નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડાની એક સોસાયટીમાં વિચિત્ર બનાવ બન્યો હતો. અહીં સોસાયટીમાં સ્થિત ‘હરે કૃષ્ણા હરે રામા’ મંદિરમાં (Temple) ઘંટના કારણે પ્રદૂષણ થયું હોવાની જાણ થતા, ઉત્તર પ્રદેશ પોલ્યુશન બોર્ડે સોસાયટીને નોટિસ (Notice) પાઠવી હતી. ત્યારે આ નોટિસ સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં ફરતી થતા ભારે હોબાળો થયો હતો.
મળેલી માહિતી મુજબ યુ.પી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગ્રેટર નોઈડાની ગૌર સૌંદર્યમ સોસાયટીને મંદિરનો ઘંટ વગાડવા બદલ નોટિસ પાઠવી હતી. ત્યારે તપાસ દરમિયાન ઘંટનો અવાજ માપદંડ કરતાં વધુ હોવાનું જણાયું હતું. જેના કારણે બોર્ડે એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનને ઘંટનો અવાજ ઓછો કરવા જણાવ્યું હતું. દરમિયાન પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ બાદ એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશનએ સોસાયટીના વોટ્સએપ ગ્રુપ અને નોટિસ બોર્ડ પર આ નોટિસ ફરતી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે લોકોએ ઘંટ ધીમેથી વગાડવો જોઈએ. આટલું જ નહીં પણ નોટિસમાં મંદિરના ઘંટના કારણે ધ્વનિ પ્રદૂષણ થતા સોસાયટીના સભ્યોને ઓછા સમય માટે ઘંટ વગાડવાની સૂચના અપાઇ હતી.
આખો મામલો સામે આવ્યા બાદ સોસાયટીના લોકો રોષે ભરાયા હતા. તેમજ તેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સાથે જ સોસાયટીના લોકોએ સોશિયલ મીડિયા ઉપર પણ પોલ્યુશન બોર્ડ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. ત્યારે મામલો વેગ પકડતો જોઈને પોલ્યુશન કંટ્રોલ બોર્ડે બુધવારે મોડી રાત્રે ઘંટ વગાડવાની ગતિ ધીમી કરવાનો આદેશ પાછો ખેંચી લીધો હતો.
તપાસમાં અવાજ 72 ડેસિબલ હોવાનું સામે આવ્યુ
ઘટનાની વિસ્તૃત માહિતી મુજબ ગ્રેટર નોઇડાની ગૌર સૌંદર્યમ સોસાયટીના બે ટાવર વચ્ચે કોમન એરિયામાં ‘હરે રામા હરે કૃષ્ણ’ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં એક મોટો ઘંટ છે. ત્યારે પૂજા કરવા આવતા લોકો આ ઘંટ વગાડે છે. દરમિયાન ઘંટનો જોરદાર અવાજ સોસાયટીના કેટલાક સભ્યોને ગમતો ન હતો, જેથી આ અંગેની ફરિયાદ મુદિત બંસલ નામના મેલ આઈડી દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવી હતી.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ તેમને 30મી જુલાઈના રોજ આ ફરિયાદ મળી હતી. ત્યારે 5 ઓગસ્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સમગ્ર મામલે તપાસ કરી હતી, જેમાં ઘંટનો અવાજ માપદંડ કરતાં વધુ હોવાનું જણાયું હતું. ઘંટનો અવાજ 72 ડેસિબલ હતો, જ્યારે કોઇ પણ મંદિરના ઘંટનો અવાજ માત્ર 55 ડેસિબલ કે તેથી ઓછો હોવો જોઈએ.
સમગ્ર મામલે તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘણી વખત મોનિટરિંગ કર્યા પછી, એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (AOA) ને ઘંટનો અવાજ ઓછો કરવા વિનંતી કરવામાં આવી હતી. આ પછી પણ સ્થિતિ ન બદલાતા સોસાયટીને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરના ઘંટનો અવાજ દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલથી વધી રહ્યો છે, માટે આ અવાજને નિયંત્રિત કરવામાં આવે.
લોકોએ નોટિસ અંગે નારાજગી વ્યક્ત કરી
નોટિસની કોપી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમજ લોકોએ કહ્યું હતુ કે પોલ્યુશન વિભાગ પ્રદૂષણને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યુ છે. વિભાગ ફેક્ટરીઓ વગેરેના પ્રદૂષણને બદલે મંદિરના ઘંટના અવાજ પર નોટિસ મોકલી રહ્યું છે, જે તદ્દન ખોટી બાબત છે. મંદિરના ઘંટના કારણે અવાજનું પ્રદૂષણ થતું નથી.