Dakshin Gujarat

વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ નહીં ભરતા નવસારીના વ્યાજખોરે તેમની કાર વેચી દીધી

નવસારી : વલસાડના (Valsad) વૃદ્ધે પુત્રીને અભ્યાસ અર્થે વિદેશ મોકલવા માટે નવસારીના (Navsari) વ્યાજખોર (Usury) પાસે કાર (Car) ગીરવે મૂકી 2 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ કોરોનાના (Corona) સમયમાં વૃદ્ધથી વ્યાજના પૈસા નહીં ચુકવાતા નવસારીના વ્યાજખોરે વૃદ્ધને પૂછ્યા વિના જ તેમની કાર વેચી દેતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.

તીથલ રોડ પર આરાધના સોસાયટીમાં વજીફદાર મહોલ્લામાં રહેતા વિનોદરાય મોહનલાલ પટેલે ગત 2017 માં પુત્રી શિવાનીને અભ્યાસ અર્થે અમેરિકા મોકલાવી હતી. જ્યાં તેના અભ્યાસ અર્થે વધુ પૈસાની જરૂરિયાત પડતા વિનોદરાયે નવસારી રીંગરોડ પર રાજચામુંડા નામની દુધની ડેરી ચલાવતા મનીષભાઈ ભરવાડને મળી 2 લાખની માંગણી કરી હતી. પરંતુ મનીષભાઈએ પાસે પૈસા નહીં હોવાથી ના પાડી હતી. ત્યારબાદ વિનોદરાય નવસારી મોઠવાડ મહોલ્લામાં રહેતા મિત્ર દસ્તગીર બસીર શેખને વાત કરતા તેમણે રીંગરોડ પર ઓર્નેટ એપાર્ટમેન્ટમાં રહેતા સલીમ મેમણ વ્યાજે રૂપિયા આપે છે તેમ જણાવ્યું હતું. તેમજ મનીષ ભરવાડે પણ સલીમ મેમણનું નામ આપ્યું હતું. જેથી વિનોદરાયે દસ્તગીર શેખને મનીષ ભરવાડની ડેરી ખાતે બોલાવી સલીમ મેમણ સાથે મુલાકાત કરી હતી.

વિનોદરાયે રૂપિયા બાબતે જણાવતા સલીમભાઈએ હું તમને 2 લાખ રૂપિયા વ્યાજે આપીશ અને તમે મુદ્દલ રકમ પરત નહી આપે ત્યાં સુધી દર મહીને 5 ટકા લેખેના વ્યાજ પ્રમાણે વ્યાજ આપવા પડશે તેમજ રૂપિયાના બદલામાં તમારે કોઈ ચીજ વસ્તુ આપવી પડશે અને તમે જે ચીજવસ્તુ આપશો તે ચીજવસ્તુ તમે વ્યાજે લીધેલા પૈસા પરત આપશો એટલે તમને પરત આપવામાં આવશે તેવી વાત કરી હતી. જેથી વિનોદરાયે મનીષભાઈને મધ્યસ્થીમાં રાખી સલીમભાઈ પાસે ડસ્ટર કાર ગીરવે મૂકી 2 લાખ રૂપિયા 5 ટકાના વ્યાજે લીધા હતા.

ત્યારબાદ દર મહિને 10 હજાર રૂપિયા વ્યાજના આપતા હતા. જો વ્યાજના પૈસા ન જવાય તો સલીમભાઈ મેમણ વિનોદરાયના ઘરે જઈ 10 હજાર રૂપિયા લઈ જતા હતા. આશરે 20 મહિના સુધી વિનોદરાયે 10 હજાર રૂપિયા વ્યાજ ચુકવ્યું હતું. પરંતુ કોરોનામાં વિનોદરાય પાસે પૈસાની સગવડ નહીં થતા વ્યાજના રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ આશરે 6 મહિના બાદ વિનોદરાયની કારનું ઈન્સ્યોરન્સ પૂરું થતું હોવાથી ઈન્સ્યોરન્સ રીન્યુ કરાવવા માટે સલીમભાઈને કાર લઈ આવવા માટે ફોન ઉપર જણાવતા સલીમભાઇએ કાર વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. જેથી વિનોદરાયે તેમને કાર કેમ વેચી દીધી તેમ પૂછતાં સલીમભાઈએ અપશબ્દો બોલી ધાક-ધમકી આપી ફોન કાપી દીધો હતો. ત્યારબાદ સલીમભાઈને કાર બાબતે પૂછતાં તેઓ ધમકી આપી કાર બાબતે કોઈ હકીકત જણાવતા ન હતા.

ગત 28મી એપ્રિલ 2023 માં વિનોદરાય સલીમભાઈના ઘરે જતા સલીમભાઈની દીકરીએ જણાવ્યું હતું કે. તમારી ડસ્ટર કાર પહેલા મુંબઈ ખાતે મારી બહેન પાસે હતી. પરંતુ હાલમાં મારા પપ્પાએ વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બાબતે વિનોદરાયે નવસારી ટાઉન પોલીસ મથકે સલીમભાઈ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top