નવી દિલ્હી: સંસદ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે સંસદ (Parliament) શરૂ થતાં જ વિપક્ષે એજન્સીઓના દુરુપયોગનો વિરોધ શરૂ કરી દીધો હતો. તેમજ આજે રાહુલ ગાંધીએ NEET-UG પરીક્ષા મુદ્દે ફરી ચર્ચાની માંગ કરી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સાથે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. જે બાદ સંસદમાં હોબાળો થયો હતો. ત્યારે સભાપતિએ સંસદને સોમવાર સુધી સ્થગિત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સંસદના શરૂઆતી સેશનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર અનુરાગ સિંહ ઠાકુરે આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ લોકસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું, ‘ગૃહની બહાર કેટલાક સાંસદોએ આરોપ લગાવ્યો કે સ્પીકર માઈક બંધ કરી દે છે. તો હું જણાવી દઉં કે માઈકનું નિયંત્રણ ખુરશી પર બેઠેલી વ્યક્તિના હાથમાં હોતું નથી.
ત્યારે આજના સંસદીય સત્ર દરમિયાન રાહુલ ગાંધીએ લોકસભામાં નીટ પેપર લીકનો મુદ્દો ફરી ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, NEET પર એક દિવસની ચર્ચા થવી જોઈએ, આ લાખો વિદ્યાર્થીઓની સમસ્યા છે. આ સાથે જ જ્યારે NEET સિવાય, એજન્સીઓના દુરુપયોગના મામલે પણ વિપક્ષનો વિરોધ કર્યો હતો. ત્યારે શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ મામલે કહ્યું છે કે, એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. જ્યારે ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા, ત્યારે તેણિએ કહ્યું હતું કે (ધરપકડ માટે) કોઈ આધાર નથી.
હોબાળા વચ્ચે વિપક્ષના સાંસદોએ નીચલા ગૃહ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યાર બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું હતું કે, “સંસદની કાર્યવાહી અમુક નિયમો અને પરંપરાઓના આધારે ચલાવવામાં આવે છે… હું વિપક્ષને વિનંતી કરું છું કે તમે જે પણ વિષય પર ચર્ચા કરવા માંગો છો તેની ચર્ચા કરો, પરંતુ એક વખત રાષ્ટ્રપતિ સંબંધિત પ્રસ્તાવ પસાર કર્યા પછી જ કરો. આભાર.”
ખડગેએ રાષ્ટ્રપતિના સંબોધન પર કહ્યું..
રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ વિશે વાત કરતા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “રાષ્ટ્રપતિ સંસદનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, અમે તેમનું સન્માન કરીએ છીએ. આ વર્ષે, રાષ્ટ્રપતિનું પ્રથમ સંબોધન 31 જાન્યુઆરીએ અને બીજું 27 જૂને હતું. ત્યારે રાષ્ટ્રપતિના સંબોધનમાં દલિતો, લઘુમતીઓ અને પછાત વર્ગો માટે કોઇ વાત કહેવામાં આવી ન હતી.
મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વધુમાં કહ્યું, પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષમાં ક્યારેય તેમની સરકારને બીજેપી સરકાર કહી નથી. તેઓ મોદી સરકાર કહેતા રહ્યા. હવે તેઓ તેમની સરકારને એનડીએ સરકાર ગણાવી રહ્યા છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિના સંબોધનને જાન્યુઆરીના સંબોધનની નકલ ગણાવી હતી.
