કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવો જે ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તે હવે દૂર થાય તેવી સંભાવના છે. ભારતમાં કોરોના સામેની વેક્સિનેશનના મામલે 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને લગાવી શકાય તેવી વેક્સિનની શોધ કરવામાં આવી છે. ભારતમાં આ વેક્સિનના ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ખૂબ ઝડપથી 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને આ વેક્સિન લગાડવાની શરૂ કરી દેવામાં આવશે. આ વેક્સિનની બીજી ખાસિયત એ છે કે તે ઉંમરલાયક લોકોને પણ લગાડી શકાશે.
જેથી વેક્સિનના જથ્થાની સમસ્યાનો પણ અંત આવી જશે. ભારતની ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલા દ્વારા આ વેક્સિન ઝાયકોવ-ડીની શોધ કરવામાં આવી છે. શુક્રવારે ડીસીજીઆઈ દ્વારા આ વેક્સિનની મંજૂરી આપી દેવામાં આવી હતી. આ વેક્સિન સાથે ભારતમાં આ ચોથી વેક્સિન હશે કે જે કોરોનાની સામેની લડાઈમાં મદદરૂપ થશે. અત્યાર સુધીમાં ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન તેમજ રશિયાની સ્પુતનિક-વી રસી ઉપલબ્ધ હતી. મહત્વની વાત એ છે કે આ વેક્સિન ડીએનએ આધારિત છે.
અત્યાર સુધી એવું હતું કે જે વેક્સિન ઉપલબ્ધ છે તે તમામ વેક્સિન પુખ્તવયની વ્યક્તિઓને જ લગાડી શકાતી હતી પરંતુ આ ઝાયકોવ-ડી વેક્સિન હવે બાળકોને પણ લગાડી શકાશે. ભારતમાં આ વેક્સિન માટે 50થી વધારે કેન્દ્ર પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા છે. હાલમાં જે ત્રણ વેક્સિન છે તે ત્રણેય વેક્સિન ડબલ ડોઝ ધરાવે છે. જોનસન એન્ડ જોનસન તેમજ સ્પુતનિક લાઈટ જેવી વેક્સિન સિંગલ ડોઝ ધરાવે છે.
આ બંને વેક્સિન આગામી મહિનામાં ભારમતાં આવશે. જોકે, ઝાયકોવ-ડી વેક્સિનના ત્રણ ડોઝ લગાડવાના રહેશે. જેથી તે અન્ય વેક્સિનથી અલગ પડશે. આ વેક્સિન એવી છે કે જે લાંબો સમય સુધી શરીરમાં ઈમ્યુનિટીને મજબૂત બનાવી રાખે છે. આ વેક્સિનને બે ડોઝમાં જ આપી શકાય તે માટે પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી બે ડોઝમાં જ આ વેક્સિન આપી શકાય તેવી ચોક્કસતા આવી નથી.
વિશ્વની સાથે ભારતમાં કોરોનાના બે વેવ આવી ચૂક્યા છે. બંને વેવ ભારતમાં મોટી ખુંવારી પણ સર્જી ચૂક્યા છે. કોરોના થાય જ નહીં તેવી કોઈ દવા હજુ સુધી શોધાઈ શકી નથી. વેક્સિન લગાડવામાં આવ્યા બાદ પણ કોરોના થવાના અનેક દાખલાઓ છે. જોકે, જેને વેક્સિન લગાડી દેવાઈ છે તેના માટે કોરોના એટલો ગંભીર બનતો નથી. જેથી વેક્સિનેશન હાલની તાતી જરૂરીયાત છે. ભારતમાં હાલમાં કોરોના કાબુમાં આવ્યો છે તેનું કારણ વેક્સિનેશન જ છે.
ગુજરાતમાં મોટાપાયે થયેલા વેક્સિનેશનને કારણે કોરોનાના કેસનો આંક બે ડિજિટમાં આવી ગયો છે. જોકે, વેક્સિનેશન એક વખત થઈ ગયા બાદ સમયાંતરે વેક્સિન લેવી જરૂર રહેશે. જે રીતે વધુને વધુ વેક્સિન બની રહી છે તે જોતાં આગામી દિવસોમાં ભારતમાં આશરે સાતથી આઠ જેટલી વેક્સિન બજારમાં ઉપલબ્ધ રહેશે. જેમ વેક્સિન વધશે તેમ વેક્સિન માટેના ચાર્જ પણ ઘટશે. હાલમાં સરકાર દ્વારા લોકોને મફતમાં વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ ભવિષ્યમાં લોકોએ પૈસા આપીને જ વેક્સિન લેવી પડશે. આ સંજોગોમાં વધુ વેક્સિનથી લોકોને સીધા ફાયદો થશે.