ગાંધીનગર,તા.24
ગુજરાત વિધાનસભામાં આજે પેટ્રોલ-ડીઝલની તંગી મુદ્દે ચર્ચાની માંગ વચ્ચે ભારે હોબાળો સર્જાયો હતો. વિરોધપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તીખી નોકઝોક જોવા મળી, જેમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મુદ્દો પણ કેન્દ્રસ્થાને આવી ગયો હતો.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની સ્થિતિ અંગે ચર્ચાની માંગણી કરી હતી. તેમણે દાવો કર્યો કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં વિશ્વાસ નથી અને અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાઈનો લાગી રહી છે.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષના સભ્યોના હોબાળા મામલે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે , “સવાલ કરો છો તો સાંભળવાની તાકાત રાખો. આ પેટ્રોલનું દુઃખ નથી, UCCનું દુઃખ છે.” તેમના આ નિવેદનથી ગૃહમાં ગરમાવો વધ્યો હતો.
ડે સીએમ હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ નાગરિક ઇંધણ વિના પાછો ફર્યો નથી. કેટલાક તત્વો દ્વારા ખોટી અફવાઓ ફેલાવી લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને સરકાર નિયંત્રિત કરી રહી છે. વિપક્ષના હોબાળા વચ્ચે વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ કડક શબ્દોમાં કહ્યું કે જો UCC મુદ્દે ચર્ચા કરવાની તૈયારી ન હોય તો ગૃહમાંથી બહાર નીકળી જવું જોઈએ.
UCC બિલ અંગે બોલતા હર્ષ સંઘવીએ આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે વ્યક્તિગત કાયદાઓના કારણે સૌથી વધુ નુકસાન મહિલાઓને સહન કરવું પડ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આ કાયદો લાવવામાં આવ્યો છે.વિધાનસભામાં આજનો દિવસ ગરમાગરમ ચર્ચા, હોબાળો અને રાજકીય ટકરાવ માટે નોંધપાત્ર રહ્યો હતો.