નિમેટા પાણી શુદ્ધિકરણ મથકોના ઈજારાને લઈ વિવાદ, વિરોધ વચ્ચે કામ મુલતવી
કેટલાક સભ્યોએ માંગ કરી કે, અગાઉ બ્લેકલિસ્ટ થયેલ કંપનીની યોગ્યતા પર તપાસ બાદ જ કામ આપવામાં આવે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમેટા ખાતે આવેલા પાણી શુદ્ધિકરણ મથકોના સંચાલન અને નિભાવણી માટે પાંચ વર્ષની ઇજારો પદ્ધતિ અમલમાં મુકવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જો કે, કેટલાક સભ્યોના વિરોધને કારણે આ નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. આ માટે રૂ. 13.11 કરોડના ટેન્ડરને મંજૂરી આપવી કે નહીં, એ અંગે સમિતિમાં ચર્ચા થઈ, પરંતુ અંતે કોઇ નિષ્કર્ષ આવ્યો ન હતો. પૂજા કન્સ્ટ્રક્શન અગાઉ પણ આ પ્રોજેક્ટ માટે કામ કરી ચૂક્યું છે, પરંતુ બેદરકારીના આક્ષેપો આવતાં તેને પાલિકા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યું. કંપનીએ હાઇકોર્ટમાં જઇને વ્હાઈટલિસ્ટિંગ માટે લડત આપી અને ચુકાદો તેમની તરફેણમાં આવતા, તેમણે ફરી ટેન્ડર ભર્યું.
હાલમાં, VA Tech Wabag કંપની આ કામગીરી સંભાળી રહી છે, પણ તેની કામગીરી સામે પણ અનેક સવાલો છે. કંપનીએ પાણી શુદ્ધિકરણમાં બેદરકારી દાખવી, મથકોની યોગ્ય નિભાવણી કરી નહોતી અને કર્મચારીઓના પગાર મુદ્દે પણ ગેરવહીવટ જોવા મળી હતી. VA Tech Wabag સામે પાલિકા દ્વારા 70 નોટિસ આપવામાં આવી હતી, પણ કોઈ સખત પગલાં લેવામાં આવ્યા ન હતા. પાલિકા દ્વારા તેને 8 કરોડના ખર્ચે કરાર અપાયો હતો, જે મૂળ ભાવે કરતા ઊંચો હતો, અને અંતે ફક્ત 40 લાખ પેનલ્ટી વસુલવામાં આવી.
હાઇકોર્ટનો ચુકાદો છતાં કેટલાક સભ્યોએ વિરોધ કર્યો
કેટલાક સભ્યોએ એવો વિરોધ કર્યો કે, એક વખત બ્લેકલિસ્ટ થયેલા પૂજા કન્સ્ટ્રક્શનને આ પ્રોજેક્ટ ફરી સોંપવો ન જોઈએ. બીજી તરફ, કાયદાકીય દ્રષ્ટિએ, હાઇકોર્ટનો ચુકાદો પૂજા કન્સ્ટ્રક્શનના પક્ષમાં આવ્યો છે, અને તેણે વ્હાઈટલિસ્ટ થયા પછી પાલિકા માટે અન્ય પ્રોજેક્ટ પણ પૂર્ણ કર્યા છે. પરંતુ કિન્નાખોરી રાખી માત્ર વિરોધ કરવા ટેવાયેલા સભ્યોએ આ કામ મુલતવી કરાયું.
