વલસાડ : સામાન્ય રીતે સ્કૂલે (School) જતી કિશોરીઓને મવાલીઓ અને રોડ રોમિયો દ્વારા ત્રાસ અપાતો હોવાની ઘટના અવાર નવાર બનતી રહેતી હોય છે, પરંતુ વલસાડમાં (Valsad) કંઇ જુદી જ ઘટના બની છે. જેમાં શાળાએ જતી એક કિશોરીને એક મહિલા હેરાન કરતી હોવાનું જણાતા સ્થાનિક મહિલાઓએ એકત્ર થઇ આ મહિલાને મારમારી પોલીસને સોંપી હતી.
સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નાના પારસીવાડમાં આજરોજ એક મહિલા સ્કૂલે જતી વિદ્યાર્થિની પાસે છૂટ્ટા પૈસા માંગી તેમજ તેને ઘુરી ઘુરીને જોતી હતી. જેના પગલે આ વિદ્યાર્થિનીએ તેની આવી ચેષ્ટા અંગે તેના પરિવારજનો અને સ્થાનિકોને જાણ કરતા તેઓ ત્યાં ધસી આવ્યા અને મહિલાને માર માર્યો હતો. તેમણે મહિલા પર બાળકો ચોરી જવાના પ્રયાસનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે, આ મહિલાએ કોઇ બાળકો ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું ન હતુ. આ હંગામા દરમિયાન સિટી પોલીસને જાણ થતાં તેઓ પણ ત્યાં આવી ગયા હતા અને મહિલાને સ્થાનિકોથી બચાવી પોલીસ મથકે લઇ ગયા હતા. જોકે, ત્યાં પોલીસે તેની વિરૂદ્ધ કોઇ પગલાં લીધા ન હતા. આ મહિલાને પોલીસે છોડી મુકી હતી અને તેની તપાસ પણ કરી ન હતી.
‘તું મારી જોડે નથી બોલતી, તને જાનથી મારી નાંખવી છે’ કહી પાગલ પ્રેમીનો કિશોરી ઉપર ચપ્પુથી હુમલો
ઝઘડિયા: ઝઘડિયાના પાણેથા ગામના વડવાળા ફળિયામાં નવરાત્રિ પર્વમાં ઘરઆંગણે ગરબા જોતી તરુણી ઉપર એકતરફી પ્રેમમાં પાગલ યુવાને ચપ્પુ વડે હુમલો કરી તેને મારી નાંખવાની કોશિશ કરતાં ગંભીર ઈજાને પગલે તરુણીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં રહેતી ૧૩ વર્ષીય તરુણી ગત તા.2 ઓક્ટોબરે રાત્રે નવરાત્રિ પર્વમાં ઘરઆંગણે મહાકાલી માતાજીના મંદિરે ગરબા રમવા ગઈ હતી અને માતાપિતા સૂઈ ગયાં હતાં. એ વેળા મધરાતે ઘર પાસે બૂમાબૂમ થતાં તેઓ જાગી ગયાં હતાં. એ વેળા તેમની પુત્રી ગળાના ભાગે ઈજાઓ પામેલી હાલતમાં આવતાં તેણીની પૂછપરછ કરતાં ગરબા રમીને બહેનપણી દીપિકા નરેશ વસાવા સાથે ઘર પાસે ગરબા જોતી હતી, એ સમયે ગામના નીલેશ વિષ્ણુ વસાવાએ પાસે આવી તેને પકડી લીધી હતી.
ડરી ગયેલી તરુણીએ તેને ધક્કો મારી દીધો હતો. જેને પગલે તે અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી અને તેને હાથમાં રહેલી ધારદાર છરી ગરદન ઉપર મૂકી ‘તું મારી જોડે નથી બોલતી, તને જાનથી મારી નાંખવી છે’ તેમ કહી ગળું કાપવા જતાં ફળિયામાં રહેતા નરેશ વસાવા દોડી આવ્યા હતા અને છોડાવવા જતાં એકતરફી પ્રેમમાં પાગલ નીલેશ વસાવાએ તરુણીને ગળાના ભાગે અને જેને હુમલામાં બચવા જતા હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. જ્યારે હુમલો કરી હુમલાખોર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ઈજાને પગલે ઈજાગ્રસ્ત કિશોરીને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે ઉમલ્લા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે ઉમલ્લા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી. એ બાદ પોલીસે નીલેશ વસાવાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.