પારડી: વલસાડની (Valsad) સિંગર (Singer) વૈશાલી મર્ડર (Murder) કેસમાં હજુ સુધી પોલીસને (Police) કોઇ કળી મળી શકી નથી. પોલીસે તેની હત્યા કેસમાં અનેક દિશાઓ અને પાસાઓની ચકાસણી હાથ ધરી છે. પોલીસ તપાસમાં હેરી અને વૈશાલીના પણ બીજા લગ્ન (Marriage) હોવાનું બહાર આવ્યું છે. વૈશાલીનો પરિવાર નવસારીનો છે. તેણીના અગાઉ પણ લગ્ન થયા હતા. જોકે, અગાઉના લગ્નમાં ભંગાણ બાદ તેણી સિંગર તરીકે ઓર્કેસ્ટ્રામાં જતી હતી. ત્યારે તેનો પરિચય ગિટારીસ્ટ હિતેશ ઉર્ફે હેરી સાથે થયો હતો. અગાઉના લગ્ન થકી તેને એક પુત્રી હતી. ત્યારબાદ તેના હેરી સાથે લગ્ન થતાં તેને બીજી પુત્રી અવતરી હતી. જ્યારે હેરીના પણ આ બીજા લગ્ન છે. હેરીએ પણ તેની આગલી પત્ની સાથે છૂટા છેડા લઇ લીધા હતા. હેરીને પણ આગલી પત્ની સાથે એક પુત્ર હતો. જોકે, તેનો પુત્ર તેની માતા સાથે રહે છે.
વૈશાલીની હત્યા બાદ હવે તેની બંને બાળકીઓ પરથી માતાનો ઓછાયો છીનવાઇ ગયો છે. તેણીના આવા અપમૃત્યુ બાદ તેણીની બંને પુત્રીઓ પૈકી મોટી પુત્રીની હાલત કફોડી બની ગઇ છે. તેણી હવે કોની સાથે રહેશે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જોકે, તેમના પારિવારિક મામલા હજુ સુધી બહાર આવી શક્યા નથી.
વૈશાલીની મિત્ર બબિતા કૌશિકની સઘન પુછતાછ
વૈશાલી બલસારા ગત 27મીના રોજ સાંજે 7 કલાકે પોતાની ઘરેથી પોતાની કારમાં તેણીની મિત્ર બબિતા જીજ્ઞેશ કૌશિકને ત્યાં પૈસા લેવા ગઇ હતી. ત્યારબાદ તેણી ગાયબ થઇ ગઇ હતી. જેના કારણે બબિતા પણ શંકાના દાયરામાં આવી ગઇ છે અને પોલીસે તેની પણ સઘન પુછતાછ હાથ ધરી છે. જોકે, આ સાથે પોલીસે તેણીના અન્ય મિત્રોની પુછતાછ પણ હાથ ધરી છે.