શહેરમાં કોરોનાના સંક્રમણમાં વધ-ઘટ થઈ રહી છે. એક સમયે કાબુમાં આવી ગયેલા કોરોનાના સંક્રમણમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. પરંતુ તે સાથે જ 16 મી જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી પણ સંક્રમણનો ભય ઓછો થઈ રહ્યો છે. શહેરમાં પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્સિનના 80,000થી વધુ ડોઝ સુરત મનપાને આપવામાં આવ્યા હતા. જેમાં હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. પરંતુ હવે કો-વેક્સિનના ડોઝ પણ શહેરમાં આવી ચૂક્યા છે. ભારત બાયોટેકની કો-વેક્સિનના 15,000 ડોઝ સુરત મનપાને આપવામાં આવ્યા છે. શહેરમાં અત્યારસુધીમાં કુલ 54,047 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સીનનો પ્રથમ ડોઝ મુકી દેવામાં આવ્યો છે અને માર્ચના પ્રથમ સપ્તાહથી 50 વર્ષથી વધુના તેમજ કો-મોર્બિડ પેશન્ટને વેક્સીન મુકવાની શરૂઆત કરવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન માટે હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર તેમજ કો-મોર્બિડ પેશન્ટોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મનપા દ્વારા અત્યારસુધીમાં હેલ્થ વર્કરો તેમજ ફ્રન્ટલાઈન વર્કરોને મળીને કુલ 54,047 લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે. જેમાં 30,612 હેલ્થ વર્કરોને પ્રથમ ડોઝ અને તે પૈકીના 14,784 હેલ્થ વર્કરોને બીજો ડોઝ પણ આપી દેવાયો છે. તેમજ કુલ 23,435 ફ્રન્ટલાઈન વર્કરોને પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આમ અત્યાર સુધીમાં વેક્સીનના કુલ 68,831 ડોઝ (પ્રથમ અને બીજો ડોઝ મળીને) મુકી દેવામાં આવ્યા છે.