વલસાડ : વલસાડના (Valsad) અબ્રામા ધરમપુર ચોકડી હાઇવે (Highway) પરથી પોલીસે (Police) ઇકો કારમાંથી (Car) રૂ.30,000નો ઈગ્લિંશ દારૂ (Alcohol) સાથે વડોદરા પતિ-પત્નીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેહાનં.48 પર સુરત તરફ જવાના ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી કાર આવતા પોલીસે કાર અટકાવી તપાસ કરતા રૂ.30,000નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 60 મળી આવી હતી. પોલીસે વડોદરામાં રહેતા કૃતિક વિપીનચંદ્ર પરમાર અને નિશાબેન કૃતિક વિપિનચંદ્ર પરમાર પતિ- પત્નીની ધરપકડ કરી હતી. પોલીસે કાર અને દારૂ મળીને કુલ રૂ. 2.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
પારડીથી કારમાં દારૂ લઇ જતો પરિયાનો બૂટલેગર મહિલા સાથે ઝડપાયો
પારડી : પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કારમાં દારૂની હેરાફેરી કરતા પરિયાના બૂટલેગર યુવક અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પારડીના પરીયાથી ભેંસલાપાડા જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી i20 કાર નં.એમએચ-04 ડીવાય 3218 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલા ચોર ખાનામાંથી 108 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.18 હજાર મળી આવ્યો હતો. પોલીસે પરિયાનો બૂટલેગર નિરજ પ્રવીણ પટેલ અને તેની સાથે બેઠેલી જીનલ ચંદુ હળપતિ (બન્ને રહે. પારડી પરીયા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંજય રણજીત રાઠોડ (રહે બારડોલી સુરત)ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરીએ વધુ તપાસ હાથ ધરી છે.
મહુડી ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઝડપાયા, 3 વોન્ટેડ
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે મહુડી ગામે નિશાળ ફળિયા ગુજરાતી સ્કૂલની સામેથી એક ઇકો કાર (નં. જીજે-21-સીસી-4885)ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 28,240 રૂપિયાના વિદેશી દારૂની 284 નંગ બાટલીઓ મળી આવતા નવસારીના કંબાડા ગામે નાયકીવાડ ફળીયામાં રહેતા અજયભાઈ કાથુરભાઈ નાયકા અને મહુડી ગામે તાડ ફળીયામાં રહેતા રાકેશભાઈ જનકભાઈ નાયકાને ઝડપી પાડ્યા હતા. પોલીસે અજયભાઈ અને રાકેશભાઈની પૂછપરછ કરતા વલસાડના પારડી ગામે રહેતા લલીતભાઈ તૈલીએ દારૂ ભરાવી આપ્યો હતો અને કબીલપોર જામપીર મહોલ્લામાં રહેતા ભોપો અને સુમનભાઈએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે લલીતભાઈ, ભોપો અને સુમનભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2 લાખની કાર અને 500 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 2,28,740 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.