નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભા (Loksabha)ને જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ અભિયાન (Vaccination campaign) પુરું થવા માટે રોગચાળા (corona virus)નું વિશિષ્ટ અને બદલાતું સ્વરૂપ (Variant) જોતા કોઇ ચોક્કસ સમયસીમા (Deadline) આપી શકાય નહીં પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ લાભાર્થીઓને આ વર્ષના અંત સુધીમાં રસી મૂકી દેવામાં આવશે.
આ જ સમયે, કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ રસીકરણની ઝડપ વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણોમાંની એક છે. દેશમાં કોવિડ સામેના રસીકરણ અભિયાનની ઝડપ અંગે કેન્દ્રની સ્થિતિ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વર્ણવી હતી. તેમના નાયબ ભારતી પ્રવીણ પવારે કોંગ્રેસના સભ્ય રાહુલ ગાંધી તથા ટીએમસીના માલા રોયના પ્રશ્નના જવાબમાં એક આવો જ જવાબ નીચલા ગૃહમાં આપ્યો હતો. પ્રશ્ન પૂછાયો હતો કે વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ રસીકરણની કવાયત પુરી થશે કે કેમ? પવારે એમ પણ જણાવ્યું હતું કે ઘરેલુ રસી ઉત્પાદકો સાથે ખરીદી કરારમાં પ્રવેશવામાં કોઇ વિલંબ નથી અને તેમને આપવામાં આવેલા ઓર્ડરો અંગે એડવાન્સ પેમેન્ટ પણ કરી દેવામાં આવ્યું છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯નું રસીકરણ એ એક ચાલતી અને અને વિશિષ્ટ પ્રક્રિયા છે, જે માટે વૈજ્ઞાનિક પુરાવાના આધારે કોવિડ-૧૯ માટેના રાષ્ટ્રીય રસીકરણ વહીવટ અંગેના રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ પાસેથી સલાહ લેવામાં આવે છે. સંલગ્ન મુદ્દાઓ પર માંડવિયાએ જણાવ્યું હતું કે જ્યારે રસીના બગાડના બનાવો રાજ્યો અને સંઘ પ્રદેશોમાં બન્યા છે તો આપવામાં આવેલ વાયલમાંથી વધારાના ડોઝ પણ કાઢવામાં આવ્યા છે. પવારે કહ્યું કે દેશમાં રસીની કોઇ અછન નથી. કેન્દ્ર રાજ્યોને ફ્રી રસી આપે છે. રસી મેળવવા સહિત રસીકરણ પાછળ અત્યાર સુધીમાં રૂ. 9725.15 કરોડનો ખર્ચ થયો છે.
એક દિવસમાં કોરોનાના નવા 35342 કેસો સાથે ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 3,12,93,062 થઈ છે અને વધુ 483નાં મોત સાથે કુલ મરણાંક 4,19,470 થયો છે એમ આરોગ્ય મંત્રાલયના સવારના 8ના અપડેટમાં જણાવાયું હતું. સક્રિય કેસોની સંખ્યા ઘટીને 4,05,513 થઈ છે જે કુલ કેસોના 1.3% છે. ગુરુવારે કુલ 16,68,561 ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સાથે કુલ ટેસ્ટની સંખ્યા 45,29,39,545 થઈ છે.
દૈનિક પૉઝિટિવિટી રેટ 2.12 ટકા હતો જે સતત 32 દિવસથી ત્રણ ટકાની નીચે છે. સાપ્તાહિક પૉઝિટિવિટી રેટ 2.14% છે. નવા 483 મોતમાંથી 122 કેરળના અને 120 મહારાષ્ટ્રના છે.