નવી દિલ્હી: ઉત્તરાખંડમાં (Uttarakhand) ભારે વરસાદે (Rain) તબાહી મચાવી છે. ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઈડની (Landslide) ઘટના જોવા મળી રહી છે. મંગળવારે બદ્રીનાથનાં રાષ્ટ્રીય રાજમાર્ગ પર લેન્ડસ્લાઈડની ઘટના ઘટી હતી. રસ્તા પર કાટમાળ ઉતરી આવતા રસ્તાઓ (Road) બંધ કરવામાં આવ્યા હતા જેનાં કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. હવામાન વિભાગ દ્વારા 30 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
ચમોલી પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે બદ્રીનાથ નેશનલ હાઈવે પર નંદપ્રયાગ અને પુરસારી પાસે રોડના કાટમાળને કારણે રસ્તો બંધ છે. ચમોલી પોલીસે આ વિસ્તારનો એક વીડિયો પણ શેર કર્યો છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે. ઊંચા પાઈનનાં વૃક્ષો પણ ભૂસ્ખલન સાથે નીચે તરફ ધસી રહ્યા છે. વૃક્ષો સાથે ભૂસ્ખલનનો આખો કાટમાળ વહેતી નદીમાં વહી રહ્યો છે. જેના કારણે માત્ર રોડ જ નહીં પરંતુ નદીના વહેણમાં પણ અવરોધ આવી રહ્યો છે.
બદ્રીનાથ નેશનલ હાઈવેનો લગભગ 200 મીટર ધોવાઈ ગયો છે જેનાં કારણે મુખ્ય માર્ગોથી અવરજવરને સંપૂર્ણપણે રોકી દેવાની ફરજ પડી છે. હાઇવે બંધ થવાને કારણે 1000થી વધુ યાત્રાળુઓ વિવિધ સ્થળોએ ફસાયેલા છે.
પહાડી પરથી પડી રહેલા કાટમાળને કારણે યમુનોત્રી નેશનલ હાઈવે છેલ્લા ચાર દિવસથી બંધ છે જે હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. આ ઉપરાંત અવિરત વરસાદને કારણે ઉત્તરાખંડમાં 300થી વધુ રસ્તાઓ બંધ છે જેને ખોલવા માટે પીએમજીએસવાયને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં તૈનાત કરવામાં આવ્યા છે. રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે પરંતુ વરસાદના કારણે તે ફરીથી બંધ કરવામાં આવી રહ્યા છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડુંગર પરથી પડતા પથ્થરો ત્યાંના સ્થાનિક લોકો અને યાત્રિઓ પર પડશે તેવો ભય સતાવી રહ્યો છે. યાત્રાળુઓના વાહનોને સલામત સ્થળે રોકવામાં આવી રહ્યા છે. હાલમાં જ ડુંગર પરથી પડેલા પથ્થરને કારણે એક પોલીસકર્મીનું પણ મોત થયું છે.
ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચમોલીમાં આજે અને આવતીકાલે (25-26 જુલાઈ) સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદ પડશે. IMD અનુસાર 30 જુલાઈ સુધી ઉત્તરાખંડના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.