ન્યૂયોર્ક : સર્બિયાનો દિગ્ગજ ટેનિસ સ્ટાર (Tennis star) અને ત્રણવારનો યુએસ ઓપન ચેમ્પિયન (US Open Champion) નોવાક જોકોવિચ આ વખતે યુએસ ઓપન 2022માં રમી શકશે નહીં. આ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ શરૂ થઈ ગઈ છે, પરંતુ નોવાક જોકોવિચ કોરોના પ્રોટોકોલને કારણે અમેરિકાનો પ્રવાસ કરી શકે તેમ નથી. જોકોવિચે કોરોનાની રસી ન લીધી હોવાના કારણે તે આ વખતે યુએસ ઓપનમાં ભાગ લઇ નહીં શકે, આ જ કારણોસર તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન પણ રમી શક્યો નહોતો. નોવાક જોકોવિચે કહ્યું હતું કે કે તે યુએસ ઓપન માટે આ વખતે ન્યૂયોર્ક જઈ શકશે નહીં. જો કે તેણે તેના માટે કોરોનાની રસી ન લીધી હોવા બાબતનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.
- કોરોનાની રસી ન લીધી હોવાથી કોરોના પ્રોટોકોલને કારણે જોકોવિચ અમેરિકા જઇ શકે તેવી શક્યતા નહોતી
- જોકોવિચે રસીકરણના ઉલ્લેખ વગર ટ્વિટ કર્યું કે હું યુએસ ઓપન માટે આ વખતે ન્યૂયોર્ક જઇ શકું તેમ નથી
21 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા નોવાક જોકોવિચે ટ્વીટ કર્યું હતું કે એ ઘણાં દુઃખની વાત છે કે હું યુએસ ઓપન માટે આ વખતે ન્યૂયોર્ક જઈ શકીશ નહીં. તમારા પ્રેમ અને સમર્થનના સંદેશા બદલ આભાર. મારા સાથી ખેલાડીઓને શુભકામનાઓ! સારી સ્થિતિમાં અને પોઝિટિવ બનીને ફરીથી સ્પર્ધા કરવાની તકની રાહ જોઇશ. ટૂંક સમયમાં મળીશું ટેનિસ વર્લ્ડ! જો કે, તેણે પોતાના ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેને કોરોનાની રસી ન લીધી હોવાના કારણે તેણે યુએસ ઓપનમાંથી બહાર થવું પડ્યું છે, પરંતુ તે સમજી શકાય છે કે તે રસીકરણના કારણે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. અમેરિકામાં કોરોના પ્રોટોકોલ અનુસાર જેણે કોરોનાની રસી લીધી હોય તે જ હવાઈ મુસાફરી કરી શકે છે અને નોવાક જોકોવિચે પોતે રસી લીધી નથી.