રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી અમેરિકા અને યુરોપિય યુનિયન સાથે સંકળાયેલા વિકસીત દેશોની ભારતની ભૂમિકા ઉપર નજર છે. રશિયા, અમેરિકા અને ચીન જેવી મોટી તાકાતોની સાથે ભારતના સંબંધોને લઈ મહત્વના ઘટનાક્રમ આકાર લઇ રહ્યાં છે. યુક્રેન પર સૈન્ય કાર્યવાહી ચાલુ છે તે દરમિયાન ભારત આવેલા રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લાવરોવે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ખૂબ અગત્યની મેરેથોન બેઠક કરી છે. આ જ વાત અમેરિકા અને પશ્ચિમો દેશોને ખટકી રહી છે. તેથી અમેરિકાના ડેપ્યુટી એનએસએ દલીપ સિંહે ભારતને એક પ્રકારે ધમકી આપી છે. અમેરિકાના ડેપ્યુટી એનએસએ દિલીપ સિંહે કહ્યું, ‘ચીન એલએસીનું ઉલ્લંઘન કરે છે તો રશિયા બચાવવા નહીં આવે.
રશિયા હંમેશા ચીનનું જૂનિયર જ રહેશે. ચીન જેટલું ફાયદાની સ્થિતિમાં રહેશે, એટલું જ ભારત માટે ખતરનાક સાબિત થશે.’ રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયાની વિરુદ્ધ અમેરિકાના પ્રતિબંધોને નક્કી કરવામાં દલીપ સિંહે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આવું કરીને દલીપ સિંહે હદ વટાવી છે. તેમનું નિવેદન કોઈ પણ રીતે સ્વીકારી ન શકાય. દુનિયા જાણે છે કે યુરોપીયન દેશો ગેસ અને તેલના મામલામાં 75% રશિયા પર નિર્ભર છે. ભારત તો પોતાની જરૂરિયાતનું માત્ર 2% તેલ રશિયાથી ખરીદે છે. જો કોઈને પરિણામ ભોગવવું છે તો તે પશ્ચિમી દેશ છે, અમે નહીં. આમ પણ જે પશ્ચિમ દેશ પોતે રશિયાના તેલ પર નિર્ભર હોય, અમને તેની ભાષણબાજી નથી સાંભળવી. દલીપ સિંહને પોતાની હદમાં રહેવું જોઈતું હતું.
આ નિવેદન અંગે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વીપી મલિકે કહ્યું, દલીપ સિંહનું નિવેદન અમેરિકાની હતાશા દર્શાવે છે. એક સમય હતો કે જ્યારે ભારત 75% સૈન્ય શસ્ત્ર-સરંજામ રશિયાથી મંગાવતું હતું. હજુ પણ 48% રક્ષા સોદા રશિયા સાથે થઈ રહ્યા છે. અમેરિકા જાણે છે કે રશિયાની સાથે આપણા સંબંધો માત્ર વિક્રેતા-ખરીદનારના નથી. અમેરિકાને એ ખબર હોવી જોઈએ કે 1962થી આજ સુધી અમે ચીન સાથે સીધો મુકાબલો કર્યો છે. આગળ પણ કરીશું. અમેરિકા પોતાને યુક્રેનના સૌથી વધુ હિમાયતી ગણાવી રહ્યું હતું. જ્યારે રશિયાએ હુમલો કર્યો તો યુક્રેનને લડવા માટે એકલું છોડી દીધું. અમેરિકાના ડેપ્યુટી એનએસએએ વિચારી લેવું જોઇએ તે ભારત માટે નિવેદન કરે છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇરાક કે સિરિયા માટે આવુ નિવેદન કરે ત્યાં સુધી ઠીક છે પરંતુ ભારત કોઇ અમેરિકાએ ફેંકેલા ટુકડા ઉપર જીવનારો દેશ નથી. દલીપસિંહે સાનમાં સમજી લેવું જોઇએ કે, ભારતને તેની સરહદોની રક્ષા કરતાં ખૂબ સારી રીતે આવડે છે.
હા ભારત કોઇ દિવસ સીમા વિસ્તારવાના પક્ષમાં નથી કે, યુદ્ધના પક્ષમાં નથી. ભારત એવો દેશ છે જે માત્ર શાંતિ જ ઇચ્છે છે. પરંતુ એનો અર્થ એ નથી કે કોઇ તમાચા મારે તો ચૂપચાપ બેસી રહે. રશિયા અને ભારત વચ્ચેના સંબંધ ખૂબ જ વિશેષ છે અને ભારતે કયા દેશ સાથે કયા પ્રકારના સંબંધ રાખવા તેના માટે તેને કોઇની સલાહ કે દખલઅંદાજીની જરૂર નથી. યુક્રેન – રશિયા વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ કેવી ભૂમિકા ભજવી તે આખી દુનિયા જાણે છે. યુક્રેનને પહેલા પાનો ચડાવ્યો અને પછી જ્યારે રશિયાનો હુમલો થયો ત્યારે આ સુફિયાણી સલાહ આપવા વાળા અમેરિકાના અધિકારી ક્યાં ઘૂસી ગયા હતા? આજે રશિયાના હુમલાનો 38મો દિવસ છે અને પહેલા જ દિવસથી અમેરિકાના પ્રેસિડેન્ટ કહેતા આવ્યા છે કે, કોઇ હુમલો સાંખી લેવામાં નહીં આવે. જે વાત પહેલા દિવસે હતી તે જ વાત આજે 38મા દિવસે પણ છે. આખી દુનિયા જાણી ગઇ છે કે, અમેરિકા રશિયાનું દોઢ મહિને પણ કંઇ બગાડી શક્યું નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ માત્ર એક દેશના પ્રેસિડેન્ટ છે એટલે તેમણે આખી દુનિયાના પ્રેસિડેન્ટ હોવાનો ભ્રમ છોડી દેવો જોઇએ અને તેમના અધિકારીઓને સમજાવવા જોઇએ કે ભારત વિરુધ્ધ એક શબ્દ પણ બોલે તો વિચારીને બોલે.