Vadodara

VA Tech Wabagની બેદરકારી છતાં VMC દ્વારા આંખ આડા કાન, કોનું હિત સચવાય છે?

સપ્ટેમ્બર 2024માં સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ એક્સ્ટેન્શન અપાયું
70 નોટિસ છતાં પણ કાર્યવાહી શૂન્ય!

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પીવાના પાણીની સ્વચ્છતા માટે નિમેટા ફિલ્ટ્રેશન પ્લાન્ટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જોકે, આ પ્લાન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદોમાં સપડાયો છે. VA Tech Wabag કંપનીને વર્ષ 2019માં પ્લાન્ટના મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ કંપનીની કામગીરી સતત સવાલોના ઘેરામાં છે. વહીવટી તંત્રે કંપનીને અનેક નોટિસ આપી હોવા છતાં, શાસકો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. VA Tech Wabag ને ઓક્ટોબર 2019માં નિમેટા ફિલ્ટ્રેશન પ્લાન્ટના સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી મળી હતી. પરંતુ કંપનીએ સતત બેદરકારી દાખવી હતી, જેના પરિણામે શહેરમાં પાણીની ગુણવત્તા પર અસર પડી હતી. વહીવટીતંત્રે કામ આપ્યાના બે વર્ષમાં કંપની સામે 59 નોટિસ આપી હતી. આ નોટિસોની અંદર પાણીની ગુણવત્તામાં ગડબડ, મશીનોની મેન્ટનન્સમાં બેદરકારી, અને સ્ટાફ મેનેજમેન્ટની અસંતોષજનક સ્થિતિ જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કંપનીએ પોતાનું કામ બજાવવાની બદલે, અન્ય સબ-કોન્ટ્રાક્ટરોને આ જવાબદારી સોંપી દીધી હતી. પરિણામે, કંપનીએ પોતાનું પ્રાથમિક કામ પણ યોગ્ય રીતે કરેલું નથી. આ ઉપરાંત, કર્મચારીઓના પગાર સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા હતા, જે કંપનીના ગેરવહીવટને વધુ ઉઘાડી પાડે છે. નિમેટા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પહેલાથી જ વિવાદમાં હતો. અગાઉ અધિકારીઓની અવ્યવસ્થાના કારણે પાણી શુદ્ધ કરવા વધુ કેમિકલનો ઉપયોગ કરાયો હતો, જેના કારણે નાગરિકોને ગંદુ પાણી પીવાનું વારો આવ્યો હતો. આ ઘટનામાં જવાબદાર ઠરાવાતા રાજકમલ બિલ્ડર્સ અને પૂજા કન્સ્ટ્રક્શનને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ચાર ઈજનેરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વના દોષિતોને તુરંત જ સજા આપવામાં આવી હતી, ત્યારે VA Tech Wabag સામે માત્ર 70 નોટિસ જ આપી અને 76.30 લાખ રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં આવી. એટલું જ નહીં, કંપની સામે કડક કાર્યવાહી કરવા માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત પણ રજૂ થઈ હતી. છતાં, કંપનીને બ્લેક લિસ્ટ કરવા માટે શાસનતંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવ્યા નહીં.

પાણી પ્રત્યેની નાગરિકોની જરૂરિયાત અને સુરક્ષા વડોદરા મહાનગર પાલિકા માટે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. જો VA Tech Wabag દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને તેની કામગીરી સંદિગ્ધ છે, તો તેની સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. જો કંપનીની કામગીરી યોગ્ય ન હોય, તો તેનું કોન્ટ્રાક્ટ રદ કરી, અન્ય પ્રભાવશાળી અને જવાબદાર કંપનીને કામ સોંપવું જોઈએ. તેમ છતાં, તંત્ર અને વહીવટીતંત્રનું મૌન આશ્ચર્યજનક છે. શું કોઈ દુર્ઘટના પછી જ પગલાં લેવાશે?

VA Tech Wabagને અત્યાર સુધી કોણ બચાવી રહ્યું છે?

આ સમગ્ર મામલામાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે 70 નોટિસ, પેનલ્ટી અને અનેક ત્રુટિઓ હોવા છતાં VA Tech Wabag સામે સખત પગલાં કેમ લેવામાં આવ્યા નથી? સપ્ટેમ્બર 2024માં કંપનીનો કરાર સમાપ્ત થવા છતાં તેને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું, જે મોટો શંકાનો વિષય છે. સ્વાભાવિક છે કે આ નિર્ણય પાછળ કોઈ શક્તિશાળી હસ્તી હોવી જોઈએ, જે કંપનીને બચાવી રહી છે. શહેરના શાસક પક્ષના નેતાઓ આ મુદ્દે મૌન છે, જે રાજકીય પ્રભાવની સંભાવનાને વધુ મજબૂત બનાવે છે. કદાચ, VA Tech Wabag ને બચાવવા માટે ઉચ્ચ પદાધિકારીઓ અને રાજકીય નેતાઓના હસ્તક્ષેપ છે, જે આ સમગ્ર પ્રક્રીયાને ખૂણામાં દબાવી રહ્યા છે.

Most Popular

To Top