World

અમેરિકા-ચીન વેપાર કરાર: ટેરિફમાં ઘટાડો અને સોયાબીન ખરીદી ફરી શરૂ, ટ્રમ્પે કહ્યું “નવી શરૂઆત”

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી પડતર વેપાર તણાવને અંત આપવા દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં ટેરિફ, ચિપ્સ, સોયાબીન અને રેર અર્થ મેટલ્સ જેવા મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવામાં આવ્યા.

દક્ષિણ કોરિયામાં યોજાયેલી બેઠક દરમિયાન ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વેપાર કરાર અંગે સમજુતી થઈ. ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકા ચીન પર લાગેલા ટેરિફમાં 10 ટકા ઘટાડો કરશે. હવે ટેરિફ 57 ટકા પરથી ઘટાડીને 47 ટકા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ ચર્ચા ખૂબ જ સકારાત્મક રહી અને બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં “નવી શરૂઆત” થશે.

ટ્રમ્પે કહ્યું કે ચીન તરત જ અમેરિકન સોયાબીનની ખરીદી ફરી શરૂ કરશે. આ નિર્ણય અમેરિકન ખેડૂતો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. કારણ કે લાંબા સમયથી ચાલતી ટેરિફ નીતિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું હતું.

રેર અર્થ મેટલ્સ અને ચિપ્સ મુદ્દો પણ ઉકેલાયો
બેઠકમાં રેર અર્થ મેટલ્સ અને ચિપ્સ સપ્લાય જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. ટ્રમ્પે જણાવ્યું કે ચીન હવે અમેરિકાને જરૂરી રેર અર્થ મેટલ્સ પૂરા પાડશે અને ટેકનોલોજી સપ્લાય ચેઇનમાં અવરોધો દૂર કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિએ ફેન્ટાનાઇલ જેવા માદક પદાર્થોને કાબુમાં લેવા માટે પણ સહમતિ વ્યક્ત કરી છે.

“શી સાથેનો સંબંધ ઉત્તમ” : ટ્રમ્પ

ટ્રમ્પે બેઠક બાદ કહ્યું “શી જિનપિંગ સાથેની મારી વાતચીત અદ્ભુત રહી. અમે બંને દેશોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. આ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆત છે.”

યુએસ અધિકારીઓનો પ્રતિસાદ
ટ્રમ્પ સાથે આવેલા યુએસ અધિકારીઓએ પણ પુષ્ટિ કરી કે દુર્લભ પૃથ્વી ખનિજોની નિકાસ અંગેનો મુદ્દો ઉકેલાઈ ગયો છે. ચીન હવે આ ખનિજોનું નિકાસ ચાલુ રાખશે, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇન સ્થિર થવાની આશા છે.

આ સોદો અમેરિકા-ચીન વચ્ચેના તણાવને ઘટાડશે અને વૈશ્વિક વેપાર માટે સકારાત્મક સંકેત આપશે. ટ્રમ્પના મતે આ કરાર બંને દેશોને લાંબા ગાળે લાભ પહોંચાડશે અને આર્થિક સહકારનો એક નવો અધ્યાય શરૂ કરશે.

Most Popular

To Top