SURAT

હદ છે, હવે લોકો વેક્સિન લેવા માટે ટિફિન પણ સાથે લઇને જઇ રહ્યાં છે

સુરત: સુરત (Surat) શહેરમાં વેક્સિનેશન સેન્ટરો (Vaccination center) પર હોબાળાનાં દૃશ્યો જાણે હવે સામાન્ય થઈ ગયાં છે. વેક્સિન માટે શહેરીજનો (Citizens)માં તો જાગૃતતા આવી છે. પરંતુ લોકોને વેક્સિન નહીં મળતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

શહેરમાં વેક્સિનનો પૂરતો સ્ટોક (Lack of stock) ન આવતાં લોકો કલાકો સુધી રાહ જોયા બાદ પણ નિરાશ થઈ ઘરે પરત ફરી રહ્યાં હોવાની ઘટનાઓ જાણે સામાન્ય થઈ ગઈ છે. શનિવારે પણ ઘણા સેન્ટરો પર લોકોને વેક્સિન મળી ન હતી. શહેરના પુણા વિસ્તારની ઈશ્વર નગર સોસાયટી ખાતે સ્થાનિકો વેક્સિન ન મળવાને કારણે રોષે ભરાયા હતા. છેલ્લા અઠવાડિયાથી વેક્સિન માટે હેરાન થતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. સોસાયટીમાં 125 લોકોને વેક્સિનના બીજો ડોઝનો સમય પૂર્ણ થયા બાદ પણ વેક્સિન મળી રહી નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.

શહેરમાં હવે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન આવતાં, લોકોને વેક્સિન માટે ખુબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘણા સેન્ટરો પર લોકો વહેલી સવારથી જ લાઈનમાં લાગી જતા હોય છે. કલાકોની લાઈન બાદ લોકોને વેક્સિનનો વારો આવે છે તો ઘણી જગ્યાએ વેક્સિન લીધા વિના જ લોકો પાછા ફરી રહ્યા છે. ઘણા વેક્સિનેશન સેન્ટરો પર સીનિયર સિટિઝનો માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તેઓને હાલાકી થઈ રહી છે. જેથી સીનિયર સીટીઝનોની માંગ છે કે, તેઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

સોસાયટીમાં કેમ્પ કરીને વેક્સિનેશન કરાવો

શહેરના પુણા વિસ્તારમાં લોકોને વેક્સિનેશન માટે ઘણી હાલાકી થઈ રહી હોય, સોસાયટીવાસીઓએ માંગ કરી હતી કે, સેન્ટરો પર વેક્સિન માટે ખૂબ લાંબી કતારો છે. કલાકો લાઈનમાં ઉભા રહેવા છતા વેક્સિન નથી મળી રહી. જેથી મનપા દ્વારા સોસાયટીમાં કેમ્પ કરીને જ વેક્સિન આપવી જોઈએ.

ઘરકામ કરવા જતી બાઈઓને વેક્સિનમાં જ સમય લાગી જતા કામ પરથી કાઢી મૂકાઇ છે

શહેરની સીટીલાઈટ વિસ્તારમાં મહેશ્વરી ભવનમાં વેક્સિન માટે વલખા મારતી ઘણી મહિલાઓનો આક્ષેપ છે કે, તેઓ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત લાઈનમાં ઉભા રહે છે. તેમ છતાં વેક્સિન મળી રહી નથી. તેઓ લોકોના ઘરકામ કરીને પેટીયું રળી રહ્યા છે. અને જીવન માટે વેક્સિન લેવા લાઈનમાં લાગી રહ્યા છે. પરંતુ વેક્સિન તો મળતી નથી અને ઘરકામ પર સમય પર ન પહોંચતા કામમાંથી પણ હકાલપટ્ટી થઈ રહી છે.

નાનાવરાછા હેલ્થ સેન્ટરમાં પૈસા લઈને વેક્સિન અપાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

મનપા સંચાલિત નાના વરાછા હેલ્થ સેન્ટર પર વેક્સિન માટે લાંબી કતારો લાગી હતી. વરાછા વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા તમામને વિનામુલ્યે વેક્સિન આપવાનું આયોજન કરાયું છે. સરકારી સેન્ટરો પર વેક્સિનનો કોઈ ચાર્જ નથી. પરંતુ મનપાના કર્મચારીઓ અહી પણ વસૂલી કરી રહ્યા છે. મોડી સાંજે એક વેક્સિનના 50 રૂપિયા ચાર્જ લઈ વેક્સિન આપવામાં આવી રહી છે તેવા આક્ષેપ લોકોએ કર્યા હતા.

Most Popular

To Top