Gujarat

ગુજરાત કિનારે ઉપરી ચક્રવાતી પરિસ્થિતિ યથાવત – રાજ્યમાં વાતાવરણ અસ્થિર, 24 કાલકમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, સુરત – રાજકોટમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચ્યો

ગાંધીનગર,તા.25
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં ગુજરાત કિનારા નજીક ૧.૫ થી ૩.૧ કિમી ઊંચાઈએ ઉપરી ચક્રવાતી હવાના દબાણની પરિસ્થિતિ યથાવત છે. આ પરિસ્થિતિના પ્રભાવથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને વાતાવરણ અસ્થિર બન્યું છે. ગુજરાતમાં હજુયે આગામી 24 કલાક દરમ્યાન સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ડાંગ , તાપી, ભાવનગર અને અમરેલીમાં માવઠાની શકયતા રહેલી છે.બીજી તરફ રાજકોટ અને સુરતમાં ગરમીનો પારો 38 ડિ.સે.એ પહોંચી ગયો હતો.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર , આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તમિલનાડુથી આંતરિક કર્ણાટક મારફતે મધ્ય મહારાષ્ટ્ર સુધી ૦.૯ કિમી ઊંચાઈએ ટ્રફ રેખા સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં ૧.૫ કિમી ઊંચાઈએ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં ૦.૯ કિમી ઊંચાઈએ ઉપરવાસી ચક્રવાતી પરિસ્થિતિ યથાવત છે. મધ્ય મહારાષ્ટ્ર વિસ્તારમાં પણ ૦.૯ કિમી ઊંચાઈએ ચક્રવાતી પરિસ્થિતિ સક્રિય રહેતાં પશ્ચિમ ભારતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે.આ સિસ્ટમોના સંયુક્ત પ્રભાવથી ગુજરાતમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. કિનારાપટ્ટીમાં પવનની ગતિ વધવાની શક્યતા છે. તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના ઓછી છે, પરંતુ વાદળછાયા માહોલને કારણે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત મળી શકે છે.

હવામાન વિભાગે માછીમારોને દરિયામાં જતાં પહેલાં તાજા હવામાન બુલેટિન ચકાસવાની સલાહ આપી છે. રાજયમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી વચ્ચે ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોચી ગયો હતો. ખાસ કરીને રાજકોટ અને સુરતમાં માં 38 ડિ.સે., ગરમી નોંધાવવા પામી હતી. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ડાંગ , તાપી, ભાવનગર અને અમરેલીમાં માવઠું થવાની આગાહી કરાઈ છે. રાજયના અન્ય ભાગોમાં સુકું હવામાન યથાવત રહેશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજયના અન્ય શહેરોમાં ગરમી વધેલી છે. જેમાં ભૂજમાં 34 ડિ.સે.,નલિયામાં 35 ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 35 ડિ.સે., અમરેલીમાં 36 ડિ.સે., ભાવનગરમાં 35 ડિ.સે., પોરબંદરમાં 34 ડિ.સે., રાજકોટમાં 38 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 36 ડિ.સે., મહુવામાં 35 ડિ.સે., કેશોદમાં 35 ડિ.સે., અમદાવાદમાં 36 ડિ.સે., ડીસામાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 35 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 38 ડિ.સે.,અને દમણમાં 33 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયું હતું.એકલા નલિયામાં ઠંડીનો પારો 18 ડિગ્રીએ પહોચ્યો હતો.

Most Popular

To Top