World

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ: કેનેડિયન ઉત્પાદનો પર 35% આયાત ડ્યુટી લાગુ કરાશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના ઉત્પાદકો માટે મોટો આર્થિક ઝટકો આપ્યો છે. ટ્રમ્પે આજ રોજ શુક્રવારે જાહેરાત કરી હતી કે તા.1 ઓગસ્ટ, 2025થી કેનેડાથી આવતા તમામ ઉત્પાદનો પર 35% આયાત ડ્યુટી લાગુ કરવામાં આવશે. તેમણે આ પગલાંને કેનેડાની “બદલાની કાર્યવાહી અને નકારાત્મક વર્તન”નો જવાબ ગણાવ્યો છે.

ટ્રમ્પે જણાવ્યું કે કેનેડામાંથી અમેરિકા આવતા ફેન્ટાનાઇલ જેવા ઘાતક ડ્રગ્સના પુરવઠાને રોકવામાં કેનેડા નિષ્ફળ રહ્યું છે. આ મુદ્દાને તેમણે અમેરિકન લોકો માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો અને આ ટેરિફને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યો હતો. ટ્રમ્પે કહ્યું, “ફેન્ટાનાઇલ સંકટ અત્યારે રાષ્ટ્રના આરોગ્ય અને અર્થતંત્ર માટે ઘાતક છે. કેનેડાની નિષ્ફળ નીતિઓ આ સમસ્યાને વધુ વિકટ બનાવી રહી છે.”

ટ્રમ્પે પોતાના પત્રમાં ચેતવણી પણ આપી છે કે જો “આ કટોકટી કેનેડાની કાર્યવાહીમાં નિષ્ફળતાને કારણે વધી રહી છે,” ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કેનેડિયન કંપનીઓ ટેરિફથી બચવા માટે તેમના ઉત્પાદનો ત્રીજા દેશમાંથી પસાર કરશે તો તેમના પર વધુ ટેરિફ લાદવામાં આવશે.

કેનેડાની ડેરી નીતિઓ પર પણ ટ્રમ્પે કટાક્ષ કર્યા. તેમણે દાવો કર્યો કે કેનેડા અમેરિકન ડેરી ઉત્પાદકો પર 400% સુધીની આયાત ડ્યુટી લગાવે છે, જ્યારે કેનેડિયન ઉત્પાદકોને યુ.એસ. બજારમાં મફત પ્રવેશ મળે છે. આ તફાવતને તેમણે ‘અન્યાયી’ અને ‘અમેરિકાના ખેડૂતો માટે નુકસાનદાયક’ ગણાવ્યો.

ટ્રમ્પે કેનેડિયન કંપનીઓને આમંત્રણ આપ્યું કે જો તેઓ અમેરિકા આવીને ઉત્પાદન કરે તો તેમને ઝડપી અને સરળ મંજૂરી આપવામાં આવશે. “અમેરિકામાં બિઝનેસ કરવા ઈચ્છુક દરેક કંપનીને અમારો સાથ મળશે.

બ્રાઝિલ પર તાજેતરમાં જ 50% ટેરિફ લાદ્યા પછી, હવે કેનેડા પર થયેલી આ કાર્યવાહી ટ્રમ્પના મજબૂત નેશનલિસ્ટ વલણને દર્શાવે છે. 2024ના ચૂંટણી પછી ફરી સક્રિય થયા બાદ, ટ્રમ્પ સતત આક્રમક વેપાર નીતિઓ અપનાવી રહ્યા છે.

Most Popular

To Top