વલસાડ : વલસાડ (Valsad) એચડીએફસી બેંકમાં (HDFC Bank) ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા ધરમપુરના વિનય મેરાઇએ 11 કસ્ટમરોના સેલ્ફના (Self) અને સીઓડી (COD) મેળવી બેંકમાંથી રૂ. 57.49 લાખ ઉપાડી લઇ કસ્ટમર અને બેંક સાથે છેતરપિંડી (Fraud) કરી હતી. જેના પગલે તેના વિરૂદ્ધ પોલીસ (Police) ફરિયાદ થઇ હતી અને તેની સામે સિવિલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેની સૂનાવણી હાથ ધરાતા એડિ.સિની. સિવિલ જજ બી.વી.વ્યાસે ડેપ્યુટી મેનેજરને 7 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વલસાડ હાલર રોડ એચડીએફસી બેંકની શાખામાં ખાતુ ધરાવતા પ્રવિણ નટવરલાલ આહિર પોતાની ફિક્સ ડિપોઝીટ પર લોન લેવા માટે ગયા હતા. જેમના 41 સીઓડી (કન્ફર્મેશન ઓફ ડિપોઝિટ) બેંક સાથે મેચ થતા ન હતા. તેમને બેંકના કર્મચારીએ ખોટા સીઓડી બનાવી આપ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, તેમના પર્સનલ બેંકર વિનય મેરાઇ (રહે.ધરમપુર કુંભારવાડ)ને તેમણે સેલ્ફના ચેક આપી સીઓડી કરવા આપ્યા હતા. ત્યારે બેંકના મેનેજરે વિનયને તેમની હાજરીમાં બોલાવી પુછતાં તેણે જણાવ્યું કે, તેણે સીઓડી બનાવી આપ્યા હતા. આ પૈસા પરત આપવા વિનયે ખાત્રી આપી હતી, પરંતુ તેણે પૈસા આપ્યા ન હતા અને પછી બેંકમાં આવવાનું પણ બંધ કરી દઇ મોબાઇલ બંધ કરી દીધો હતો. જેના પગલે બેંક મેનેજર ગૌરવ પટેલે તેના વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ વિનયની ધરપકડ પણ થઇ હતી. જેની સામે વલસાડ સિવિલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેની સૂનાવણી હાથ ધરાતા જજે વિનયને 7 વર્ષની સખત કેદ અને રૂ. 1.70 લાખના દંડની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જો તે દંડ નહીં ભરે તો વધુ 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
ભરૂચમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરતા વેપારીની ધરપકડ
ભરૂચ: ભરૂચ SOGએ ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાંથી ડુપ્લિકેટ લીવાઇસ કંપનીનાં કપડાં સાથે વેપારીને ૧.૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓના વેચાણમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે માસ દરમિયાન જ કેટલાંક સ્થળે દરોડા દરમિયાન બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વસ્તુઓ વેચાણ થતી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં લાખોની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
હાલ ભરૂચની ઝાડેશ્વર ચોકડી સ્થિત મધુરમ પાર્ટી પ્લોટ સામે ચાઈ સુટ્ટાવારની ઉપર ખુશી હોલમાં લીવાઇસ કંપનીના કપડાંનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે, એવી બાતમીના આધારે કંપનીના એક્ઝિક્યુટિવ મેહુલ હરિષચંદ્ર ઘોલેએ ભરૂચ એસ.ઓ.જી.ના સ્ટાફને સાથે બાતમીવાળી દુકાન ખાતે રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી બ્રાન્ડેટ કંપનીના ડુપ્લિકેટ શર્ટ-૧૦, ટી-શર્ટ ૨૦૦ અને જીન્સ ૯૦ સહિત ૫૦૦ નંગ કપડાં મળી કુલ ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મઢી સુરાલીની ગાંધીનગર સોસાયટીમાં રહેતા સંચાલક વિજયસિંહ જેરામસિંહ અવધિયા સામે કોપી રાઈટ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.