Editorial

ઉત્તરાખંડમાં 13 નવા ગ્લેશિયર ખતરનાક હોવાની જાણકારી હોવા છતાં દુર્ઘટના સર્જાઇ

કેદારનાથધામમાં વર્ષ ૨૦૧૩માં આવેલી ભયાનક આફતમાંથી બોધપાઠ લઇને ગ્લેશિયરોની સ્થિતિ પર વૉચ રાખવામાં આવે છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે કુલ ૧૩ નવા ગ્લેશિયર સરોવર બન્યા છે. સરકારને આ અંગેની જાણકારી સેટેલાઇટ દ્વારા મળી છે. આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ૨ જુલાઇ પછી ગ્લેશિયર સરોવરનો અભ્યાસ કરવા માટે જવાની છે જેથી કરીને સમગ્ર પરિસ્થિતિ જાણી શકાય અને ભવિષ્યની કોઇ આફતને ટાળી શકાય. ખાસ કરીને પિથોરાગઢ જિલ્લામાં દારમા, લાસરયંગતી, કુટીયંગતી ઘાટી અને ચમોલી જિલ્લાનો ધોલી ગંગા બેસિનની વસુંધરા તાસ ઝીલ સૌથી હાઇ રિસ્કમાં છે.

સરકારે નવા બનેલા ૧૩ ગ્લેશિયરને ખૂબજ ગંભીરતાથી લીધા છે. જો આ ગ્લેશિયરમાં પાણી વધારે હશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. જો વધુ પાણી જણાશે તો તેને ડિસ્ચાર્જ કરવા માટે પાઇપો નાખવામાં આવશે. નિષ્ણાતોની ટીમ ગ્લેશિયરની નજીક જઇને મૂલ્યાંકન કરશે ત્યારે જ  હકીકત પરિસ્થિતિ ધ્યાનમાં આવશે. તળાવની સાઇઝ અને ઉંડાઇ કેટલી છે તેના આધારે પાણીના જથ્થા વિશે જાણી શકાશે. પિથોરાગઢમાં કુલ ૪ ગ્લેશિયર સરોવર બન્યા છે જેને જોખમી શ્રેણીમાં ગણવામાં આવી રહ્યા છે.

જો કે આ બધા રિપોર્ટ અને વાતો માત્ર કાગળ પર જ રહી ગઇ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, આજે રવિવારે આવું જ એક ગ્લેશિયર તૂટીને કેદારનાથ મંદિર તરફ ધસી આવ્યું હતું. સદનસીબે કોઇને ઇજા પહોંચી ન હતી કે જાનહાનિ થઇ ન હતી. પરંતુ તેનાથી માત્ર સંતોષ માની લેવાની જરૂર નથી કારણ કે, આવી ઘટના ભવિષ્યમાં નહીં બને તેની કોઇ ખાતરી નથી. સરકાર પાસે અનેક એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ફોજ છે એટલે આ દિશામાં ગંભીરતાથી પગલા લેવાવા જોઇએ. ઉત્તરાખંડનું હવામાન બદલાયું છે.

આ દરમિયાન કેદારનાથમાંથી એક ભયાનક તસવીર પ્રકાશમાં આવી છે. અહીં ગાધી સરોવર પર હિમસ્ખલન થયો અને થોડી જ વારમાં બરફનો પર્વત નીચે આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ ઘટના આજે રવિવારની છે. જ્યારે આ ઘટના બની ત્યારે કેદારનાથ મંદિર પાસે કોઈએ તેને કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી. અહીં બરફથી ઢંકાયેલો પહાડ અચાનક તૂટી પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાની આ ઘટના છે.

આ દુર્ઘટના અહીં કેદારનાથ મંદિર પાસે ગાંધી સરોવર પર બની હતી. આ ઘટના વિશે માહિતી આપતા રુદ્રપ્રયાગના SSP ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું કે આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી. અહીં કેદારનાથમાં ગાંધી સરોવરની ઉપર હિમસ્ખલનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અપડેટ આપતાં તેમણે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હિમસ્ખલનની વાત કરીએ તો ઊંચાઈ પર સ્થિત પર્વતો મોટાભાગના વિસ્તારોમાં બરફથી ઢંકાયેલા રહે છે.

ઘણી વખત વિવિધ કારણોસર પહાડો પર ઢંકાયેલો બરફ અચાનક ઝડપથી નીચેની તરફ પડવા લાગે છે. આ ઘટનાને હિમસ્ખલન કહેવામાં આવે છે. આ દરમિયાન ઝડપથી બરફ પડવાને કારણે જોરદાર અવાજ પણ આવે છે. ઘણી વખત આવી ઘટનાઓમાં ગૂંગળામણને કારણે લોકોના મૃત્યુ પણ થાય છે. આ મહિનાની શરૂઆતમાં કેદારનાથ આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પહેલા અઠવાડિયામાં લગભગ 6 લાખ ભક્તો અહીં પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા.

આ અંગે માહિતી આપતા રુદ્રપ્રયાગ જિલ્લાના મેજિસ્ટ્રેટે જણાવ્યું કે 10 મેથી અત્યાર સુધીમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આ 11મા જ્યોતિર્લિંગના દર્શન કરવા આવ્યા છે. જો કે, કેદારનાથ દુર્ઘટના તસવીર પણ ખૂબ બદલાઈ ગઈ છે. કેદારનાથ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકોએ રોજગારી ગુમાવી હતી. વિનાશક દુર્ઘટનાએ કેદારનાથથી રુદ્રપ્રયાગ સુધી તાંડવ મચાવ્યો હતો. કેદારનાથ ધામમાં પુન:ર્નિર્માણ કાર્ય આજે પણ ચાલુ છે.

Most Popular

To Top