National

ઉત્તરાખંડ-હિમાચલમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી

ઉત્તરાખંડ: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમમાં 13-14 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે સોમવાર અને મંગળવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં (Uttrakhand) ભારે વરસાદ પડશે. આ માટે બંને રાજ્યોના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ (Red Alert) જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના મંડી, કુલ્લુ, બિલાસપુર, હમીરપુરમાં રાતભર ભારે વરસાદને કારણે સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા હતા. મંડી કુ વાલ ખીણ ફરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ભારે વરસાદને કારણે કાલકા-શિમલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 પર પરવાનુમાં ચક્કી મોર પર મધ્યરાત્રિનાં 2 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનનાં કારણે પથ્થરો પડતા રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે અને રોડ પણ ધોવાઈ ગયો છે.

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી
શનિવારે હિમાચલનાં ઘણાં સ્થળોએ ભારે વરસાદે વિનાશ વેર્યો હતો. ભારે વરસાદનાં કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. 300 થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ સાથે ત્યાંની સ્થાનિક હવામાન કચેરીએ રવિવારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને સોમવારે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ભારે વરસાદના કારણે હિમાચલ રોડવેઝ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC)ની બસ રવિવારની વહેલી સવારે મંડી જિલ્લામાં મંડી-શિમલા હાઈવે પર અકસ્માતનો ભોગ બની હતી, જેમાં કાંગો નજીક રોડ બ્લોક થવાને કારણે 12 મુસાફરો ઘાયલ થયા હતા.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, હિમાચલમાં 24 જૂનથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓ અને માર્ગ અકસ્માતોમાં 255 લોકોના મોત થયા છે. ભારે વરસાદને પગલે સોલન જિલ્લાના નાલાગઢ વિસ્તારમાં એક મોટો ભૂસ્ખલન થયો હતો અને શુક્રવારે રાત્રે લગભગ 600 વર્ષ જૂના નાલાગઢ કિલ્લાના ચાર ઓરડા ધરાશાયી થયા હતા.

Most Popular

To Top