Business

15 સપ્ટેમ્બરથી બદલાશે UPIના નિયમો: Gpay-PhonePeના યુઝર્સ જાણી લો નવી લિમિટ

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ભારતના સૌથી મોટા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ્સમાંનું એક છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સતત આ સિસ્ટમને વધુ ઉપયોગી અને સરળ બનાવવા માટે ફેરફારો કરતી રહે છે. ગયા મહિને ઓગસ્ટમાં કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે ફરી એક મોટો બદલાવ જાહેર કરવામાં આવ્યો છે. નવા નિયમો મુજબ તા.15 સપ્ટેમ્બર 2025થી ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી દેવામાં આવશે.

વ્યક્તિથી વ્યક્તિ વ્યવહાર યથાવત
સૌ પ્રથમ વ્યક્તિથી વ્યક્તિ (P2P) ટ્રાન્ઝેક્શન માટે મર્યાદા યથાવત રહેશે. એટલે કે પરિવાર કે મિત્રો વચ્ચે પૈસા મોકલવા માટે હાલની જેમ જ દરરોજ મહત્તમ 1 લાખ રૂપિયાની મર્યાદા લાગુ રહેશે. તેમાં કોઈ બદલાવ નહીં આવે.

વ્યક્તિથી વેપારી (P2M) વ્યવહાર પર નવા નિયમો લાગુ
નવા નિયમો ખાસ કરીને વ્યક્તિથી વેપારી (P2M) ટ્રાન્ઝેક્શન માટે લાગુ થશે. એટલે કે વીમા પ્રીમિયમ, લોન EMI, મૂડીબજાર રોકાણ, પ્રવાસ બુકિંગ, ક્રેડિટ કાર્ડ બિલ અને સરકારી પેમેન્ટ્સ જેવી સેવાઓ માટે મર્યાદા ઘણી વધી જશે.

UPI મર્યાદામાં શું બદલાઈ રહ્યું છે?

  • મૂડી બજાર રોકાણ અને વીમા પ્રીમિયમ: હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખની બદલે 5 લાખ રૂપિયા સુધી ચુકવણી કરી શકાશે. દૈનિક મર્યાદા 10 લાખ રૂપિયા રહેશે.
  • સરકારી ઈ-માર્કેટપ્લેસ અને ટેક્સ પેમેન્ટ: પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઈ છે.
  • મુસાફરી બુકિંગ: હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને દૈનિક મર્યાદા 10 લાખ રૂપિયા રહેશે.
  • ક્રેડિટ કાર્ડ બિલ: એક ટ્રાન્ઝેક્શનમાં 5 લાખ રૂપિયા સુધી અને દૈનિક મર્યાદા 6 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
  • લોન અને EMI કલેક્શન: મર્યાદા વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખથી 10 લાખ રૂપિયા કરી દેવાઈ છે.
  • ઝવેરાત ખરીદી: હવે 2 લાખ રૂપિયા સુધીનું એક વખત ટ્રાન્ઝેક્શન કરી શકાશે. જ્યારે દૈનિક મર્યાદા 6 લાખ રૂપિયા રહેશે.
  • ટર્મ ડિપોઝિટ: અહીં મર્યાદા 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે.

અન્ય મહત્વપૂર્ણ બદલાવ
ડિજિટલ એકાઉન્ટ ખોલવા માટેની મર્યાદા યથાવત 2 લાખ રૂપિયા રહેશે. આ ઉપરાંત, BBPS (Bharat Bill Payment System) દ્વારા વિદેશી હૂંડિયામણ પેમેન્ટ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન અને દૈનિક મર્યાદા 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

શું ફાયદો થશે?

  • હવે મોટી ચૂકવણીને નાના ભાગોમાં વિભાજીત કરવાની જરૂર રહેશે નહીં.
  • UPI દ્વારા વીમા પ્રીમિયમ, લોન EMI અને રોકાણ સરળતાથી કરી શકાય છે.
  • રીઅલ-ટાઇમ સેટલમેન્ટ સાથે ચુકવણીઓ વધુ સરળ બનશે..

તા.15 સપ્ટેમ્બરથી લાગુ થનારા આ નવા નિયમો ખાસ કરીને Google Pay, PhonePe, Paytm જેવા પ્લેટફોર્મ વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

Most Popular

To Top