વાપી : વલસાડ (Valsad) સિવિલ હોસ્પિટલમાં (Hospital) વાપીની (Vapi) સગીર વયે બનેલી માતા તેના નવજાત શિશુને સારવાર માટે લઈને આવી હતી. બાળકને શ્વાસની તકલીફ વધતા તેને કાચની પેટીમાં અને ત્યારબાદ વેન્ટિલેટર પર મૂક્યુ હતું. જે અંગેની જાણ માતાને તબીબોએ કરી હતી. શિશુનું મોત (Death) નિપજ્યા બાદ તબીબોએ માતાની શોધખોળ કરતા મળી ન હતી અને સરનામું તથા ફોન નંબર પણ ખોટા હોવાનું નીકળતા બનાવ અંગેની ફરિયાદ પોલીસ મથકે કરવામાં આવી હતી. જેમાં વાપી ઉદ્યોગનગર પોલીસે સગીર માતા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાપીની સરકારી હોસ્પિટલમાં એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને શ્વાસની તકલીફ હોય વધુ સારવાર માટે તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાળકને શ્વાસની તકલીફ વધતા વેન્ટિલેટર પર મૂકયું હતું. જે અંગેની જાણ માતાને કરી હતી. શિશુનું મોત નિપજ્યા બાદ તબીબોએ તેની સગીર માતા અને તેની સાથે આવેલી નાનીની શોધખોળ કરતા બંને મળ્યા ન હતાં. રજીસ્ટરમાં લખાવેલો નંબર પણ બંધ આવતો હતો અને વાપી સરકારી હોસ્પિટલમાં તપાસ કરતા સરનામું પણ ખોટું હોવાનું જણાયું હતું. આ બાબતે વલસાડ સિવિલ હોસ્પિટલના તબીબે પોલીસ મથકે જાણ કરી હતી અને ઈરાદાપૂર્વક નવજાત શિશુના મૃતદેહને ત્યજી જનાર સગીર માતા સામે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી ૪ વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું
વલસાડ : વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાનો પતિ સાથે ઝઘડો થતા બાળક સાથે સગાસંબંધીને ત્યાં રહેતી હતી. પતિ બાળકને પરત મૂકી જવા માટે જણાવી બાળક લઈ ગયો હતો પરંતુ મોડી રાત્રિ સુધી બાળક પરત મૂકી નહીં જતા પતિને બાળક પરત મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ પતિએ ધમકી આપતા 181 અભયમ ટીમની મદદ માંગી હતી. જેથી વલસાડ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી પરિણીતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, પરિણીતાએ આશરે પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછી પતિ વ્યસન કરીને ખૂબ જ મારઝુડ કરતો અને ખોટી શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતો હતો. ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લાવી આપતો નહીં હોવાથી ઝઘડા થતા હતા. પરિણીતાના માતા-પિતા હયાત નહીં હોવાથી મોટી બહેનના ઘરે રહે છે અને ત્યાંથી કંપનીમાં નોકરી કરવા જાય છે. પતિ બાળકને થોડા સમય પછી પરત મૂકી જઈશ એમ કહી લઈ ગયો હતો, પરંતુ રાત્રિનો સમય થઈ જવા છતાં પરત નહીં મૂકી જતા પરિણીતાએ પતિને બાળક મૂકી જવા કહ્યું હતુ. પતિએ અપશબ્દ બોલી બાળકને કોઈપણ હાલતમાં પરત નહીં મૂકી જવા જણાવી ધમકી આપી હતી. જેથી બાળકનો કબજો મેળવવા ૧૮૧ પર ફોન કરી અભયમ ટીમની મદદ માંગી હતી. અભયમ ટીમે પતિને કાયદાકીય સલાહ સૂચન આપી અને સમજાવવાની કોશિષ કરી જણાવ્યું કે, બાળક માત્ર ૪ વર્ષનું છે અને તમે વ્યસન કરેલી હાલતમાં હોવાથી બાળકની સાર સંભાળ રાખી નહીં શકો જેથી બાળકને માતાને સોંપી દેવા જણાવ્યું હતું. ઘણી સમજાવટ બાદ પતિ બાળકને પરત આપવા રાજી થતા પરિણીતાને બાળકનો કબજો મળ્યો હતો. જેથી પરિણીતા અને તેમના સગા સંબંધીઓએ 181 ટીમનો આભાર માન્યો હતો.