હથોડા: કોસંબા (Kosamba) નજીકના કુંવારદા ગામે રહેતા અને એલઆઇસીના એજન્ટ (LIC Agent) તરીકે કામ કરતા યુવાનને યુપીથી (UP) પોલીસના (Police) નામે ફોન કરી ધમકાવવાનો પ્રયાસ કરાયો હતો. ભોગ બનનારા યુવાને કોસંબા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની વિગત એવી છે કે, કુંવારદા નજીક રહેતા એલઆઇસી એજન્ટ વિકાસરામ રતનભાઇ પાઠકનાં લગ્ન યુપી ખાતે થયાં છે. અને સાસરા પક્ષ સાથે અણબનાવ ચાલે છે, એ બાબતની ખબર પડતાં યુવાનને ફોન કરીને ધમકાવવાનું શરૂ કરીને જણાવ્યું હતું કે, ‘પુરાની બસ્તી ઉત્તરપ્રદેશ સે બોલ રહા હું, આપ કી શાદી રાજેન્દ્ર મિશ્રા કી લડકી કે સાથ હુઈ હૈ, ઔર આપને મારકે લડકી કો ઘર સે નિકાલ દિયા હૈ, આપકે સસુર રાજેન્દ્ર મિશ્રાજી આપ કે ખીલાફ મુકદ્દમા દર્જ કરાને આયે હુએ હૈ.
ત્યારે યુવાને જણાવ્યું કે, અમારે માંગરોળ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ ચાલે છે. અને મારા સસરા એમની છોકરીને કોસંબા પોલીસ સ્ટેશનથી લઈ ગયા છે. એટલે મારામારીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્યારે પોલીસની ભાષામાં ફોન કરીને ધમકાવનાર સામા છેડેથી ઉશ્કેરાઇ ગયો હતો. અને જણાવ્યું કે, તમે તમારા સસરા રાજેન્દ્ર મિશ્રા સે બાત કરી લો કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી ફોન કરનારની સામે શંકા જતાં તપાસ કરતાં પોલીસને બદલે મોબાઈલ કરનાર યુપીનો અજય પાંડે નામનો એડ્વોકેટ હોવાનું બહાર આવ્યું હતું. અને તેણે રાજેન્દ્ર મિશ્રા સાથે મિલીભગતમાં યુવાનને ધમકાવવાનો ફોન કર્યાની શંકા રાખી આખરે ભોગ બનેલા યુવાને કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બરાનપુરાના યુવકની બાઇક ચોરનાર ઝડપાયો
ભરૂચ: ભરૂચના દાંડિયા બજાર સ્થિત બરાનપુરા વિસ્તારમાં રહેતા સેંજલકુમાર શંભુભાઈ પટેલનો દીકરો બર્ગમેન મોપેડ નં.(GJ-૧૬ TE-૨૧૬૨) લઈને તા.૧૭મી મેના રોજ સાંજે ભરૂચ શીતલ સર્કલ વિસ્તારમાં T-૮ ફિટનેસ જીમમાં ગયો હતો. એ વેળા જીમ નીચે પાર્ક કરેલી મોપેડને કોઈ વાહનચોર ચોરી કરી જતાં ભરૂચ સી-ડિવિઝનમાં રૂ.૮૨ હજારની મોપેડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસને એવી બાતમી મળી હતી કે, ચોરી થયેલી મોપેડ એક ઇસમ કસક ગરનાળાથી સર્કલ તરફ પસાર થાય છે. જેને લઈને પોલીસે ઝડપી પાડી સઘન પૂછપરછ કરતાં ચોર કંથારિયાના આશિયાનાનગરમાં રહેતો યાસીન યુનુસ બાજીભાઈને કાગળો ન આપતાં આખરે પોલ પકડાઈ જતાં અટકાયત કરાઈ હતી.