અધિકારીઓએ પકડી પાડ્યું હતુ.
પૈસાના વ્યવહારની કોઇના પણ પતિને જાણ સુદ્ધાં ન હતી
વૈશાલી અને બબિતાના આ મામતર રકમની લેવડ દેવડમાં કોઇના પણ પતિને જાણ ન હતી. વૈશાલીના પતિ હિતેષ પણ આ સંદર્ભે કંઇ જાણતા ન હતા, તેમજ બબિતાના પતિ પણ આ અંગે સંપૂર્ણ પણે અજાણ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ. ત્યારે મહિલાના અત્યંત સ્વચ્છંદી પણાના કારણે વાત આ હદ સુધી વણસી હોવાનું પોલીસ માની રહી છે.