ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર આજ રોજ તા. 5 નવેમ્બર સવારે એક ભયાનક ટ્રેન અકસ્માત બન્યો છે. માહિતી મુજબ ટ્રેન નંબર 12311ના પસાર થવાના સમયે રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલા અનેક મુસાફરો ટ્રેનની અડફેટે આવ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું છે. અકસ્માત બાદ સ્ટેશન પર ભારે હડકંપ મચી ગયો હતો.
આજ રોજ સવારના 9:30 વાગ્યાના આસપાસ બનેલી આ ઘટનામાં ચુનાર સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાંથી કેટલાક મુસાફરો પ્લેટફોર્મની વિરુદ્ધ બાજુએ ઉતર્યા હતા. એ સમયે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક એક્સપ્રેસ ટ્રેન તેમને ટક્કર મારી ગઈ.
અહેવાલો મુજબ આ મુસાફરો પ્લેટફોર્મ બદલવા માટે લાઇન ક્રોસ કરી રહ્યા હતા પરંતુ એ દરમિયાન બીજી ટ્રેન અચાનક આવી પહોંચી. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણથી વધુ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા . જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
અકસ્માતની જાણ થતાં જ રેલ્વે અધિકારીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ટ્રેન સેવા થોડીવાર માટે રોકી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાની નોંધ લીધી છે અને અધિકારીઓને તરત જ રાહત કામગીરી શરૂ કરવા તથા ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો છે. સીએમ યોગીએ જણાવ્યું “મિર્ઝાપુરના ચુનાર સ્ટેશન પર બનેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે.”
યોગી સરકારે SDRF અને NDRFની ટીમોને ઘટનાસ્થળે મોકલી દીધી છે. જેથી બચાવ કામગીરી ઝડપી રીતે પૂર્ણ થાય. સ્થાનિક વહીવટી તંત્ર અને રેલ્વે વિભાગ પણ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે.
પ્રાથમિક તારણ મુજબ મુસાફરોની બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થામાં ખામી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું અનુમાન છે.
સ્થાનિક લોકોનો આરોપ છે કે ચુનાર સ્ટેશન પર લાંબા સમયથી યોગ્ય ફૂટઓવર બ્રિજ અથવા અન્ડરપાસની સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે મુસાફરો વારંવાર રેલ્વે ટ્રેક પરથી જ પસાર થવા મજબૂર થાય છે. આ અકસ્માત બાદ રેલ્વે વિભાગે સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની ખાતરી આપી છે.
આ દુર્ઘટનાએ એક વાર ફરી રેલ્વે સુરક્ષા પ્રણાલીની ગંભીર ખામીઓને ઉજાગર કરી છે.