વલસાડ : (Valsad) વાપીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા એક યુવકને અદાણી (Adani) સીએનજી ડિલરશીપ (Dealership) અપાવવાના બહાને રૂ. 94.20 લાખની માતબર રકમનો ચુનો ચોપડવાની ઘટનાને વલસાડ પોલીસે ગંભીરતાથી લઇ તેની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે બિહારમાં બેસીને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી ઠગાઇ કરતી ટોળકીને પકડી પાડી વલસાડ જિલ્લાનો સૌથી મોટો સાઇબર ક્રાઇમે ઠગાઇનો કેસ ઉકેલી કાઢ્યો છે.
વાપીના યુવાન સમકિત શાહે ડિલરશીપ માટે ગુગલ સર્ચ કર્યું હતું
વાપીના યુવાન સમકિત રાજેન્દ્ર શાહને અદાણી ગેસ એજન્સી લેવાનું મન થતાં તેણે તેની ડિલરશીપ માટે ગુગલ સર્ચ કર્યું હતું. જેમાં તેને જે વેબસાઇટ મળી એ વેબસાઇટ પર દર્શાવેલા ઇમેઇલ પર તેણે પોતાના ડોક્યુમેન્ટ સાથે એપ્લાઇ કર્યું હતુ. આ એપ્લાઇ કર્યા બાદ તેણે તેમના જણાવ્યા મુજબ ટુકડે ટુકડે પૈસા આપવાનું ચાલુ કર્યું. જેમાં તેણે રૂ. 45 હજારથી લઇ રૂ. 46 લાખ રૂપિયા સુધીની રકમ મળી કુલ રૂ. 94.20 લાખનું કુલ પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ આ ઠગ ટોળકીએ જ તેને અમદાવાદ ફાઇનલ ડોક્યુમેન્ટેશન માટે બોલાવ્યો હતો. જ્યાં જઇને તેને ખબર પડી કે, તેણે જે વેબસાઇટ પર વાત કરી એ અદાણી ગૃપની વેબસાઇટ જ ન હતી. તેણે જેને પેમેન્ટ કર્યું એ અદાણી ગૃપ ઓફ કંપનીનું હતું જ નહી. ત્યારે આ આખી ઘટનામાં તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઇ આખો મામલો ગુંચવાયો અને આ મામલે તેણે વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા
વલસાડ જિલ્લાના ઇતિહાસમાં સાઇબર ક્રાઇમની આ સૌથી મોટી ઠગાઉનો કેસ હતો. જેના પગલે પોલીસે વેબસાઇટની ઝીણવટભરી તપાસ કરી તેના આઇપી એડ્રેસ તેમજ ફોન નંબર પર વાત થઇ એ ટ્રેક કરવાનું શરૂ કરતાં કેસનો રેલો બિહાર પહોંચ્યો હતો. બિહારથી વેબસાઇટ ઓપરેટ થતી હતી. જેના માસ્ટર માઇન્ડ તેમજ જે વ્યક્તિના એકાઉન્ટ ઉપયોગમાં લેવાયા તેને પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જોકે, પોલીસ હજુ સુધી ગુમાવેલા રૂ. 94.20 લાખ રિકવર કરી શકી નથી.
આ આરોપીને પોલીસે પકડી પાડ્યા
સચ્ચિદાનંદ સુરેન્દ્રપ્રસાદ સિન્હા, અમિતકુમાર કૌશલ કિશોર, શુભમકુમાર શ્રીરામ શર્મા (તમામ રહે. શેખપુરા બિહાર), જેણે જુદા જુદા એકાઉન્ટ ભાડે આપી ઠગાઇના પૈસા મેળવવામાં મદદ કરી હતી. જ્યારે ગુલશનકુમાર વિનોદકુમારે adanicngdealership.co નામની વેબસાઇટ બનાવી ઠગાઇ કરી પૈસા મંગાવ્યા હતા.
પોલીસે ઠગાઇમાં ઉપયોગમાં લેવાયેલા 6 ખાતા સીઝ કર્યા
વાપીના યુવાનને છેતરી રૂ. 94.20 લાખ પડાવી લેવા 6 એકાઉન્ટનો ઉપયોગ થયો હતો. પોલીસે આ તમામ ખાતાઓ સીલ કર્યા હતા. તેમજ તેની પાસબુક પણ કબજે લીધી હતી. આ એકાઉન્ટ થકી પૈસા ક્યાં ક્યાં ગયા તેનો રેકોર્ડ પણ પોલીસ મેળવી રહી છે. આ સિવાય પોલીસે બે મોબાઇલ અને બે સીમકાર્ડ પણ કબજે લીધા છે.
વોન્ટેડ આરોપીઓ
ઇન્દ્રજિત, મોનુ, પ્રભાત ઉર્ફે ચિન્ટુ, ગુરુશંકાર ઉર્ફે ચંદુ આ તમામ આરોપીઓ વેબસાઇટ બનાવવામાં ગુલશનકુમારનો સાથ આપતા હતા અને ઠગાઇમાં તેમની મુખ્ય ભુમિકા હતી.