વ્યારા: વાલોડ બાદ વ્યારામાં વ્યાજખોરો (Usury) સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. વ્યાજખોરીની ત્રીજી ફરિયાદ સોનગઢમાં નોંધાઈ છે, જેમાં વ્યાજખોરે રૂ.૬૦ હજારની મુદ્દલ સામે રૂ.૪૦ હજાર વસૂલી લીધા હતા. છતાં તગડા વ્યાજ વસૂલી સામે રૂ.૧.૭૫ લાખની વસૂલાત બાકી હોવાનું જણાવી તેની પઠાણી ઉઘરાણી કરી રહ્યાનું પોલીસ (Police) તપાસમાં ખૂલ્યું હતું.
સોનગઢના અલીનગરનો મનીષભાઇ મહેશભાઈ ગામીત (ઉં.વ.30)આજથી પાંચેક વર્ષ પહેલાં આર્થિક સંકડામણમાં આવ્યો હતો. તેને મચ્છી માર્કેટમાં રહેતાં ગુલાબભાઇ બંસીભાઇ સિંદે (વડર) વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી મનીષે ગુલાબ સિંદે પાસેથી રૂ.૬૦ હજાર વ્યાજે લીધા હતા. મુદ્દલના રૂપિયા ન ચૂકવાય ત્યાં સુધી માસિક રૂ.૩ હજારના વ્યાજ લેખે તેને રૂ.૪૦ હજાર ચૂકવી દીધા હતા. ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેના મુદ્દલ તથા ઊંચા દરનું વ્યાજ મળી રૂ.૧.૭૫ લાખ ન ચૂકવી શકતાં વ્યાજખોર ગુલાબે મનીષને ધમકી આપી તેની મોપેડ બળજબરી પડાવી લીધી હતી.
જ્યાં સુધી મુદ્દલ તથા વ્યાજના નીકળતા રૂપિયા ન ચૂકવાય ત્યાં સુધી મનીષને અવાર નવાર ધમકીઓ પણ આપતો રહ્યો હતો. તેની દાદી બેબીબેન છગનભાઇ ગામીતનું ઘર પણ ગુલાબે નોટરી કરી કબજે લઇ લીધું હતું. આટલું ઓછું હોય તેમ મનીષને ગાળાગાળી કરી ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો. જેથી મનીષે ગુલાબ વિરુદ્ધ તા.૧૧ જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ આપી હતી. આ મામલે વ્યાજખોર ગુલાબ સિંદે સામે ગુનો નોંધી પોલીસે અટક કરી હતી.
ગુલાબના ઘરની પોલીસે જડતી લેતાં અલગ અલગ વાહનની અસલ 15 આર.સી.બુક, 4 મોટરસાઇકલ, “ગીરો કરાર” કરેલા 3 નોટરી દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ મામલે સઘન પૂછપરછ કરાતાં લોકોએ વ્યાજે નાણાં લીધા હોય તેના બદલામાં ગીરવે આપેલા હોવાનું વ્યાજખોરે કબૂલ્યું હતું. હજી કેટલાને વ્યાજે નાણાં આપ્યાં છે ? તેના બદલામાં કોઇ ચીજવસ્તું ગીરવે લીધી છે કે કેમ ? અન્ય કોઇ વ્યક્તિ આ વ્યાજખોરીનો ભોગ બન્યો છે કે કેમ ? એ સંદર્ભે પોલીસે વધુ તપાસ આરંભી છે.