કોરોનાની રસી આઠથી દસ મહિના સુધી કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપી શકે છે. એમ એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રસીની કોઈ ગંભીર આડઅસર નોંધાઇ નથી. ગુલેરિયાએ આઈપીએસ (સેન્ટ્રલ) એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોરોના રસી આઠથી દસ મહિના સુધી ચેપ સામે સુરક્ષા આપી શકે છે.
તેમણે કહ્યું કે, હાલમાં કોરોના સંક્રમણના કેસ વધવાનું મુખ્ય કારણે લોકો માને છે કે મહામારી સમાપ્ત થઈ ગઈ છે અને તેઓ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા નથી. લોકોએ હજુ પણ બિન-આવશ્યક મુસાફરી ટાળવી જોઈએ.
નીતી આયોગના સભ્ય (આરોગ્ય) વી. કે. પૌલે જણાવ્યું હતું કે, સંક્રમણની ચેન તોડવા માટે એક સાધન રસી અને બીજું નિયંત્રણ અને સર્વેલન્સ વ્યૂહરચના છે. રસીકરણની સંખ્યા વધારવા અંગેના પ્રશ્નના જવાબમાં પૌલે કહ્યું કે, હાલમાં રસી મર્યાદિત છે, માટે મોટી વયના લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે.
જો રસીના જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તો અમે દરેક લોકો માટે રસીકરણ શરૂ કરીએ. વિશ્વના મોટા ભાગના દેશો આ કારણોસર દરેક લોકો માટે રસીકરણ શરૂ કરી રહ્યા નથી.
નીતિ આયોગના સભ્યએ એમ પણ કહ્યું હતું કે, વૃદ્ધાવસ્થાના લોકોમાં બિમારીનું પ્રમાણ વધુ હોવાથી આ લોકોને અન્ય કરતા રસીની વધુ જરૂર છે. માટે તેમને પ્રાથમિકતા આપવામાં આવી છે.
કૉવાક્સિન અને કૉવિશિલ્ડ રસીની અસરકારકતા અંગે ગુલેરિયાએ કહ્યું કે, બંને રસી સમાન એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. આ બંને રસી અસરકારક હોવાથી આપણે રસી લેવી જોઈએ.
દેશમાં અત્યાર સુધીમાં ચાર કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.