ઉતરપ્રદેશના ગાઝિયાબાદમાં, હિન્દુ રક્ષા દળના સભ્યોએ વસુંધરામાં સ્થિત KFC રેસ્ટોરન્ટમાં હંગામો મચાવ્યો અને બળજબરીથી શટર બંધ કરી દીધું. સંગઠનનો આરોપ છે કે સાવન જેવા પવિત્ર માહિનામાં માંસાહારી વેચાણથી કાવડીઓની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જોકે હવે આ વિવાદે રાજકીય રંગ પણ લીધો છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વિરોધ પ્રદર્શનનો વીડિયો શેર કરતી વખતે કટાક્ષમાં પૂછ્યું છે કે KFC કોણ લાવ્યું?
શ્રાવણ મહિનામાં માંસના વેચાણને લઈને ગાઝિયાબાદમાં મોટો વિવાદ ઉભો થયો છે. હિન્દુ રક્ષા દળના કાર્યકરોએ શહેરના એક KFC રેસ્ટોરન્ટ સામે કાવડ યાત્રા દરમિયાન માંસ પીરસવાનો આરોપ લગાવીને વિરોધ કર્યો અને રેસ્ટોરન્ટને બળજબરીથી બંધ કરાવી દીધું હતું. વિરોધીઓનું કહેવું છે કે શ્રાવણ મહિનામાં આવી પ્રવૃત્તિઓ હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
વાયરલ વીડિયોમાં, KFC રેસ્ટોરન્ટની બહાર વિરોધીઓએ જય શ્રી રામ અને હર હર મહાદેવના નારા લગાવ્યા અને ભગવા ઝંડા લહેરાવતા રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો. વાયરલ વીડિયોમાં, એક યુવક કહેતો જોવા મળે છે કે આ હિન્દુસ્તાન છે, હિન્દુઓ જે ઇચ્છશે તે અહીં થશે. તે જ સમયે, હિન્દુ રક્ષા દળના સભ્યોએ માંગ કરી છે કે KFC અને અન્ય માંસાહારી ખોરાક વિક્રેતાઓને શ્રાવણ મહિના માટે બંધ રાખવા જોઈએ.
આ વિવાદે રાજકીય વળાંક પણ લીધો:
આ ઘટના બાદ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વિરોધ પ્રદર્શનનો વીડિયો શેર કર્યો છે. તેમણે પૂછ્યું છે કે KFC કોણ લાવ્યું? તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે KFC દેશમાં લાવવામાં આવ્યું હતું, ત્યારે કોઈએ ધાર્મિક લાગણીઓનો મુદ્દો કેમ ન ઉઠાવ્યો. તેમણે આ ઘટના અંગે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો અને કહ્યું કે આવા મુદ્દા ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવા માટે ઉઠાવવામાં આવે છે.
10 લોકો સામે FIR દાખલ:
સ્થાનિક પોલીસે અજાણ્યા 10 જેટલા વિરોધીઓ સામે કલમ 163ના ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે શક્ય તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. KFC મેનેજમેન્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.