Editorial

બળાત્કારની ખોટી ફરિયાદ કરનાર યુવતીને સજા અને યુવાનને વળતરનો યુપી કોર્ટનો આદેશ સરાહનીય

બળાત્કારનો કાયદો સરકારે સખ્ત બનાવવાની સાથે તેમાં સજાની જોગવાઈ પણ કડક કરી દેતા બળાત્કાર એટલે કે દુષ્કર્મ કર્યાની ફરિયાદો વધી ગઈ છે. દેશમાં રેપ, બળાત્કાર કે પછી દુષ્કર્મ કર્યાના રોજ 86 કેસ બને છે. આ તો સત્તાવાર આંકડાઓ છે પરંતુ બિનસત્તાવાર વધારે હોઈ શકે છે. આ ફરિયાદોમાં હનીટ્રેપ જેવી ઘટનાઓ પણ સામેલ હોય છે. ક્યારેય બદલો લેવા માટે પણ બળાત્કારની ફરિયાદો કરવામાં આવતી હોય છે. ક્યારેક યુવતી પકડાઈ જાય તો યુવાન પર બળાત્કારનો કેસ કરે છે. સામાન્ય રીતે કોર્ટ જે કેસમાં બળાત્કારનો આરોપ પુરવાર નહીં થાય તે કેસમાં યુવાનને નિર્દોષ જાહેર કરીને છોડી મુકે છે. પરંતુ યુવાન નિર્દોષ જાહેર થાય ત્યાં સુધીમાં તેની બદનામી તેમજ તેણે જેલમાં ગુજારેલા દિવસોની કોઈ જ ભરપાઈ થઈ શકતી નથી. જોકે, તાજેતરમાં યુપીની કોર્ટે એક કેસમાં એવું વલણ લીધું કે તેને પગલે બળાત્કાર કે દુષ્કર્મની ખોટી ફરિયાદો કરનારી મહિલાઓ ચેતે. કોર્ટે દુષ્કર્મની ખોટી ફરિયાદ કરનાર યુવતીને સજા ફટકારી હતી.

યુપીના બરેલીની આ ઘટના છે. અજય ઉર્ફે રાઘવ નામના યુવાન પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ થઈ હતી. આ કેસ કોર્ટમાં ચાલતો હતો અને તે દરમિયાન ચાર વર્ષ સુધી અજય ઉર્ફે રાઘવ જેલમાં રહ્યો. કેસ જ્યારે ચાલ્યો ત્યારે અજય ઉર્ફે રાઘવે કોર્ટમાં કહ્યું કે, 2019માં શ્રાવણનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. ત્યારે બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીની મોટી બહેન મારી પાસે પ્રોગ્રામ માટે આવી હતી. તેણે કહ્યું હતું કે, અમને પ્રોગ્રામ શીખવો. હું તે શીખવવા માટે તેના ઘરે જતો હતો. જ્યાં પણ અમે પ્રોગ્રામમાં જતા યુવતીની મોટી બહેનના પતિ પણ સાથે રહેતા હતા. યુવતીની માતા અને ભાઈને ખબર હતી કે અમે તેમના ઘરે આવ-જા કરી રહ્યા છે.

એક દિવસ હું મારી માતાની તબિયત ખરાબ હોવાથી હું મારા ઘરે જતો રહ્યો. બીજી તરફ યુવતી ગાયબ થઈ ગઈ અને બાદમાં તેણે એવું કહ્યું કે હું અજયની સાથે હતી અને મારી પર અપહરણ તેમજ બળાત્કારનો કેસ કરવામાં આવ્યો. કેસની સુનાવણી દરમિયાન જુબાની આપતી વખતે યુવતીએ એવું કહ્યું કે, હું અભણ છું અને વાંચવા-લખવાનું જાણતી નથી. પરંતુ જ્યારે સહી કરવાનો સમય આવ્યો ત્યારે યુવતીએ અંગ્રેજીમાં સહી કરી. આના પરથી કોર્ટેને ખબર પડી ગઈ કે યુવતી જુઠ્ઠું બોલી રહી છે અને યુવાનને ફસાવી રહી છે. જેને પગલે કોર્ટે અજયને નિર્દોષ જાહેર કરીને છોડી મુક્યો.

જોકે, કોર્ટ વાત આટલેથી પતાવી નહીં પરંતુ ખોટી ફરિયાદ કરવા બદલ યુવતીને સજા સંભળાવી કે જેટલા વર્ષ યુવાનો જેલમાં કાઢ્યા તેટલા વર્ષ યુવતીએ જેલમાં કાઢવાના રહેશે. સાથે સાથે યુવાન જેલની બહાર રહેતે તો તેને પાંચ લાખની આવક થઈ હોત. એટલે યુવતીએ રૂપિયા પાંચ લાખ યુવાનને આપવાના રહેશે. જો યુવતી  આ નાણાં નહીં ચૂકવે તો વધુ છ માસની સજા ભોગવવાની રહેશે. યુવતીને સજાનો આદેશ કરવાની સાથે કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું કે, આ પ્રકારની મહિલાઓના કૃત્યથી ખરેખર જે મહિલા પીડિત છે તેને નુકસાન થાય છે. આ સમાજ માટે ખૂબ ગંભીર સ્થિતિ છે. પોતાના લક્ષ્યને પુરૂં કરવા માટે પોલીસ અને કોર્ટને માધ્યમ બનાવવા તે આપત્તિજનક છે. મહિલાઓને પુરૂષોના હિત પર આઘાત કરવાની છુટ આપી શકાતી નથી.

યુપીની કોર્ટે જે ચુકાદો આપ્યો તે ખરેખર પ્રસંશનીય છે. કારણ કે હાલના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે બળાત્કારની અનેક ફરિયાદો ખોટી હોય છે. પારિવારિક ઝઘડાની અદાવત, બદલો લેવાની ભાવનાથી માંડીને એકબીજાને ફાવે ત્યાં સુધી સાથે રહીને જ્યારે તકરાર ઊભી થાય ત્યારે પણ બળાત્કારની ફરિયાદો કરવામાં આવે છે. જ્યાં સુધીમાં ફરિયાદ ખોટી સાબિત થાય ત્યાં સુધીમાં તો પીડિત યુવાનની સામાજિક રીતે બદનામ થવાની સાથે સાથે આર્થિક રીતે પણ ખુંવાર થઈ જતો હોય છે.  યુપી કોર્ટ   દ્વારા કરાયેલો આદેશ ખરેખર સીમાચિન્હરૂપ છે.

Most Popular

To Top